ગુજરાતના 14માંથી 11 ટેક્સટાઈલ પાર્ક સુરત જિલ્લામાં બન્યા છે: સ્મૃતિ ઈરાની

PC: khabarchhe.com

કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાનીના હસ્તે માંગરોળના કરંજ ખાતે ભારત સરકારના ટેક્સટાઈલ મંત્રાલય અને ગુજરાત સરકારના સહયોગથી રૂ.104 કરોડના ખર્ચે નવનિર્મિત ‘કરંજ ટેક્સટાઈલ પાર્ક’નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, ટેક્સટાઈલ ક્ષેત્રનાં ઝડપી વિકાસ માટે વિશ્વ કક્ષાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવા માટે કાપડ મંત્રાલયની મહત્ત્વાકાંક્ષી ‘સ્કીમ ફોર ઇન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ પાર્ક’ યોજના અંતર્ગત દેશભરમાં 66 જેટલા ટેક્સટાઈલ પાર્ક સ્થાપિત કરવામાં આવનાર છે, જે પૈકી ગુજરાતમાં નિર્માણ પામેલા કુલ 14 ટેક્સટાઈલ પાર્ક પૈકી સુરત જિલ્લા 11 ટેક્સટાઈલ પાર્ક બન્યા છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે કેન્દ્ર સરકારની ટેક્સટાઈલ ઉદ્યોગોને વિકાસના માર્ગે અગ્રેસર કરવા માટે આ યોજનાએ ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી છે એમ જણાવી આ પાર્કના કાર્યરત થનાર 40 જેટલા યુનિટોના કારણે 800 થી વધુ લોકોને રોજગારી અને રૂ.300 કરોડથી વધુનું ઔદ્યોગિક રોકાણ શક્ય બનશે.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ઇન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ પાર્ક થકી ટેક્સટાઈલ ઉદ્યોગના કારીગરોને એક જ સ્થળે આવાસ-નિવાસની સુવિધાઓ ઉભી કરી એક આખી ઇન્ટીગ્રેટેડ ચેઈન દ્વારા વિવિંગ, નીટીંગ ક્ષેત્ર સહિતના ઔદ્યોગિક એકમોને સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવાનો કેન્દ્ર સરકારે પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે, ગુજરાત અને ખાસ કરીને સુરત ઉદ્યોગ સાહસિકોની ધરતી છે, ત્યારે બિઝનેસ સ્થાપવા ઈચ્છતા પ્રતિભાશાળી નવયુવાનોને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે વિઝન નેક્સ્ટ પ્રોજેક્ટ હેઠળ ટ્રેન્ડ ફોરકાસ્ટિંગ લેબની સ્થાપના કરી છે, જે ડિઝાઇન, ઇનોવેશન અને ઇન્કયુબેશન દ્વારા દ્વારા સ્ટાર્ટ અપ શરૂ કરી પોતાનો ઉદ્યોગ સ્થાપવાની યુવાનોને તક પૂરી પાડે છે.

તેમણે ઉદ્યોગકારો માટે ‘યાર્ન બેંક’ સ્થાપિત કરવા, તેનું સંચાલન કરવા માટે કેન્દ્રનું ટેક્સટાઈલ મંત્રાલય રૂપિયા બે કરોડનો સહયોગ આપવા તૈયાર હોવાનું પણ ભારપૂર્વક જણાવી આ યોજનાનો લાભ લેવાનો પણ અનુરોધ કર્યો હતો. તેમણે ટેક્સટાઈલ ઉદ્યોગનો સર્વાંગી વિકાસ કરવા તેમજ પરંપરાગત વસ્ત્ર ઉદ્યોગને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવા રાજ્ય અને કેન્દ્ર સરકાર પરસ્પર સહયોગથી શક્ય તેટલી તમામ મદદ કરવાની બાહેધરી આપી હતી.

સાંસદ પ્રભુ વસાવાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયાના વિઝનને સાકાર કરવા તરફ સુરતના ટેક્સટાઈલ ક્ષેત્રનું આ મહત્ત્વાનું પગલું છે. ટેક્સટાઈલ ઉદ્યોગ ખેતી પછી સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ છે. તેથી જ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની સાથે મળી આ ક્ષેત્રમાં રહેલી વિકાસની તકોને વિશાળ બજાર પૂરું પાડવા માટે સતત પ્રયત્નશીલ છે. આ પાર્ક માટે રાજ્ય સરકારે 10 કરોડ તથા કેન્દ્ર સરકારે 40 કરોડની ફાળવણી કરી છે.

આ વેળાએ માંગરોળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રતિનિધિઓ અને સંઘ દ્વારા મંત્રીનું સન્માન કરાયું હતું આ પ્રસંગે સાંસદ દર્શનાબેન જરદોશ, કાપડ મંત્રાલયનાં જોઈન્ટ સેક્રેટરી નિહાર રંજન દાસ, દ.ગુજ.ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ હેતલ મહેતા, દિનેશ અગ્રવાલ સહિત મોટી સંખ્યામાં ટેક્સટાઈલ ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp