કેલ્ક્યુલેટર રિપેરિંગ કરતા આ વ્યક્તિએ કેવી રીતે ઊભી કરી 2000 કરોડની કંપની?

PC: rozgardekho.com

શાળાનું ભણતર છોડી દીધા પછી હંમેશાં એવું માની લેવામાં આવે છે કે તે બાળક કદાચ જ જીવનમાં આગળ વધી શકશે અને કંઈક કરી શકશે પરંતુ પૂણેના કૈલાશ કાટકરે ભારતીય સમાજની આ સામાન્ય ધારણાને પોતાની સફળતાથી ખોટી પાડી દીધી છે. કૈલાશ કાટકરની સફળતા ખાસ કરીને એ લોકો માટે આશા જગાડે છે જે જે આર્થિક-સામાજિક મજબૂરીથી ક્યાં તો સ્કૂલનું ભણતર છોડી દે છે અથવા તો સ્કૂલ જઈ પણ નથી શકતા. કૈલાશ કાટકરે બતાવી દીધું કે સફળતા કોઈ ડીગ્રીની મોહતાજ નથી.

કૈલાશ કાટકર સાયબર સિક્યોરિટી કંપની ક્વિક હિલ ટેક્નોલોજીના ફાઉન્ડર, MD અને CEO છે. તેમની કંપની એન્ટી વાયરસ અને સાયબર સિક્યોરિટી સોલ્યુશનની સૌથી વિશ્વાસપાત્ર કંપનીઓમાંની એક છે. કૈલાશ કાટકરે શૂન્યમાંથી સર્જન કર્યું છે. 1966માં મહારાષ્ટ્રના એક નાના ગામમાં જન્મેલા કૈલાશ કાટકરનું નાનપણ પૂણેમાં વીત્યું. તેમનું બેકગ્રાઉન્ડ ખૂબ સામાન્ય હતું. તેમના પિતા મશીન સેટરનું કામ કરતા હતા અને માતા હાઉસવાઈફ હતા.

કૈલાશ કાટકરનું મન ભણવામાં ઓછું લાગતું હતું તેથી 10મા પછી તેમણે ભણવાનું છોડી દીધું હતું. જોકે પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય હતી તેથી પરિવારને મદદ મળી શકે તે માટે તેમણે કેલ્ક્યુલેટર અને રેડિયો રિપેરિંગની દુકાન પર નોકરી કરવી પડી હતી. જલદી જ તેમણે આ કામ શીખી લીધું હતું. લગભગ પાંચ વર્ષ સુધી તેમણે આ દુકાન પર કામ કર્યું હતું. આ સમય દરમિયાન જ તેમણે એકાઉન્ટિંગ અને ઓપરેશન્સ જેવા કામ પણ શીખ્યા હતા.

1991માં પ્રથમ વખત તેમણે કેલ્ક્યુલેટર રિપેરિંગનો બિઝનેસ શરુ કર્યો હતો. 15 હજાર રુપયાથી શરુ કરેલા આ બિઝનેસ માટે કૈલાશ કાટકરે 100 ચો.ફૂટની દુકાન ભાડે લીધી હતી. પોતાની મહેનત અને લગનથી તેમણે બિઝનેસને સફળ બનાવ્યો હતો.

આ પછી તેમના મગજમાં બિઝનેસની મોટી યોજનાઓ આવવા માંડી. આ તે સમય હતો જ્યારે કમ્પ્યૂટર અને ઈન્ટરનેટની ચારેબાજુ ચર્ચા હતી. તેમણે કમ્પ્યૂટર અને ઈન્ટરનેટના શોર્ટ ટર્મ કોર્ષ શીખવાનું શરુ કર્યું. 1993માં તેમણે કેટ કમ્પ્યૂટર સર્વિસિસની શરૂઆત કરી. તેમની કંપની ક્લાઈન્ટને મેન્ટેનંસ સર્વિસ આપતી હતી.

શરૂઆતની થોડી મુશ્કેલીઓ પછી તેમને એમાં મોટી સફળતા મળી જ્યારે ન્યૂ ઈન્ડિયા ઈન્સ્યોરન્સના મેન્ટેનંસનો કોન્ટ્રાક્ટ તેમને મળ્યો. ત્યાર બાદ આ પ્રકારના કોન્ટ્રાક્ટની લાઈન લાગી ગઈ હતી. 1994મા તેમની કંપનીએ પ્રથમ એન્ટી વાયરસ ડેવલપ કર્યો જેનું નામ રખાયું ક્વિક હિલ.

આજ સમયે કૈલાશ કાટકરના ભાઈ સંજયે પૂણે યુનિવર્સિટીમાંથી કમ્પ્યૂટર સાયન્સનો કોર્સ કર્યા પછી DOS માટે એક એન્ટી વાયરસનો પ્રોગ્રામ ડેવલપ કર્યો હતો જેની કિંમત તેમણે બજારમાં ઉપલબ્ધ અન્ય એન્ટી વાયરસની સરખામણીમાં ખૂબ ઓછી રાખી હતી. અને તેની સાથે જ ક્વિકહિલ જોરદાર હીટ થઈ ગયું

બિઝનેસમાં ઉતર-ચડાવ તો આવતા જ રહે છે. 1999માં એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે કૈલાશ કાટકરે બિઝનેસ બંધ કરવા સુધીનું વિચારી લીધું હતું પરંતુ 2002 પછી તેઓ લગાતાર સિદ્ધિના શિખરો સર કરી રહ્યા છે અને તેમના બિઝનેસનો વિસ્તાર કરી રહ્યા છે. આજે દેશભરમાં તેમના કર્મચારીઓની સંખ્યા 600થી વધુ છે અને તેમની દેશભરમાં 23થી વધુ ઓફિસ છે. આજના સમયમાં તેમની કંપનીની વેલ્યુએશન 2000 કરોડ રૂપિયાથી પણ વધુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp