પ્રાકૃતિક પદ્ઘતિથી મામૂલી ખર્ચે કેળાની ખેતી કરી બમણી આવક રળતા ઉપલેટાના ખેડૂત

PC: Khabarchhe.com

આપણા કૃષિપ્રધાન દેશમાં પ્રકૃતિ સંગાથે પ્રગતિની નવી દિશા આપનારા PM નરેન્દ્ર મોદીના વિઝન મુજબ, ગુજરાતમાં CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા મિશન મોડમાં કામગીરી થઈ રહી છે. તેના સુખદ-ફાયદાકારક પરિણામો પણ સામે આવવા લાગ્યા છે, ત્યારે અત્રે વાત કરીશું ઉપલેટા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત કાનાભાઇ સુવાની, જેમણે કેળામાં પ્રાકૃતિક ખેતી અપનાવીને ખર્ચ નહિવત્ કરી નાંખ્યો છે, ઉત્પાદન વધાર્યું છે અને તેમની આવક બમણી થઈ છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખીજાળિયા ગામમાં રહેતા કાનાભાઇ સુવાએ બે વર્ષ સુધી બે એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી કેળાનું ઉત્પાદન કર્યું છે. તેઓ જણાવે છે કે રાસાયણિક ખેતીમાં ટીસ્યુ કલ્ચર પ્લાન્ટ રૂ. 12-15નો આવે જેના માટે ખાડો ખોદી પાયામાં ડી.એ.પી., એસ.એસ.પી. નાખવાનો ખર્ચ અને જંતુનાશક દવાઓનો ખર્ચ જોતાં છોડ મોટો થાય ત્યાં સુધીમાં એક એકરે કેળાની ખેતીમાં રૂ. 25 હજારથી 30 હજારનો ખર્ચ થઈ જાય. એક એકરમાં 1200-1300 છોડ આવે. જે મુજબ એક એકરમાં રૂ. 35 હજારથી 40 હજારનો ખર્ચ થાય. જયારે પ્રાકૃતિક ખેતીમાં આવો કોઈ પણ પ્રકારનો વધારાનો ખર્ચ થતો નથી.

કાનાભાઇ માત્ર ગાયના ગોબર અને ગૌમુત્ર તેમજ અન્ય પ્રાકૃતિક પદાર્થો જીવામૃત અને ઘન જીવામૃતનો જ ઉપયોગ કરે છે. કોઈ પણ જાતના અન્ય ખાતરની જરૂરિયાત રહેતી જ નથી. ઘન જીવામૃત દર ત્રણ મહીને છાંટવાથી પણ ઉત્તમ પરીણામ મળે છે. માત્ર જીવામૃત અને ઘનજીવામૃતનાં ઉપયોગથી પણ કાનાભાઇના ખેતરમાં અંદાજે 20 કિલોગ્રામથી 25 કિલોગ્રામ સુધીની કેળાની લૂમ છોડ પર ઝૂલી રહી છે.

કાનાભાઇ 1 એકરમાં રસાયણયુકત ખેતી અને પ્રાકૃતિક ખેતીની સરખામણી કરતા જણાવે છે કે રસાયણયુકત ખેતીમાં કેળાનું ઉત્પાદન 15 હજાર કિલોગ્રામ થાય છે, જયારે પ્રાકૃતિક કૃષિ 20 હજાર કિલોગ્રામ ઉત્પાદન આપે છે. તેમજ વેચાણ કરતા પ્રતિ કિલોગ્રામ રૂ. 20 અને પ્રાકૃતિક કૃષિમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 30નો ભાવ મળે છે. રસાયણયુકત ખેતીમાં ખર્ચ રૂ. 35 હજારથી 40 હજારની સામે પ્રાકૃતિક કૃષિમાં માત્ર રૂ. 10 હજારનો ખર્ચ થાય છે. જયારે રસાયણયુકત ખેતીમાં કુલ આવક રૂ 3 લાખની સામે પ્રાકૃતિક કૃષિમાં રૂ. 6 લાખની કુલ આવક થાય છે. એટલે કે રસાયણયુકત ખેતીમાં ચોખ્ખો નફો રૂ. 2 લાખ 60 હજાર થાય છે, જયારે પ્રાકૃતિક કૃષિમાં ચોખ્ખો નફો રૂ. 5 લાખ 90 હજાર થાય છે.

આ પદ્ધતિમાં ખર્ચ કાયમ માટે નહિવત્ રહેવાનો છે અને ઉત્પાદન ક્રમશ: વધતું રહેવાનું છે. પ્રાકૃતિક ખેતીના કારણે જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધતો જાય છે. આ વર્ષે કેળાનું ઉત્પાદન લીધું હોય તે બીજા વર્ષે વધશે. કારણ કે એક છોડના બદલે બે છોડમાં લૂમ આવશે. કેળાની ગુણવત્તા એટલે કે સ્વાદ અને સુગંધ સારી હોવાથી તેના ભાવ પણ વધુ મળે છે.

કાનાભાઇ રાજ્ય સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં કહે છે કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત કેળાનું રીટેઇલ વેચાણ કરવા ઉપલેટા જાઉં છું, ત્યારે લોકો મારી પાસે જ કેળા લેવાનો આગ્રહ રાખે છે. બીજે ક્યાંય જતા નથી, જે વાતની મને ખુશી છે. આથી, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ તરફ વાળવા બદલ CM ભૂપેન્દ્ર પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ ખેડૂતમિત્રો પણ પ્રાકૃતિક ખેતી અપનાવે, તેવો મારો અનુરોધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp