26th January selfie contest

અક્ષય તૃતીયા: શા માટે ખાસ છે આ તહેવાર, જાણો પૂજા-ખરીદીનું શુભ મુહૂર્ત

PC: amazonaws.com

વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજને અક્ષય તૃતીયાના પર્વ તરીકે મનાવવામાં આવે છે. હિંદુ પંચાંગમાં પણ આ તિથિને સૌથી શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવી શકે છે અને આ દિવસે કરવામાં આવેલા શુભ કામની ક્યારેય ક્ષય થતો નથી એટલે તેને અક્ષય તૃતીયા કહે છે.

આ વર્ષ અક્ષય તૃતીયા 18 એપ્રિલ 2018ના ઉજવવામાં આવશે. અક્ષય તૃતીયાના દિવસને ભગવાન પરશુરામના જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, માટે તેને પરશુરામ ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે લગ્ન કરવાવાળાને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

શું છે માન્યતા

સ્કંદ પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વૈશાખ સુદ પક્ષની ત્રીજના માતા રેણુકાના ગર્ભથી ભગવાન વિષ્ણુએ પરશુરામના રૂપમાં જન્મ લીધો હતો. આ દિવસે ખાસ કરીને દક્ષિણ ભારતમાં પરશુરામ જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

તેની સાથે આ દિવસે લક્ષ્મી માતાની પ્રસન્નતા માટે વિશેષ પૂજા-પાઠ કરવામાં આવે છે. આ દિવસે મહાલક્ષ્મીની પ્રસન્નતા માટે વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે દેવીના પ્રસન્ન થવાથી ધનની પ્રાપ્તિ થાય છે. અક્ષય તૃતીયાના દિવસને ઘણો શુભ અને ઘણું ફળ પ્રદાન કરવાવાળો દિવસ પણ માનવામાં આવે છે.

સાથે એ પણ કહેવામાં આવે છે કે અક્ષય તૃતીયા પર જ ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને વનવાસ જતી વખતે અક્ષય પાત્ર આપ્યું હતું. અક્ષય પાત્ર એવું પાત્ર છે જે ક્યારેય પણ ખાલી થતું નથી. સાથે જ આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના બાળપણના મિત્ર સુદામાની ગરીબીને દૂર કરી હતી.

શું છે મહત્ત્વ

શાસ્ત્રો પ્રમાણે અક્ષય તૃતીયાના દિવસે વૃંદાવનના બાંકે બિહારીજીના મંદિરમાં વર્ષમાં એક વખત શ્રી વિગ્રહના ચરણ દર્શન થાય છે. આ દિવસે જ ભગવાન ગણેશે મહાભારત લખવાની શરૂઆત કરી હતી. સાથે જ આ પવિત્ર સ્થળ બદરીનાથના દ્વાર પણ ખૂલી જાય છે.

અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાની વિશેષ પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સોનું ખરીદવાથી ઘરમાં સમૃદ્ધિ વધે છે પરંતુ કોઈ કારણોસર જો તમે આ દિવસે સોનું ખરીદી ન શકો તો આ દિવસે દાન અવશ્ય કરવું જોઈએ. આ દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે. દાન કરવાથી તમારો આવનારો સમય સારો થશે તેવું માનવામાં આવે છે.

પૂજાનું મુહૂર્ત

અક્ષય તૃતીયા પર પૂજા કરવાનું શુભ મુહૂર્ત સવારે 05.56 મિનિટથી લઈને બપોરે 12.20 વાગ્યા સુધીનું છે.

ખરીદી કરવાનું શુભ મુહૂર્ત

સવારે 5.56થી અડધી રાત સુધી અક્ષય તૃતીયાના દિવસે ખરીદી કરવાનું શુભ મુહૂર્ત છે. 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp