મંત્રીઓએ 148 સામાનની બનાવી લિસ્ટ, તેના પર GST વધશે કે ઘટશે, સરકાર લેશે નિર્ણય

PC: bhaskardoot.com

આવનારા દિવસોમાં ઘણી વસ્તુઓ મોંઘી અને સસ્તી થઈ શકે છે, કારણ કે સરકાર આ સામાન પરના GST દરમાં ફેરફાર કરવા જઈ રહી છે. હકીકતમાં, GST દરોને તર્કસંગત બનાવવા માટે રચાયેલા મંત્રીઓના જૂથે 2 ડિસેમ્બરના રોજ ઘણા સામાન પરના દરો વધારવા અથવા ઘટાડવાની ભલામણ કરી છે. જો કે, આ અંગે મંત્રી જૂથના અહેવાલ પર અંતિમ નિર્ણય 21મી ડિસેમ્બરે મળનારી GST કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવશે. GST દરોને તર્કસંગત બનાવવા અંગે મંત્રીઓના જૂથ (GoM)એ તેના અહેવાલને અંતિમ સ્વરૂપ આપ્યું છે, જેમાં 148 વસ્તુઓ પર નાંખવામાં આવેલા કર દરોમાં વ્યાપક ફેરફારોની ભલામણ કરવામાં આવી છે.

આમાં ટેક્સટાઇલ સેક્ટર માટે મહત્વના ફેરફારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મીડિયા સૂત્રોના અતિ મહત્વના રિપોર્ટ અનુસાર, ત્રણ સૂત્રોએ જણાવ્યું હતું કે, દરમાં ફેરફાર આવક-સકારાત્મક હશે અને 21 ડિસેમ્બરે મળનારી GST કાઉન્સિલની બેઠકમાં તેની ચર્ચા થવાની સંભાવના છે.

મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, 'GoMએ સામાન્ય માણસ માટે ઉપયોગમાં આવે તેવા કાપડ, સાયકલ, કસરત પુસ્તકો જેવી વસ્તુઓ પરના દર ઘટાડવાનું ધ્યાન રાખ્યું છે, જ્યારે ઘણી લક્ઝરી ચીજવસ્તુઓ પરના દરોમાં 28 ટકા સુધીનો વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.'

અંદરના એક સૂત્રએ જણાવ્યું હતું કે, 'GoMએ એક સુધારેલ સ્લેબ માળખું સૂચવ્યું છે, જે રૂ. 1,500 સુધીના ટેક્સટાઇલ માલ માટે 5 ટકા ટેક્સ દર રાખે છે પરંતુ રૂ. 1,500 અને રૂ. 10,000ની વચ્ચેની કિંમતના ઉત્પાદનો માટે 18 ટકા ટેક્સનો પ્રસ્તાવ મૂકે છે. 10,000 રૂપિયાથી વધુની કિંમતના વસ્ત્રો માટે, રિપોર્ટમાં 28 ટકા વધારવાની ભલામણ કરવામાં આવી છે, તેને લક્ઝરી ચીજવસ્તુઓની સાથે રાખવામાં આવ્યું છે.'

હાલમાં, ગારમેન્ટ્સ માટે GST દરનું માળખું રૂ. 1,000 સુધીની વસ્તુઓ પર 5 ટકા ટેક્સ અને રૂ. 1,000થી વધુ કિંમતની વસ્તુઓ પર 12 ટકા ટેક્સ લાગુ પડે છે.

GoMએ મોંઘી કાંડા ઘડિયાળો અને બુટ સહિત ઘણી લક્ઝરી વસ્તુઓ પર GST દર વધારવાનું સૂચન કર્યું છે. આ દરમિયાન, આવશ્યક ઉત્પાદનોને વધુ સસ્તું બનાવવા માટે, જૂથે સાયકલ, કસરતને લાગતા પુસ્તકો અને પેકેજ્ડ પીવાના પાણીના મોટા પેક જેવી વસ્તુઓ પર GST ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

GoMએ રૂ. 25,000થી વધુ કિંમતની કાંડા ઘડિયાળો પર GST દર 18 ટકાથી વધારીને 28 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એ જ રીતે 15,000 રૂપિયાથી વધુ કિંમતના બુટ પર પણ ટેક્સમાં વધારો થશે, જેનો દર 18 ટકાથી વધીને 28 ટકા થઇ જશે.

બીજી તરફ, રોજિંદી આવશ્યક ચીજવસ્તુઓ પર રાહત આપવા માટે, GoMએ રૂ. 10,000થી ઓછી કિંમતની સાયકલ પરનો GST 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. વ્યાયામ પુસ્તકો અને 20 લિટરથી વધુના પેકેજ્ડ પીવાના પાણી પરનો GST પણ અનુક્રમે 12 ટકા અને 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp