કોરોનાએ બિલ્ડરોને રડાવ્યા, મહામારી વચ્ચે કોઈ ઘર ખરીદવા તૈયાર નથી

PC: thewire.in

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા એક તરફ જતી રહી છે, ત્યારે કોરોનાની મહામારી વચ્ચે લોકોની આર્થિક સ્થિતિ પણ કફોડી બની છે. લોકડાઉનના સમયમાં ઘણા લોકોને આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ થઈ હતી. લોકોના ધંધા ઉદ્યોગો બંધ રહેવાના કારણે લોકોની ખરીદ શક્તિમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. કોરોનાની મહામારીની સૌથી વધારે અસર જો કોઈને પડી હોય તો તે રિયલ એસ્ટેટ ઉદ્યોગને પડી છે. કોરોનાની મહામારી વચ્ચે રિયલ એસ્ટેટનો ઉદ્યોગ ભાંગી પડયો છે. લોકડાઉનના કારણે આર્થિક સંકડામણ અને અનિશ્ચિતતાના ધ્યાને લઇને નવા ફ્લેટ, બંગલો અને કોમર્શિયલ મિલકતનું વેચાણ 70 ટકા જેટલું ઘટી ગયું છે. ખરીદી ન થતા પણ મિલકતોના ભાવો તળિયે પહોંચી ગયા છે. એવી પણ માહિતી મળી રહી છે કે, અમદાવાદમાં 100 કરતાં પણ વધુ બિલ્ડરોએ તેમના પ્રોજેક્ટને આ પ્રકારની સ્થિતિમાં સ્થગિત કરી દીધા છે અને જૂના તૈયાર થયેલા મકાનોમાં પણ 70 ટકા જેટલી માંગ નીચે આવી છે.

આ બાબતે જાણકારોનું કહેવું છે કે, જ્યાં સુધી કોરોનાની મહામારી છે ત્યાં સુધી રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં ભાવમાં સતત ઘટાડો થતો રહેશે. અમદાવાદમાં જ નહીં પરંતુ રાજ્યના દરેક શહેરમાં રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં મોટી ખોટ થઈ રહી છે. કેટલાક બિલ્ડરોને તો બેંકની લોન ભરવામાં પણ ફાંફા પડી રહ્યા છે. અત્યારે જે મિલકતોના ભાવથી બેથી ત્રણ ગણા લેવાતા હતા. તે મિલકતો અત્યારે મૂળ કિંમતના 30થી 35 ટકા ભાવે પણ ખરીદવા કોઈ તૈયાર થતું નથી. કોરોનાની મહામારી વચ્ચે આર્થિક સંકડામણમાં આવેલા લોકો એવું વિચારી રહ્યા છે કે, આ સમયમાં રોકડ હશે તો કામ લાગશે.

મહત્ત્વની વાત છે કે, કોરોનાની મહામારીના કારણે લોકોએ તેમનું નવું રોકાણ કરવાનું મોટાભાગે બંધ કરી દીધું છે. આ સમયમાં માત્ર લોકો જીવનજરૂરી ખર્ચ કરી રહ્યા છે કારણ કે, કોરોનાની મહામારીમાં ભવિષ્ય અસુરક્ષિત થવાના ડરને કારણે લોકો નવી મિલકતની ખરીદી કરતા નથી. તો બીજી તરફ કોરોના વાયરસ થયા બાદ તેની સારવાર ખૂબ ખર્ચાળ હોવાના કારણે પણ લોકો ખોટા ખર્ચ કરતા ડરી રહ્યા છે અને પૈસા હાથ પર રાખવાનો વિચાર કરી રહ્યા છે. કોરોના વાયરસના કારણે કેન્દ્ર સરકારે આપેલા લોકડાઉનથી ધંધા અને રોજગારમાં ખૂબ જ મોટો ફટકો પડ્યો છે.

એવી પણ માહિતી મળી રહી છે કે, અમદાવાદમાં 250થી વધારે પ્રોજેક્ટ બિલ્ડર દ્વારા શરૂ કરવામાં આવતા હતા પરંતુ લોકડાઉનના કારણે 100 જેટલા બિલ્ડરોએ પ્રોજેક્ટ હાલમાં સ્થગિત રાખ્યા છે. રાજ્ય સરકારે આપેલા અનલોકમાં હજુ પણ રિયલ એસ્ટેટમાં લોકો મકાનોની ખરીદી કરી રહ્યા નથી. માત્ર 5થી 10 ટકા લોકો રેસિડેન્ટ મકાનની ખરીદી કરવાની ઇચ્છા દર્શાવી રહ્યા છે. ત્યારે બિલ્ડર લોબીમાં આગામી સમયમાં પણ આખા વર્ષ દરમિયાન મિલકતોના ભાવમાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાવાની ભીતિ છે. કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતના અલગ-અલગ શહેરોમાં કરોડોનું રોકાણ કરીને પ્રોજેક્ટ બહાર પાડ્યા છે તેવા બિલ્ડરોને કરોડોનું નુકસાન વેઠવું પડી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp