ભારતમાં રોકાણ કરવા રોકડા લઈ તૈયાર છે જાપાનીઝ બેંકો,રોકવા માટે કંપનીઓ શોધી રહી છે
મિત્સુબિશી UFJ ફાઇનાન્શિયલ ગ્રૂપ (MUFG), સુમિતોમો મિત્સુઇ ફાઇનાન્શિયલ ગ્રૂપ (SMFG) અને મિઝુહો ફાઇનાન્શિયલ જેવી જાપાનની મુખ્ય મેગાબેંકના ભંડાર રોકડથી ભરેલા છે. તેઓ રેકોર્ડ-બ્રેકિંગ નફા પર ક્રોસ-શેરહોલ્ડિંગ વેચીને વધુ નાણાં એકત્ર કરી રહ્યાં છે. તેઓ તેમની પાસે પડેલી આ મોટી રકમ ભારત અને અમેરિકામાં રોકવા માંગે છે. જ્યાં અમેરિકા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, ત્યારે ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી રહ્યું છે. જો કે આ બેંકો ઘણા વર્ષોથી બંને દેશોમાં હાજર છે, પરંતુ હવે ફરી એકવાર જાપાનની મેગા બેંકો અમેરિકા અને ભારતમાં જોરદાર રીતે રોકાણ કરી રહી છે.
ઉચ્ચ વૃદ્ધિ દર અને ઉદ્યોગો અને ભારતના મધ્યમ વર્ગમાં વધતી જતી ધિરાણ માંગે ભારતને આ બેંકો માટે રોકાણનું સૌથી ચર્ચિત સ્થળ બનાવ્યું છે. નિષ્ણાતો કહે છે કે, જાપાનીઝ મેગાબેંક સ્થાનિક કંપનીઓમાં હિસ્સો ખરીદીને તેમની વધારાની રોકડનો વધુ સારો ઉપયોગ કરી રહી છે. ભારતમાં મોટા પ્રમાણમાં મૂડીરોકાણ ધરાવતી આ બેંકો તેમના મૂલ્યાંકનમાં વધુ સુધારો કરવા માટે ટોક્યો સ્ટોક એક્સચેન્જના દબાણથી પણ મુક્ત થઈ રહી છે. પિક્ટેટ એસેટ મેનેજમેન્ટ જાપાન લિમિટેડના વરિષ્ઠ ફેલો નાના ઓત્સુકી કહે છે કે, આ બેંકોની રોકાણ વ્યૂહરચનામાં મર્જર અને એક્વિઝિશન (M&A)નો સમાવેશ થાય છે. આ બેંકો વિકાસના આગલા સ્તર સુધી પહોંચવા માટે ભારે રોકાણ કરી રહી છે.
મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલ મુજબ ત્રણેય બેંકો પાસે જંગી રોકડના ભંડાર ભરેલા છે. મિત્સુબિશી UFJ ફાઇનાન્શિયલ ગ્રૂપ માર્ચ 2027 સુધીમાં તેના ગ્રાહકોનો હિસ્સો 700 બિલિયન યેન (આશરે રૂ. 47,000 કરોડ) ઘટાડવાનું લક્ષ્ય રાખે છે. SMFGનું લક્ષ્ય માર્ચ 2029 સુધીમાં ક્રોસ-શેરહોલ્ડિંગમાં 600 બિલિયન યેન અને મિઝુહોનું માર્ચ 2026 સુધીમાં 300 બિલિયન યેન સુધી ઘટાડવાનું છે. મિઝુહોના CEO મસાહિરો કિહારાએ જણાવ્યું હતું કે, 'અમે હવે મૂડી નિર્માણના તબક્કાથી આગળ વધી ગયા છીએ અને વૃદ્ધિ રોકાણ અને શેરધારકોના વળતરને વધારવા વચ્ચે સંતુલન બનાવી રહ્યા છીએ.'
આ બેંકો માટે ભારત સૌથી ચર્ચિત રોકાણ સ્થળ બની ગયું છે. ભારતના મજબૂત આર્થિક વિકાસને કારણે વિવિધ ઉદ્યોગોમાં મૂડી રોકાણ માટે લોનની માંગ વધી રહી છે. તદુપરાંત, ગ્રાહકની માંગમાં વધારો થવાથી ક્રેડિટ માટે નવી તકો ઊભી થઈ છે. MUFGએ ભારતને તેની એશિયન વૃદ્ધિ વ્યૂહરચનાનો મુખ્ય ભાગ બનાવ્યો છે. બેંક આગામી થોડા વર્ષોમાં ભારતમાં તેનું ધિરાણ એક્સપોઝર 30 બિલિયન ડૉલર (અંદાજે રૂ. 2.5 લાખ કરોડ) સુધી વધારવાનું લક્ષ્ય રાખે છે. MUFGએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને અદાણી ગ્રુપ જેવા મોટા જૂથો સાથે ભાગીદારી કરી છે.
MUFG એ તાજેતરમાં ભારતીય શેડો બેંક DMI ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડમાં 333 મિલિયન ડૉલર (રૂ. 2,700 કરોડ)નું રોકાણ કર્યું છે, જેનાથી કંપનીનું મૂલ્યાંકન 3 બિલિયન ડૉલર થયું છે. MUFGના વરિષ્ઠ અધિકારી યાસુશી ઇટાગાકીએ જણાવ્યું હતું કે, 'જો સારી તકો ઊભી થાય, તો અમે મોટા પ્રમાણમાં નાણાં ખર્ચી શકીએ છીએ.'
ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ક્ષેત્રે જાપાની કંપનીઓ પણ સક્રિય છે. મિઝુહો અને નોમુરા હોલ્ડિંગ્સે ભારતીય ઇન્વેસ્ટમેન્ટ બેંક એવેન્ડસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ પર નિયંત્રણ મેળવવા માટે બિડ કરી છે. Avendasમાં KKR એન્ડ કું. તેનો 63 ટકા હિસ્સો 400 મિલિયન ડૉલર (આશરે રૂ. 3,300 કરોડ)માં વેચવાની યોજના ધરાવે છે.
જાપાની બેંકો ભારતના મધ્યમ વર્ગમાં વધતી જતી ધિરાણ માંગને એક મોટી તક તરીકે જોઈ રહી છે. ઘર ખરીદવા, વાહન અને ઉપભોક્તા સામાન ખરીદવા માટે ક્રેડિટની માંગ ઝડપથી વધી રહી છે. SMFGએ 2021માં ફુલર્ટન ઈન્ડિયા ક્રેડિટ કંપનીમાં રૂ. 15,000 કરોડમાં હિસ્સો ખરીદ્યો હતો અને 2024માં રૂ. 5,800 કરોડનું વધારાનું રોકાણ કર્યું છે. આ એકમ મુખ્યત્વે હાઉસિંગ અને વાહન લોનમાં નિષ્ણાત છે.
SMFGના ગ્લોબલ બેન્કિંગ યુનિટના સહ-હેડ યોશિહિરો હ્યાકુટોમે જણાવ્યું હતું કે, 'અમે ભારતના ઉચ્ચ આર્થિક વિકાસને મેળવવા માટે જરૂરી સંસાધનોની ફાળવણી કરવાનું ચાલુ રાખીશું.' જાપાનીઝ બેંકો ભારતમાં રોકાણ દ્વારા માત્ર તેમના વિસ્તરણને પ્રોત્સાહન આપી રહી નથી, પરંતુ વૈશ્વિક સ્તરે તેમની ઓળખ પણ મજબૂત કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp