Notification

Favourite List

ગુજરાત સસ્પેન્સ થ્રિલરના ઍવૉર્ડ્સ વિજેતા

14 Aug, 2017
12:05 AM

નિખિલ મહેતા

PC: khabarchhe.com

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં જે કંઈ બન્યું એ એક અભૂતપૂર્વ ઘટના હતી. મીડિયાએ જે રીતે એનું કવરેજ કર્યું અને લોકોએ એ મનોરંજનને જે રીતે માણ્યું એના પરથી એ સ્પષ્ટ થઈ ગયું હતું કે આ એક સુપરહિટ ફિલ્મ હતી. એવી સસ્પેન્સ ફિલ્મ જેનો અંત છેલ્લી ઘડી સુધી કોઈ જાણી શક્યું નહોતું. હીરો, વિલન, લાંચ રિશ્વત, બદલો, ધમકી, કિડનેપિંગ, ડાયલૉગબાજી, કૉમેડી અને થ્રિલ સહિતનો બોલીવૂડ ફૉર્મ્યુલા ફિલ્મનો બધો જ મસાલો ફિલ્મમાં હતો. સલીમ જાવેદની કોઈ પણ ફિલ્મને ટક્કર મારે એવા ઉતારચઢાવ આ ફિલ્મની સ્ક્રીપ્ટમાં હતા. 

હકીકતમાં આ ફિલ્મના ક્લાઇમેક્સના દૃશ્યો આઠમી ઓગસ્ટે ભજવાયા, પરંતુ એની સ્ક્રીપ્ટ તો મહિનાઓ પહેલા લખાઈ ચૂકી હતી. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસની નેતાગીરીને પડકારીને પક્ષથી છૂટા થવાનો નિર્ણય લીધો ત્યારે જ ફિલ્મની સ્ક્રીપ્ટ લખાવાનું શરૂ થઈ ચૂક્યું હતું. ભારતીય જનતા પક્ષના પ્રમુખ અમિત શાહે પોતાની ઉમેદવારી નોંધાવી ત્યારથી ફિલ્મનું શૂટિંગનું કામ શરૂ થયું. ફિલ્મ માટેના લોકેશન્સ નક્કી થયા અને કલાકારોને એમના રોલ સમજાવવામાં આવ્યા. નાના મોટા સિન્સ ગાંધીનગરમાં શૂટ કરવામાં આવ્યા. કેટલાક મહત્ત્વના સિન્સ તથા સોંગ સિક્વન્સીસ માટે અમુક કલાકારોને બેંગ્લોર લઈ જવામાં આવ્યા. બધા કલાકારોએ પોતપોતાની રીતે રિહર્સલ કર્યા અને આઠમી તારીખના ક્લાઇમેક્સના સીન માટે તેઓ સજ્જ થઈ ગયા.

આઠમી ઓગસ્ટે ક્લાઇમેક્સનું દૃશ્ય ભજવાયું અને દર્શકોના પૈસા વસૂલ થઈ ગયા. ફિલ્મને સુપરહીટ ડિક્લેર કરવામાં આવી છે. આ ફિલ્મે કેટલા કરોડ રૂપિયાનો ધંધો કર્યો એના આંકડા જાણવા નથી મળતાં, પરંતુ એવું કહેવાય છે કે સલમાન અને આમીરની અગાઉની બધી ફિલ્મોના કલેક્શનના રેકૉર્ડ આ ફિલ્મે તોડી નાંખ્યા છે.

ફિલ્મને સુપરહિટ બનાવવામાં સૌ કોઈનું યોગદાન હતું, પરંતુ એમની ભૂમિકાને વધુ સ્પષ્ટ કરવા માટે હવે બોલીવૂડની એક સંસ્થાએ ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિઓને ઍવૉર્ડ્સ આપવાનું નક્કી કર્યું છે અને એ માટે વિવિધ કૅટેગરી નક્કી કરવામાં આવી છે. આ રહી ઍવૉર્ડ્સની વિગતો.

શ્રેષ્ઠ અભિનેતાઃ અમિત શાહને. આખી ફિલ્મમાં ભારતીય જનતા પક્ષના પ્રમુખની જ મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મની વાર્તા એમની આસપાસ જ ગૂંથવામાં આવી હતી, છતાં જરાય ઓવરએક્ટિંગ કર્યા વિના આ અભિનેતાએ પોતાની ભૂમિકાને ન્યાય આપ્યો. એમના ભાગે ડાયલૉગ્સ પણ ઓછા આવ્યા હતા, છતાં એમના મનમાં જે હતું એ દર્શકો પૂરી રીતે સમજી શકતા હતા. અલબત્ત, આ ફિલ્મમાં છેવટે હીરોનો પરાજય થયો હતો, એમ છતાં હીરોનું મહત્ત્વ ઘટ્યું નથી એ હકીકત એમને હીરો તરીકેની બીજી ફિલ્મો અપાવશે એમાં કોઈ શંકા નથી.

શ્રેષ્ઠ સહાયક અભિનેતાઃ શક્તિસિંહ ગોહિલને. કોંગ્રેસ તરફથી પોતાના ધારાસભ્યોને પક્ષ સાથે જોડી રાખવામાં અને તેઓ ક્રોસ વોટિંગ ન કરે એની તકેદારી રાખવાની મોટાભાગની કામગીરી અહેમદ પટેલે નિભાવી હતી, છતાં શક્તિસિંહ ગોહિલે પોતાની રીતે કામ કરતાં રહીને સહાયક અભિનેતાનો રોલ ખૂબીથી નિભાવ્યો માટે એમને આ ઍવૉર્ડ.

શ્રેષ્ઠ કૉમેડિયનઃ રાઘવજી પટેલ અને ભોળાભાઈ ગોહિલે આ ફિલ્મમાં જે રમૂજી ભૂમિકા નિભાવી એ જોઇને એમને આ ઍવૉર્ડ આપવાનો નિર્ણય લેવામાં જ્યૂરીને બિલકુલ સમય નહોતો લાગ્યો. હકીકતમાં આ ભૂમિકાને પગલે બંને નેતાઓના નામ કૉમેડી જગતમાં છવાઈ ગયા છે.

શ્રેષ્ઠ વિલનઃ બલવંત સિંહ રાજપૂતને. રાજકારણમાં પક્ષાંતર કરવું એ કોઈ બહુ મોટી કે ખોટી હરકત નથી, પરંતુ આવી હરકત કરીને કંઈ જ પ્રાપ્ત ન કરવું એ મોટી હાર ગણાય છે. બલવંત સિંહે આવી જ કોઈ ખોટી ગણતરી કરીને અહેમદ પટેલની સામે ભાજપાના ત્રીજી પસંદના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી. બલવંત સિંહ હવે કોંગ્રેસ માટે નહીં, પરંતુ બીજેપી માટે અણગમતાં થઈ ગયા છે. પોતાના માટે સૌથી વધુ ધિક્કાર પેદા કરવા માટે શ્રેષ્ઠ વિલનનો ઍવૉર્ડ બલવંત સિંહ રાજપૂતને આપવામાં આવે છે.

શ્રેષ્ઠ કોરીયોગ્રાફીઃ શંકરસિંહ વાઘેલાને. ફિલ્મમાં બાપુએ દેખીતી રીતે કોઈ મોટી ભૂમિકા નિભાવી નહોતી અને સ્ક્રીન પર એમની પ્રેઝન્સ પણ ઓછા સમય માટે હતી. એક પ્રશ્નના જવાબમાં એમણે કહ્યું કે 'મેં અહેમદ પટેલને મત નથી આપ્યો.' બસ, આ એક જ ડાયલૉગ એમને આપવામાં આવ્યો હતો, પરંતુ કોંગ્રેસના બળવાખોર ઉમેદવારોએ ક્યારે શું કરવું એનું માર્ગદર્શન બાપુએ જ આપ્યું હતું. એકંદરે, છેવટના અમુક દૃશ્યોને બાદ કરતાં આખી ફિલ્મની કોરીયોગ્રાફી એમણે કરી હતી.

શ્રેષ્ઠ મહેમાન કલાકારઃ શિવ કુમારને. કર્ણાટકના પ્રધાન શિવ કુમારને આમ તો આ ફિલ્મ કે એની વાર્તા સાથે કોઈ લેવાદેવા નહોતી, એમણે ફક્ત પોતાના પક્ષને મદદરૂપ થવા માટે ગુજરાતના ધારાસભ્યોને પોતાના રિસોર્ટમાં આશરો આપ્યો, પરંતુ અચાનક એમને ત્યાં ઇન્કમ ટેક્સની રેડ પાડવામાં આવી અને તેઓ રાતોરાત લાઇમ લાઈટમાં આવી ગયા. એક સાચા મહેમાન કલાકારની જેમ કેમિયો રોલ કરીને તરત જ તેઓ અદૃશ્ય પણ થઈ ગયા. 

શ્રેષ્ઠ ડાયલૉગ્સઃ એક અજાણ્યા લેખકને. ચૂંટણીનું પરિણામ જાહેર થયા પછી રાઘવજી પટેલ તથા ભોળાભાઇ ગોહિલની સાથે બીજેપી કેટલાક સિનિયર નેતાઓ સાથે જે ઉશ્કેરાટભરી વાતચીત થઈ એને ફિલ્મના શ્રેષ્ઠ ડાયલૉગ્સ માનવામાં આવે છે, પરંતુ એ ડાયલૉગ્સ લખનાર લેખકે પોતાનું નામ જાહેર કરવાની ના પાડી હોવાથી ઍવૉર્ડ વિજેતાનું નામ છૂપું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શ્રેષ્ઠ કથા પટકથાઃ આ ઍવૉર્ડ માટે શંકરસિંહ વાઘેલા, અમિત શાહ અને અહેમદ પટેલ એ ત્રણેયના નામો વિચારવામાં આવ્યા હતા, પરંતુ ફિલ્મ જે રીતે આગળ વધી એમ ત્રણમાંના કોઈની સ્ક્રીપ્ટ પોતાની રીતે આગળ ન વધી અને તદ્દન અનપેક્ષિત બનાવો બનવા લાગ્યા, જેને પરીણામે ફિલ્મનો અંત કોઈની ધારણા પ્રમાણેનો ન આવી શક્યો. આ કારણસર આ કૅટેગરીનો ઍવૉર્ડ કોઈને ન આપવાનો નિર્ણય લેવાયો છે.

શ્રેષ્ઠ મ્યુઝિકઃ ફિલ્મનો હાઈ ડ્રામા ભજવાઈ રહ્યો હતો ત્યારે ઇલેક્ટ્રોનિક્સ મીડિયાએ ચોવીસ કલાક એને સુસંગત બૅકગ્રાઉન્ડ મ્યુઝિક આપતા રહીને પોતાની ભૂમિકા બખૂબી નિભાવી હતી. વાર્તાની પક્કડ ઢીલી પડે કે ફિલ્મ જરા લથડાતી લાગે ત્યારે ન્યૂઝ ચેનલોએ પોતાની રીતે એમાં સંગીતમય મસાલો ભરીને ફિલ્મને રસપ્રદ બનાવવાના પ્રયાસ કર્યા હતા.

શ્રેષ્ઠ એડિટિંગઃ ચૂંટણી પંચને. ફિલ્મના અંત ભાગમાં અનેક પાત્રો પોતપોતાની રમજી મુજબ એક્ટિંગ કરવા લાગ્યા હતા અને ઘણી અંધાધૂંધી સર્જાઈ હતી. ફિલ્મનો કોઈ એક અંત લાવવાનું મુશ્કેલ બની ગયું હતું ત્યારે ચૂંટણી પંચે એકદમ સ્લીક અને મક્કમતાભર્યું એડિટિંગ કરીને ફિલ્મનો એક ઇન્ટરેસ્ટિંગ તથા ન્યાયી અંત નક્કી કર્યો માટે એને આ ઍવૉર્ડ.