હવે આ નંબર પરથી જ બેંકવાળા ફોન કરશે, બાકીના ડુપ્લિકેટ...છેતરનારા..

સ્પામ અને છેતરપિંડીભર્યા કોલ્સ દરેક મોબાઇલ વપરાશકર્તા માટે એક મોટી સમસ્યા બની ગયા છે. દિવસભર આવતા આ નકલી કોલ્સથી લોકો પરેશાન થઈ જાય છે. આમાંના ઘણા કોલ્સ બેંક સાથે સંબંધિત હોવાનો દાવો કરીને લોકોને છેતરવાનો અને તેમના પૈસા લૂંટવાનો પણ પ્રયાસ કરે છે. આવી ઘટનાઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ એક મોટું પગલું ભર્યું છે.
RBIએ તમામ નાણાકીય સંસ્થાઓ અને બેંકોને ગ્રાહકોને વ્યવહારો અને માર્કેટિંગ કોલ્સ માટે બે ખાસ નંબર શ્રેણીનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ પહેલનો ઉદ્દેશ્ય મોબાઇલ વપરાશકર્તાઓને છેતરપિંડીવાળા કોલ્સથી બચાવવા અને વાસ્તવિક બેંક કોલ્સ પર વિશ્વાસ વધારવાનો છે.
તેથી હવે, બેંકના વ્યવહાર સંબંધિત કોલ્સ માટે બેંકો ફક્ત 1600થી શરૂ થતા નંબરોનો જ ઉપયોગ કરશે. આનો અર્થ એ થયો કે જો તમને તમારી બેંક તરફથી કોઈ વ્યવહાર સંબંધિત કોલ આવે છે, તો તેનો નંબર 1600થી શરૂ થવો જોઈએ. આ પગલું ગ્રાહકોને વાસ્તવિક અને નકલી કોલ વચ્ચેનો તફાવત સમજવામાં મદદ કરશે.
RBIએ માર્કેટિંગ અને પ્રમોશનલ કોલ્સ માટે પણ એક અલગ શ્રેણી નિર્ધારિત કરી છે. બેંકો અને અન્ય નાણાકીય સેવાઓ સંબંધિત માર્કેટિંગ કોલ્સ અથવા SMS હવે 140થી શરૂ થતા નંબરો પરથી આવશે. ઉદાહરણ તરીકે, જો તમને પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ અથવા વીમા જેવી સેવાઓ માટે કોલ આવે છે, તો તેનો નંબર 140થી શરૂ થશે.
આ પગલું બેંકોના નામે થતી છેતરપિંડીથી લોકોને બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ઘણીવાર એવું જોવા મળ્યું છે કે, બેંકના પ્રતિનિધિ તરીકે પોતાની ઓળખ આપીને છેતરપિંડી કરનારાઓ ફોન કોલ્સ દ્વારા લોકોને છેતરે છે. RBIના આ નવા નિર્દેશથી આવા કિસ્સાઓ ઘટાડવામાં મદદ મળશે અને ગ્રાહકોના નાણાકીય ડેટા અને નાણાંની સુરક્ષાને પ્રોત્સાહન મળશે.
ઓનલાઈન અને ફોન પર થઈ રહેલી છેતરપિંડીની વધતી સંખ્યાને ધ્યાનમાં લેતા, આ નિર્ણય માત્ર સમયની જરૂરિયાત જ નહોતો, પરંતુ મોબાઈલ વપરાશકર્તાઓ માટે મોટી રાહત પણ છે. આનાથી લોકોને વાસ્તવિક અને નકલી બેંક કોલ્સ વચ્ચેનો તફાવત સમજવામાં મદદ મળશે અને તેઓ પોતાને વધુ સુરક્ષિત અનુભવશે.
સ્પામ અને છેતરપિંડીભર્યા કોલ્સથી બચવાના 5 રસ્તા: 1909 પર મેસેજ મોકલો: તમારા ફોનમાંથી સ્પામ કોલ્સ બ્લોક કરવા માટે 1909 પર FULLY BLOCK મોકલો. આનાથી લગભગ 90 ટકા સ્પામ કોલ્સ અટકી જાય છે.
કોલર ID અને સ્પામ સુરક્ષા: તમારા ફોન પર કોલર ID અને સ્પામ સુરક્ષાની સુવિધાને ઇનેબલ કરો. આ તમને અજાણ્યા કોલ્સ ઓળખવામાં મદદ કરશે.
મોબાઇલ કોલ સેટિંગ્સ: તમારા મોબાઇલ સેટિંગ્સમાં જાઓ અને કોલર ID અને સ્પામ પ્રોટેક્શન વિકલ્પ ચાલુ કરો. આનાથી સ્પામ કોલ્સ આપમેળે બ્લોક થઈ જશે. કેટલાક ફોનમાં બ્લોક ઓલ સ્પામ અને સ્કેમ કોલ્સ અથવા ઓન્લી બ્લોક હાઈ રિસ્ક સ્કેમ જેવા વિકલ્પો હોય છે, જે તમે તમારી સુવિધા મુજબ પસંદ કરી શકો છો.
સંચાર સાથી પોર્ટલ: સરકારે સ્પામ કોલ્સ અને SMSની જાણ કરવા માટે 'સંચાર સાથી' પોર્ટલ શરૂ કર્યું છે. આના પર જઈને તમે સરળતાથી તમારી ફરિયાદ નોંધાવી શકો છો.
કોલ રિસીવ કરતી વખતે સાવધાની રાખો: અજાણ્યા નંબરો પરથી આવતા કોલ પર ધ્યાન આપો. જો કોલમાં કોઈ શંકાસ્પદ માહિતી માંગવામાં આવે, તો તરત જ કોલ ડિસ્કનેક્ટ કરો. કોઈ અજાણ્યા વ્યક્તિને OTPકે બેંક વિગતો આપશો નહીં, કારણ કે આ છેતરપિંડીની એક સામાન્ય પદ્ધતિ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp