રાજકોટમાં ખેડૂતો કેમ આમરણાંત ઉપવાસ બેઠા છે?

PC: khabarchhe.com

ગુજરાતના ખેડૂતોની હાલત હવે દિન-પ્રતિદીન કથળતી જાય છે. કારણ કે, એક તરફ પાણીની તંગી હોવાના કારણે ખેડૂતો વાવણી કરી શક્યા નથી. આ ઉપરાંત જે ખેડૂતોએ વાવણી કરી હતી. તેવા ખેડૂતોને સમયસર પાણી ન મળવાના કારણે પાક નિષ્ફળ ગયો હતો. ત્યારે હવે પાકવીમાના પૈસા મેળવવા માટે પણ ખેડૂતોએ સરકાર સામે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

એક રીપોર્ટ અનુસાર, કપાસના પાકવીમા મુદ્દે ખેડૂતો સરકારની સામે રાજકોટમાં આમરણાંત ઉપવાસ પર બેઠાં છે. આ ખેડૂતોને ગુજરાત કિસાન મોરચા તેમજ કોંગ્રેસે પણ સમર્થન આપ્યું છે. ખેડૂતોએ એકઠાં થઇને રાજકોટના બેડી માર્કેટ યાર્ડની બહાર એકઠાં થઈને વિરોધ શરૂ કર્યો હતો. આ વિરોધ સતત બીજા દિવસે પણ યથાવત છે. ભાવાંતર યોજના અને પાકવીમો જેવા પ્રશ્નોને લઈને આજે પણ ખેડૂતો અલગ-અલગ કાર્યક્રમો આપશે. ખેડૂતોની માગ છે કે, પાકવીમાની વિસંગતતા દૂર થાય, ભાવાંતર યોજના લાગુ થાય તેમજ ચેક ડેમ અને તળાવને ઊંડા કરવામાં આવે.

કોંગ્રેસના પાલભાઈ આંબલીયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જેવી રીતે રીલાયન્સને પાકવીમાની અંદર છૂટ્ટો દોર આપવામાં આવ્યો છે. તે જોતા એવું લાગે છે કે, રીલાયન્સ છે એ આ સરકારનો દત્તક લીધેલો દીકરો છે. રાજકોટનું એક ઉદાહરણ લેવામાં આવે તો રાજકોટની અંદર ખેડૂતોનો મગફળીનો ક્લેમ 1200 કરોડની આસપાસનો છે. તેમાંથી 631 કરોડ રૂપિયા વીમા પ્રીમિયમ પેટે ખાનગી કંપની રીલાયન્સને આપવામાં આવ્યા છે. 631 કરોડની સામે વીમા કંપનીએ ખેડૂતોને માત્ર 319 કરોડ આપ્યા છે. એટલે રાજકોટ એકમાંથી 312 કરોડનો નફો વીમા કંપનીએ કર્યો છે. આ ઉપરાંત, રાજકોટની અંદર ત્રણ-ચાર તાલુકાઓને સરકાર દ્વારા અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. અછતગ્રસ્ત જાહેર કરાયેલા તમામ ગામડાંઓને સંપૂર્ણ વીમો આપે તો વીમા કંપનીને નુકસાન જતું હતું. રાજકોટના અને બીજા જિલ્લામાં પાણીની તંગીના કારણે અછત જેવી સ્થિતિ છે. એટલે મગફળી અને કપાસ એ તો સપના જોવા જેવી વાત છે. આ માટે પાકવીમો મળવો જોઈએ અને 100% મળવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp