સરકારના મુખ્ય અર્થશાસ્ત્રીએ આપી આ મોટી ચેતવણી, તેમને છે તમારા પગારની ચિંતા!
ભારતના મુખ્ય આર્થિક સલાહકાર (CEA) V અનંત નાગેશ્વરને એક ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે, કંપનીઓ વધુ નફો કમાઈ રહી છે. પરંતુ, તેઓ કર્મચારીઓને ઓછો પગાર આપી રહી છે. આ સ્થિતિ અર્થતંત્ર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ઘટી રહેલી GDP, વધતો જતો ફુગાવો અને ઘટતા શહેરી વપરાશ વચ્ચે વેતન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. નાગેશ્વરને ખાનગી ક્ષેત્રને વધુ લોકોને રોજગાર આપવા અને મૂડી-સઘન અને શ્રમ-સઘન વૃદ્ધિ વચ્ચે યોગ્ય સંતુલન જાળવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, લિસ્ટેડ કંપનીઓનો નફો GDPની ટકાવારીના રૂપે 15 વર્ષમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. પરંતુ, વેતન વૃદ્ધિ ધીમી પડી છે. આ ઉપરાંત, બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર રોગચાળા પછી પહેલી વખત ભારતીય પગારમાં છેલ્લા ક્વાર્ટરમાં ઘટાડો જોવા મળ્યો છે, આનાથી ઉપભોક્તા ખર્ચ અને કોર્પોરેટ નફા પર અસર પડી છે.
CEA નાગેશ્વરને ભારપૂર્વક જણાવ્યું હતું કે, 'કંપનીઓની આવકનો એક વાજબી હિસ્સો નફા અને કર્મચારીઓના પગારના રૂપમાં હોવો જોઈએ. જો આમ નહીં થાય તો, અર્થતંત્રમાં કંપનીઓના ઉત્પાદનો ખરીદવા માટે પૂરતી માંગ રહેશે નહીં. આવક વૃદ્ધિ વપરાશ અને બચત બંનેને પ્રોત્સાહન આપે છે. આ આર્થિક વિસ્તરણ તરફ દોરી જાય છે.'
નાગેશ્વરને કહ્યું, 'બીજા શબ્દોમાં કહીએ તો, સારું વેતન ન આપવું અથવા પૂરતા કામદારોની ભરતી ન કરવી તે કોર્પોરેટ ક્ષેત્ર અને નાના સાહસો માટે સ્વ વિનાશક અથવા નુકસાનકારક હશે.' તેમણે એ પણ યાદ અપાવ્યું કે, પ્રખ્યાત અર્થશાસ્ત્રી એડમ સ્મિથે તેમના પ્રખ્યાત પુસ્તક 'ધ વેલ્થ ઓફ નેશન્સ' પહેલા 'ધ થિયરી ઓફ મોરલ સેન્ટિમેન્ટ્સ' લખી હતી.
મોતીલાલ ઓસ્વાલના અહેવાલ મુજબ, નિફ્ટી-500 કંપનીઓનો નફો ગયા નાણાકીય વર્ષમાં GDPના 4.8 ટકા પર પહોંચ્યો હતો, જે 2007-08 (વૈશ્વિક નાણાકીય કટોકટી પહેલા)ના તેજીના વર્ષમાં 5.2 ટકા વૃદ્ધિ પછી સૌથી વધુ છે.
CEA એ સ્વીકાર્યું કે, કંપનીઓએ તેમના નફાના એક ભાગનો ઉપયોગ દેવું ચૂકવવા માટે કર્યો છે અને તેમની બેલેન્સશીટ સ્વસ્થ બની છે. પરંતુ, હવે તેમના માટે મૂડી નિર્માણ અને રોજગાર વૃદ્ધિના સારા સંયોજનમાં જોડાવાનો સમય છે.
રોગચાળા પછી પ્રથમ વખત ભારતીય વેતનમાં છેલ્લા ક્વાર્ટરમાં ઘટાડો નોંધાયો હતો. જેના કારણે અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પડી છે. તેનું કારણ એ છે કે, ગ્રાહકોએ ખર્ચમાં ઘટાડો કર્યો છે. જેના કારણે કોર્પોરેટ નફામાં ઘટાડો થયો છે.
છેલ્લા ત્રણથી ચાર મહિનામાં શહેરી ખર્ચમાં થયેલા ઘટાડાથી માત્ર સૌથી મોટી કન્ઝ્યુમર ગૂડ્ઝ કંપનીઓની કમાણીને જ નુકસાન થયું નથી. પરંતુ તે ભારતની લાંબા ગાળાની આર્થિક સફળતાના માળખાકીય સ્વભાવ વિશે પણ પ્રશ્નો ઉભા કરે છે. રોગચાળાના અંત થયા પછીથી, ભારતની આર્થિક વૃદ્ધિ મોટાભાગે શહેરી વપરાશ દ્વારા સંચાલિત છે, જે હવે બદલાતી હોય એવું દેખાય રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp