26th January selfie contest
BazarBit

ગુજરાતના સંતો મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરવા પહોંચ્યા, જાણો કઇ હતી બાબત

PC: thestatesman.com

ગુજરાતના સંત પૂજ્ય મોરારીબાપુ પર હુમલાનો પ્રયાસ કરનારા ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકના વર્તન અંગે રાજ્યભરના સંતોએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળીને રજૂઆત કરી હતી. આ સંતોએ કહ્યું હતું કે ભાજપના પૂર્વ ધારાસભ્યએ તેમના વર્તન બદલ જાહેરમાં મોરારીબાપુની માફી માગવી જોઇએ.

દ્વારકામાં દર્શન કરવા માટે આવેલા મોરારીબાપુ જ્યારે મિડીયા સાથે ચર્ચા કરી રહ્યાં હતા ત્યારે ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક મોરારીબાપુ પર હુમલો કરવા માટે ધસી આવ્યા હતા પરંતુ જામનગરના ભાજપના મહિલા સાંસદ પુનમ માડમે મોરારીબાપુને બચાવી લીધા હતા.

આ ઘટનાના તીવ્ર પડઘા આખા રાજ્યમાં પડ્યા હતા. ગુજરાતના સંતસમાજમાં ભાજપના નેતા વિરૂદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. મોરારીબાપુએ ઉત્તરપ્રદેશમાં જ્યારે એવું કહ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણના ભાઇ બલરામ મદીરાપાન કરતા હતા ત્યારે યાદવકુળના આગેવાનો છંછેડાઇ ગયા હતા. સૌરાષ્ટ્રમાં આ સમાજના લોકોને દુખ થયું હતું તેથી મોરારીબાપુએ માફી માગી હતી.

તેઓ ભગવાન શ્રીકૃષ્ણની માફી માગવા માટે દ્વારકા ગયા હતા ત્યારે પબુભા માણેક તેમને મારવા ધસી આવ્યા હતા. આ ઘટના પછી સંત સમાજના આગેવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે. સંત સમાજના આગેવાનોનું એક પ્રતિનિધિમંડળ આજે સચિવાલયમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા આવ્યું હતું. તેમને મુખ્યમંત્રી મળ્યા હતા અને સંતોને સાંભળ્યા હતા.

સંત આગેવાનોએ મુખ્યમંત્રીને કહ્યું હતું કે આપની પાર્ટીના નેતા અને પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક જાહેરમાં મોરારીબાપુની માફી માગે તેવી અમારી ઇચ્છા છે. અમને ન્યાય જોઇએ છે. સામે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે હું પબુભા માણેક સાથે વાત કરીશ. હું ખાત્રી આપું છું કે આ મુદ્દો શોર્ટઆઉટ થઇ જવો જોઇએ. અગાઉ મુખ્યમંત્રી રૂપાણીએ ટ્વિટ કરીને પણ આ ઘટનાને વખોડી કાઢી હતી.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp