વાયબ્રન્ટ સમિટ નજીક, હજુ કેશુબાપાના સમયની પોર્ટ પોલીસી ધખાવે રાખી છે

PC: https://economictimes.indiatimes.com

ગુજરાતમાં બંદરોના વિકાસ માટે બે વર્ષ પહેલાં બનાવવામાં આવેલી પોર્ટ પોલિસી સ્થગિત કરી દેવામાં આવી છે. જો કે નવી પોલિસી ક્યારે આવશે તે અંગે હજી અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. ગુજરાતમાં વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ નજીકમાં છે ત્યારે સરકારમાં હજી પોર્ટ પોલિસીના ઠેકાણાં નથી, પરિણામે પોર્ટના અધિકારીઓ તેમજ પોર્ટ સેક્ટરના ઉદ્યોગજૂથો દ્વિધામાં છે.

પોર્ટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે 11મી ઓક્ટોબર 2019માં પોર્ટ પોલિસી બનાવી હતી જેમાં ઉદ્દેશ એવો હતો કે રાજ્યના પોર્ટ વિસ્તારમાં વધુને વધુ મૂડીરોકાણ આવે અને પોર્ટ સેક્ટરને વધારે બુસ્ટ મળે પરંતુ આ પોલિસીનો હેતુ બર આવ્યો નથી. છેલ્લી પોર્ટ પોલિસી સ્થગિત કરવાથી એચપીસીએલ, નિરમા અને ટોરન્ટ સહિતની કંપનીઓને નવી કેપ્ટિવ જેટીની ફાળવણી જૂની પોર્ટ પોલિસી પ્રમાણે કરવામાં આવી રહી છે.

આર્સેલર મિત્તલ અને એસ્સાર જૂથ વચ્ચે ચાલી રહેલા વિવાદને પગલે રાજ્ય સરકારે 2019ની પોર્ટ પોલિસી સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. આ પોલિસી પ્રમાણે એસ્સાર જૂથે હજીરા પ્રોજેક્ટમાં દરખાસ્ત કરી હતી જેની સામે વાંધો ઉઠાવીને આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રીટ પિટીશન કરવામાં આવી હતી. આ બન્ને કંપનીના વિવાદ વચ્ચે સરકારે આ પોલિસીના લાભ આપવાના બંધ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે 2019ની પોર્ટ પોલિસીનો હેતુ દરિયાકિનારે કાર્ગોને ઉત્તેજન આપવાનો અને ગ્રાહકો માટે લોજીસ્ટીક ખર્ચમાં ઘટાડો કરવાનો હતો. ગુજરાતમાં કેપ્ટિવ જેટીમાં વાર્ષિક આશરે 100 મિલિયન ટનની માલ હેતુફેરની ક્ષમતા છે જેનો ઉપયોગ પોર્ટ પોલિસી હેઠળ થઇ શકે છે.

જો કે હવે આ પોલિસીના લાભ સ્થગિત કરવામાં આવ્યા છે અને જૂની પોર્ટ પોલિસીના લાભ આપવામા આવી રહ્યાં છે અને તે પોલિસી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલની સરકાર સમયે બનાવવામાં આવી હતી. પોર્ટ વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે નવી પોલિસી અંગે હજી અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. રાજ્ય સરકાર એક તરફ વાયબ્રન્ટ સમિટની તૈયારી કરી ઉદ્યોગોને ગુજરાતમાં મૂડીરોકાણ કરવા આમંત્રણ આપે છે ત્યારે પોર્ટ પોલિસી 1995ની ચાલી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp