26th January selfie contest

ખેડૂતો માટે સારા સમાચાર, સરકારે કરી આ મોટી જાહેરાત

PC: Youtube.com

રાજ્યમાં ઓછા વરસાદના પગલે ખેડૂતો ચિંતાતુર હતા ત્યારે રાજ્ય સરકારે રાહતના સમાચાર આપ્યા છે. હવે પીવાના પાણીની વ્યવસ્થા બાદ સિંચાઈ માટે વધુ પાણી અપાશે. નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં વરસાદ ખેંચાયો છે તેના કારણે સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રની કેનાલોમાં સરકાર પાણી છોડશે. હાલ 12 હજાર કયુસેક પાણી છોડાયું છે. ઘણા એવા જિલ્લા છે જેમાં ઓછો વરસાદ થયો છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના અલગ અલગ વિસ્તારોમાં ખેડૂતોનો રવિ પાકન બગડે તે માટે સરકાર દ્વારા મહત્ત્વનું પગલું લેવામાં આવ્યું છે. નીતિન પટેલે આ બાબતની જાહેરાત કરી છે.

નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે 'MSPમાં તો ખૂબ મોટા પ્રમાણમાં ગુજરાતને લાભ મળ્યો છે. આ વર્ષે આપણે લગભગ 10 લાખ ટન જેટલી મગફળીની ખરીદી કરી, તુવેરની ખરીદી કરી. આ અગાઉ કપાસની ખરીદી કરી. ગયા વર્ષે પણ જરૂરિયાત પ્રમાણે મોટા પ્રમાણમાં મગફળીની ખરીદી હતી અને બજાર ભાવ ટેકાના ભાવ કરતા જે પાકમાં નીચો ગયો હતો તે પાકની ખરીદી કરીને ખેડૂતોને ખૂબ મોટો સહયોગ અને આર્થિક રીતે પગભર થવાની મદદ ભારત સરકારની યોજના પ્રમાણે રાજ્ય સરકારે કરી છે એટલે તે યોજનાનો અમલ ગુજરાતમાં ખૂબ સારી રીતે થયો છે.'

'આ વર્ષે ખેડૂતોની લાગણી અને રાજ્ય સરકારોની રજૂઆત અને મુખ્યમંત્રીઓની રજૂઆતને ધ્યાનમાં લઈને PM મોદીએ ટેકાના ભાવની યોજનાની સાથે નવી એક વધારાની યોજના અમલમાં મૂકી છે. આ યોજનાને કેન્દ્રીય કેબિનેટે બહાલી આપી છે. તેને અંતર્ગત રાજ્યોમાં તેલીબીયા પાકો છે તેવા પાકોને પણ ટેકાનો ભાવ મળી રહે તે માટે ભારત સરકારે નવા પ્રકારની યોજના ગઈકાલે અમલમાં મૂકી છે. એના નીતિ નિયમોની રાજ્ય સરકાર રાહ જોઈ રહી છે. કેબિનેટે બહાલી સૈદ્ધાંતિક આપી છે. ટૂંક સમયમાં ભારત સરકારના કૃષિ વિભાગ તરફથી બધી વિગતો આવી જાય એટલે ખેડૂતોને તેની માહિતી પૂરી પાડવામાં આવશે. આ યોજનાનો ભાવાર્થ એ છે કે તેલીબિયાનું વાવેતર કરતા ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવ મળે એ માટે ટેકાના ભાવની ખરીદી સિવાય પણ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ભારત સરકાર ઊભી કરવા માગે છે. ગુજરાતના અને દેશના ખેડૂતોની આવક 2022 સુધીમાં જે ડબલ કરવાની PM મોદીની જે યોજના છે તેના અનુરૂપ જ આ યોજના કેન્દ્રીય કેબિનેટે જાહેર કરી છે.'

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp