તમારો સેલ્ફ કૉન્ફિડન્સ તોડનારા લોકો કેવાં હોય છે?

14 Aug, 2017
12:01 AM

સૌરભ શાહ

PC:

બેસ્ટ તો એ છે કે એવા લોકોથી દૂર રહેવું જેમને તમારા ઈગોને પોતાના પગ તળે કચડી નાખવાની મઝા આવતી હોય, જેઓ તમે ગુડ ફૉર નથિંગ છો એવું માનતા હોય અને તમને જતાવતા પણ હોય અને જેમને તમારા આત્મસન્માનની કંઈ પડી ના હોય.

પણ દર વખતે એવું નથી બનતું કે તમે એમને અવગણી શકો. તમારી વર્ક પ્લેસ પર, તમારા મિત્રવર્તુળમાં, તમારાં સગાઓમાં-જ્ઞાતિમાં ઈવન તમારા પોતાના કુટુંબમાં-ઘરમાં તમારે ક્યારેક ને ક્યારેક એવી વ્યક્તિઓ સાથે જખ મારીને પનારો પાડવો પડતો હોય છે જે ડગલેને પગલે તમારો સેલ્ફ કૉન્ફિડન્સ તોડવાનો સભાન કે અભાન પ્રયત્ન કરતા હોય છે.

આવી વ્યક્તિઓ મોટે ભાગે લૂઝર હોવાની. પોતાની જિંદગીમાં જેઓ કશું ઉકાળી નથી શક્યા તેઓ શું ધૂળ બીજાની પ્રગતિ જોઈને રાજી થવાના કે બીજાઓને ગાઈડ કરીને એમને એન્કરેજ કરી શકવાના? એમની પાસે એવી કોઈ કૅપેસિટી હોય તો પહેલાં એનો ઉપયોગ એમણે પોતાના માટે ન કર્યો હોત?

સૌથી પહેલાં તો તમે ઓળખી લો કે તમારી આસપાસ લૂઝર કોણ કોણ છે અને વિનર કોણ કોણ છે. બહુ જ રૂથલેસ બનીને તમારે આ એનેલિસિસ કરવું પડશે. શક્ય છે કે તમારા સગા પિતા લૂઝર હોય. તો મનોમન સ્વીકારી લેવાનું (એમના મોઢે કહેવા નહીં જવાનું).

જિંદગીમાં જેમણે સફળતા મેળવી હોય પણ તે હંમેશાં બીજાના ભોગે મેળવી હોય એવી વ્યક્તિ પણ લૂઝર જ કહેવાય. આની સામે જેને ભૌતિક સફળતા ન મળી હોય અથવા મેળવીને ગુમાવી દીધી હોય પણ જેનામાં ફાઈટિંગ સ્પિરિટ હજુ પણ અકબંધ છે તે વિનર છે. કારણ કે એનામાં હજુય જીતવાની, આગળ વધવાની શક્યતાઓ ભરીને પડી છે.

તમારી પ્રગતિના પ્લાન્સ જોઈને જે તમને પોતાનો ખભો આપવા તૈયાર થાય તે વિનર છે. કારણ કે એને કાલ્પનિક યોજનાઓમાં પણ શ્રદ્ધા છે, આશાવાદી છે. એના વિચારોનો ઉજાસ તમને પણ પ્રકાશ આપશે.

પણ જે તમારી દરેક યોજનામાં કંઈ ને કંઈ ખોડખાંપણ જ શોધ્યા કરતું હશે અને વળી તમને કહેતું પણ હસે કે ‘વ્યવહારુ બનીને બધી બાબતો ચકાસ્યા પછી જ આગળ વધવાનું, હં...’ એવી વ્યક્તિઓ તમારા રસ્તામાં ભવિષ્યમાં વિઘ્નરૂપ જ બનવાની. તમારો ઉત્સાહ તોડ્યા કરશે એ. એનો સ્વભાવ છે એ વીજળીનો બલ્બ શોધનારને કે ટેલિફોનના શોધકને કે પ્રિન્ટિંગ પ્રેસ કે રેડિયો કે ટેલિવિઝન કે ઈમેલ કે સેલફોનના શોધકને એની આસપાસની વ્યક્તિઓ સતત ટોકટોક કર્યા કરતી હોત કે ‘આ તમારું કામ બિલકુલ પ્રૅક્ટિકલ નથી, ખોટો સમય તમે બગાડો છો, ખોટા ખર્ચા તમે કરો છો...’ તો આ દુનિયા આગળ વધી હોત? ના વધી હોત.

તમારું કામ જેટલું મોટું, જેટલું વિશાળ અને જેટલું યુનિક એટલાં તમે વધુ વલ્નરેબલ. કોઈ પણ આવીને તમારા ફુગ્ગામાં ટાંકણી ભરાવી જશે. કારણ કે લોકોએ હજુ સુધી આ ગજાંનું કામ કરનારાઓને પોતાની આસપાસ જોયા જ નથી. એમને એમ લાગે છે કે આવું કામ કરનારાઓ તો કોઈક બીજા જ ગ્રહના માનવી હોઈ શકે, અમારી આસપાસની વ્યક્તિઓમાં એવું ગજું ક્યાંથી હોય.

પ્રિસાઈસલી એટલે જ તમારે એમની આસપાસની વ્યક્તિ મટી જવાનું, એમને તમારાથી દૂર હડસેલી દેવાના, ફિઝિકલી જો એ શક્ય ન હોય તો એક અનિવાર્ય ન્યૂસન્સ તરીકે એનું કહેલું એક કાને સાંભળીને બીજા કાનેથી બહાર કાઢી નાખવાનું.

આ લોકો તમારામાં ઉત્સાહ પ્રેરવાની ક્ષમતા વધારતા નથી એનું બીજું કારણ એ કે એમાંના કેટલાકે ભૂતકાળમાં મોટા ગજાંનું કામ કરવાની કોશિશ કરી હતી. ના કરી શક્યા. ગમે તે કારણ હોય. પણ હવે જો તમે કોઈ મોટા ગજાંનું કામ કરવામાં સફળ થયા તો એમને પોતાની એ જૂની નિષ્ફળતા યાદ આવી જશે. એમને લાગશે કે બીજા લોકો હવે સરખામણી કરશે જેને કારણે પોતાનું નીચાજોણું થશે. તમને ડિસ્કરેજ કરવા પાછળ આવાં પણ કારણો હોવાનાં.

સેલ્ફ કૉન્ફિડન્સ કેળવવા માટે તમે ગમે એટલાં ધમપછાડા કરશો પણ જો આ પ્રકારના લોકોનું મહત્ત્વ તમે તમારી જિંદગીમાંથી ઘટાડી નહીં નાખો તો કાણાવાળી બાલદીને ખુલ્લા નળ નીચે મૂકવા જેવો વ્યર્થ વ્યાયામ થશે.

માટે જ સેલ્ફ કૉન્ફિડન્સવાળી સિરીઝમાં વિષય ચાતરીને આ વાત કહી દીધી.

લાઈફલાઈન

પર્વત ચડતી વખતે તમને નિરુત્સાહ કરનારાઓ ભટકાશે, અધવચ્ચે પહોંચીને ઈર્ષાળુઓ મળશે અને શિખર પર પહોંચશો ત્યારે તમને એવા હૂંફાળા મિત્રો અને સ્વજનો મળશે જેમને તમે ક્યારેય મળ્યા નહોતા, જે તમારી જિંદગીમાં હશે એવી કોઈ કલ્પના પણ તમે નહોતી કરી.

- અજ્ઞાત

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.