ફરવા માટે જ્યોર્જિયા કરતા શિમલા-મનાલી મોંઘુ; સ્ટાર્ટઅપના CEOએ કારણ પણ જણાવ્યું
![](https://khabarchhe.com/uploads/mc_path/1734853188Georgiaa.jpg)
ક્રિસમસ અને નવા વર્ષ 2025ની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રજાઓ દરમિયાન, લોકો તેમના પરિવારો સાથે ગોવા, શિમલા અથવા મનાલી સહિતના અન્ય ફરવાના સ્થળોએ પહોંચી રહ્યા છે. આ દરમિયાન, એક સ્ટાર્ટઅપના CEOએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કહ્યું છે કે, ભારતમાં ફરવાના સ્થળો વધુને વધુ મોંઘા થઈ રહ્યા છે. સ્થિતિ એવી છે કે, અહીંનું શિમલા યુરોપિયન દેશ જ્યોર્જિયા કરતા પણ મોંઘુ છે. તેમની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે અને યુઝર્સ ખાદ્ય ચીજવસ્તુઓ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં વધતા ખર્ચના આંકડા પણ ગણાવી રહ્યા છે.
ગોવા ભલે તેના વધતા ખર્ચ માટે સતત ટીકાનો સામનો કરી રહ્યું છે, પરંતુ દેશના અન્ય ફરવાના સ્થળોની સ્થિતિ પણ આવી જ છે. સ્ટાર્ટઅપ વિઝડમ હેચના સ્થાપક અક્ષત શ્રીવાસ્તવ દલીલ કરે છે કે, સમગ્ર ભારતમાં આ સમસ્યા વધુ ઘેરી બની રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (હવે X) પર એક પોસ્ટ દ્વારા તેણે કહ્યું કે, ઘણા ભારતીય ફરવાના સ્થળો ખુબ ઝડપથી મોંઘા બની રહ્યા છે.
પોતાની X પોસ્ટમાં શ્રીવાસ્તવે લખ્યું, 'જો તમે મનાલી, શિમલા જાઓ તો તે જ્યોર્જિયા કરતા વધારે મોંઘું છે. મુંબઈ જાવ તો દુબઈ કરતાં મોંઘું છે. ભારતમાં મોટાભાગના ખાસ ફરવાના સ્થળો ખૂબ મોંઘા થઈ ગયા છે.' આ પોસ્ટમાં તેણે આ સ્થળો મોંઘા થવા પાછળનું કારણ પણ જણાવ્યું છે અને લખ્યું છે કે, અહીં રિયલ એસ્ટેટની કિંમતો ઘણી વધારે છે અને તે કિંમત નીચે આવવાની કોઈ શક્યતા નથી. રિયલ એસ્ટેટની ઊંચી કિંમતે ભારતના પ્રવાસન અને હોસ્પિટાલિટી ક્ષેત્રો પર ભારે અસર કરી છે.
સ્ટાર્ટઅપ CEOની આ પોસ્ટ પર ટ્વિટર યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે આ સ્થળો પર પ્રોપર્ટીના ભાવ આસમાને પહોંચવાની અસરને સંક્ષિપ્તમાં સમજાવતા કહ્યું કે, એરપોર્ટ પર ચા 400 રૂપિયા છે, મોલમાં પિઝા 1000 રૂપિયા છે, એરપોર્ટ પર પાર્કિંગ 150 રૂપિયા પ્રતિ કલાક છે અને 3 BHKની કિંમત 100 કરોડ રૂપિયા છે. આ અંગે શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, બજેટ ગેસ્ટહાઉસથી લઈને લક્ઝરી રિસોર્ટ સુધી, પ્રવાસીઓ માટે રહેવાની જગ્યાઓની કિંમતો વધી રહી છે, કારણ કે મિલકત માલિકો તેમના કરેલા રોકાણ અથવા ભાડાને વસૂલ કરવામાં લાગેલા છે.
ભારતીય ફરવાના સ્થળોમાં પ્રવાસીઓનું આકર્ષણ હોય છે તેવા રેસ્ટોરન્ટ્સ, દુકાનો અને મનોરંજનના સ્થળોએ પણ ઉંચા ઓપરેટિંગ ખર્ચનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે ઉપભોક્તા કિંમતો વધી રહી છે અને મુલાકાતીઓને વધુ ખર્ચ કરવા પોતાનું ગજવું હળવું કરવું પડતું હોય છે. એક સમાચારપત્રમાં છપાયેલા રિપોર્ટના ડેટા સાથે પ્રવાસી અને બિન-પ્રવાસી વિસ્તારોમાં મિલકતની કિંમતો વચ્ચેના સ્પષ્ટ તફાવતને પ્રકાશિત કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે, પર્યટન સ્થળો પર પ્રોપર્ટીની સરેરાશ કિંમત 21,600 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટ છે, જ્યારે નોન-ટુરિસ્ટ વિસ્તારોમાં તે 8,500 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટમાં ઉપલબ્ધ છે, એટલે કે તેમાં સીધો 150 ટકાથી વધુનો તફાવત જણાય છે.
Goa has been getting unnecessary heat.
— Akshat Shrivastava (@Akshat_World) December 21, 2024
Go to Manali, Shimla-- it is more expensive than Georgia.
Go to Mumbai, it is more expensive than Dubai.
The point is most major holiday destinations in India are super expensive.
Why? because our real estate prices are crazy.
And,…
અયોધ્યા જેવા સ્થળોએ, પ્રોપર્ટીની કિંમતો થોડા વર્ષોમાં દસ ગણી વધી ગઈ છે, જ્યારે બેંગલુરુ અને હૈદરાબાદમાં 2019થી કેટલાક વિસ્તારોમાં લગભગ 90 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. કોલિયર્સના જણાવ્યા અનુસાર, ભારતનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર ઝડપથી વૃદ્ધિ પામશે, જે 2030 સુધીમાં 1 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચવાની ધારણા છે. આ વિસ્તરણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વૃદ્ધિ, બદલાતી કામની પ્રાથમિકતાઓ અને પર્યટનની વધતી માંગને કારણે જોવા મળી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp