26th January selfie contest

નોટોમાં ડાઘ છે કે કંઈક લખેલું છે? RBIએ જણાવ્યું કે કેવી રીતે બદલી શકાય?

PC: aajtak.in

પર્સમાં રાખેલી નોટોને લઈને અનેક પ્રકારના પ્રશ્નો આપણા મનમાં ઘૂમતા રહે છે. કોઈની પાસેથી નોટ લેતી વખતે, આપણે ચોક્કસપણે તપાસ કરીએ છીએ કે તે અસલી છે કે નહીં. ઘણી વખત કોઈએ તમને કહ્યું હશે કે, જો નોટ પર કોઈ પણ પ્રકારનો રંગ લાગેલો હશે તો તેનો ઉપયોગ કરી શકાતો નથી. દુકાનદારોએ પણ ઘણી વખત તેને લેવાની ના પાડી હશે. પરંતુ સૌથી પહેલા જાણી લો જૂની, ડાઘવાળી અને રંગ લાગેલી નોટો વિશે રિઝર્વ બેંક (RBI) શું કહે છે.

દેશમાં ચલણ બહાર પાડવાની જવાબદારી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની છે. કાયદાની કલમ 22 મુજબ, રિઝર્વ બેંક પાસે ભારતમાં નોટો બહાર પાડવાનો અધિકાર છે. કલમ 25 જણાવે છે કે, ભારતીય રિઝર્વ બેંકના સેન્ટ્રલ બોર્ડની ભલામણોને ધ્યાનમાં લીધા પછી નોટોની ડિઝાઇન, ફોર્મ અને સામગ્રી કેન્દ્ર સરકારની મંજૂરીને આધીન રહેશે.

હવે ડાઘા પડેલી અને રંગ લાગેલી નોટો વિશે વાત કરીએ. રિઝર્વ બેંક કહે છે કે, મહાત્મા ગાંધી (નવી) શ્રેણી સહિતની તમામ બેંક નોટો, જેના પર કંઈ લખેલું હોય અથવા રંગ લાગેલો હોય છે, તે કાયદેસર રીતે ચલણ તરીકે ચાલુ રહેશે, જો કે, શરત એટલી કે, તેના પર લખેલા નંબરો વાંચી શકાય એવા હોવા જોઈએ. આવી નોટો કોઈપણ બેંક શાખામાં જમા કરાવી શકાય છે અથવા બદલી શકાય છે.

રિઝર્વ બેંકનું કહેવું છે કે, જો નોટ પર રાજકીય અથવા ધાર્મિક પ્રકારનો સંદેશ આપવાના ઈરાદા સાથે લખેલા બિનજરૂરી શબ્દો અથવા ચિત્રો જોવામાં આવે છે તો આવી નોટ બદલી શકાશે નહીં. ભારતીય રિઝર્વ બેંક (નોટ રિફંડ) નિયમો, 2009 અનુસાર નોટોના સંદર્ભમાં આવા દાવાને રદ કરશે.

તમે કોઈપણ બેંક શાખાની મુલાકાત લઈને કપાયેલી, ફાટેલી નોટ બદલી શકો છો. રિઝર્વ બેંક ફાટેલી નોટો અંગે સમયાંતરે પરિપત્ર બહાર પાડતી રહે છે. તમે કોઈપણ બેંક શાખા અથવા રિઝર્વ બેંક ઓફિસમાં આવીને નોટો સરળતાથી બદલી શકો છો.

રિઝર્વ બેંકના નિયમો અનુસાર, એક વ્યક્તિ એક સમયે વધુમાં વધુ 20 નોટો જ બદલી શકે છે. ઉપરાંત, આ નોટોની કુલ કિંમત 5000 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. જો કે, ખરાબ રીતે બળી ગયેલી, ફાટેલી નોટો બદલી શકાતી નથી.

ખરાબ રીતે બળી ગયેલી, ફાટેલી નોટો માત્ર રિઝર્વ બેંકની ઈસ્યુ ઓફિસમાં જ જમા કરાવી શકાય છે. નોટ બદલવા માટે બેંકમાં કોઈપણ પ્રકારનો ચાર્જ લાગતો નથી. તમે તેને સરળતાથી બદલી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp