ITR ફાઇલ ન કરનારા અને ઓછી આવક બતાવનારા પાસેથી ITએ 37000 કરોડ વસૂલ્યા

PC: PIB

આવકવેરા વિભાગે 20 મહિનામાં 37,000 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. જેમણે રિટર્ન ફાઈલ કર્યું ન હતું અને ફાઈલ કર્યું હોવા છતાં ઓછી આવક જાહેર કરી હતી, પરંતુ છુટા હાથે પૈસા ખર્ચ્યા હતા, તેઓ પકડાઈ ગયા છે. નોન-ફાઈલર મોનિટરિંગ સિસ્ટમ અને કડક TDS નિયમોએ કરચોરી શોધવામાં મદદ કરી છે.

જો તમારી આવક કર ચૂકવવાને પાત્ર છે, પરંતુ તમે તેને ચૂકવતા નથી, તો તમારે હવે સાવધાન થઇ જવાની જરૂર છે. અત્યાર સુધી તમારું 'કામ ચાલી ગયું' હશે, પણ હવે વધારે નહીં ચાલે. આવકવેરા વિભાગે એવા લોકોને પકડવાનું શરૂ કરી દીધું છે, જેઓ ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ નથી કરતા. વિભાગે છેલ્લા 20 મહિનામાં આવા લોકો પાસેથી 37,000 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. જો તમારી આવક પણ ટેક્સ ભરવાના દાયરામાં આવે છે, તો તમારા માટે ITR ફાઇલ કરવું વધુ સારું રહેશે.

હવે તમે વિચારતા હશો કે, આવકવેરા વિભાગે આવા લોકોની શોધ કેવી રીતે કરી? તો તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે, ટેક્નોલોજીના આ યુગમાં આવા લોકોને શોધવું બિલકુલ મુશ્કેલ નથી. વિભાગે એવા લોકોને શોધી કાઢ્યા કે, જેમણે મોંઘા રત્નયુક્ત ઘરેણાં, મિલકત અને વૈભવી રજાઓ પર નાણાં ખર્ચ્યા હતા, પરંતુ ટેક્સ રિટર્નમાં તેમની આવક ઓછી દર્શાવી હતી.

મીડિયા સૂત્રોના એક અહેવાલ મુજબ, આવકવેરા વિભાગે 2019-20થી આ પ્રકારના વ્યવહારોના ડેટાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું અને જાણવા મળ્યું કે, ઘણા લોકો મોટી ખરીદી કરી હોવા છતાં ટેક્સ રિટર્ન ફાઈલ કરી રહ્યા નથી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, 'અમે એવા લોકો પાસેથી રૂ. 1,320 કરોડ વસૂલ કર્યા છે, જેમણે મોટા આપ લે ના વ્યવહારો કર્યા હતા પરંતુ તેને આવકવેરા રિટર્નમાં બતાવ્યા નથી.'

વિભાગે કરચોરી શોધવા માટે અદ્યતન ડેટા અને એનાલિટિક્સ ટેક્નોલોજીની મદદ લીધી છે. આમાં, નોન-ફાઈલર મોનિટરિંગ સિસ્ટમ (NMS)નો સક્રિયપણે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને આવક અને ખર્ચમાં ગેરરીતિઓમાં સંડોવાયેલા લોકોને પકડવામાં આવે. NMS સિસ્ટમ દ્વારા બહુવિધ સ્ત્રોતોમાંથી ડેટા એકત્રિત અને સંકલિત કરવામાં આવે છે.

સત્તાવાર ડેટા અનુસાર, એપ્રિલ અને નવેમ્બર વચ્ચે, પ્રત્યક્ષ કર સંગ્રહમાં 15.4 ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી હતી, જે કુલ રૂ. 12.10 લાખ કરોડ હતી. જેમાં રૂ. 5.10 લાખ કરોડ કોર્પોરેટ ટેક્સ અને રૂ. 6.61 લાખ કરોડ નોન-કોર્પોરેટ ટેક્સનો સમાવેશ થાય છે.

કરચોરી રોકવા માટે સરકારે ટેક્સ ડિડક્શન એટ સોર્સ (TDS)ના નિયમો કડક બનાવ્યા છે. આ ઉપરાંત આવા મામલાઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે, જ્યાં લોકો શૂન્ય આવક બતાવી રહ્યા છે, પરંતુ તેમના ખર્ચ તેમની જાહેર કરેલી આવક સાથે મેળ ખાતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp