અમદાવાદમાં કર્ફ્યુ વચ્ચે એક છોકરાએ કરેલા કોલથી શહેર પોલીસને પરસેવો વળી ગયો

PC: divyabhaskar.com

કોરોના વાયરસના કેસમાં એકાએક વધારો થતા અમદાવાદ શહેરમાં શુક્રવારથી કર્ફ્યૂ લાગુ કરી દેવાયો છે. એવામાં શહેરના સાબરમતી વિસ્તારના ધર્મનગરમાં ફાયરિંગ થયાનો કંટ્રોલ રૂમમાં ફોન આવતા પોલીસ ટુકડી દોડતી થઈ ગઈ હતી. પણ હકીકત કંઈક અલગ હતી. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે, બે ભાઈ મોબાઈલમાં ગેમ રમી રહ્યા હતા ત્યારે ઝઘડો થતા 11 વર્ષના છોકરાએ દાદીના ફોનમાંથી પહેલા 108 અને પછી કંટ્રોલ રૂમના 100 નંબર પર ફોન કર્યો અને કહ્યું કે ફાયરિંગ થયું છે. આવો ખોટો ફોન આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

શનિવારે બપોરના ચાર વાગ્યા આસપાસ 108ના કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો. જેમાં એક વ્યક્તિએ એવું કહ્યું કે, સાબરમતીના ધર્મનગરમાં ગોળીબાર થયો છે. 108ના કંટ્રોલ રૂમમાંથી પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે વાત કહી. પોલીસ કંટ્રોલ રૂમના 100 નંબર પર ફોન કરીને જાણ કરવા માટે કહેવામાં આવ્યું. વ્યક્તિએ 100 નંબર પર ફોન કરીને કહ્યું કે, અહીં ફાયરિંગ થયું છે. આ મેસેજ મળતાની સાથે જ પોલીસ ટીમ ઉચ્ચ અધિકારીઓ સાથે ધર્મનગર પહોંચી.જે મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો એના આધારે એ વ્યક્તિના ઘર સુધી પહોંચ્યા. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ નંબર કોઈ મહિલાનો છે. સાબરમતી પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.એચ. વાળાએ કહ્યું કે, મહિલાના બે પૌત્ર મોબાઈલમાં ગેમ રમી રહ્યા હતા. બંને વચ્ચે ઝઘડો થતા 11 વર્ષના નાના ભાઈએ ફોન કર્યો હતો. જો કે, ફોન કરનાર 11 વર્ષનો કિશોર હોવાથી એની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કંટ્રોલ રૂમમાં આવેલા મેસેજની જાણ સાબરમતી પોલીસ સ્ટેશનને કરવામાં આવતા જ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

વિસ્તારમાં પહોંચ્યા બાદ ફાયરિંગની જગ્યા ખબર ન હોવાથી પોલીસ મુંઝવણમાં મૂકાઈ ગઈ. પછી જે નંબરમાંથી ફોન આવ્યો હતો એના પર ફોન કરીને સરનામું પૂછવામાં આવ્યું હતું. જ્યાં તપાસ કરતા 11 વર્ષના છોકરાએ દાદીના મોબાઈલમાંથી પોલીસને ફોન કર્યો હોવાનું ખૂલ્યું હતું. આ ઘટના બાદ માતા-પિતાએ પુત્રને ઠપકો આપ્યો અને ખૂબ ખીજાયા હતા. જોકે, આ ઘટનાથી પોલીસ બેડામાં પણ અનેક ચર્ચા થવા પામી હતી. જોકે, પોલીસે છોકરાને સમજાવી કોઈ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા કરી ન હોવાનું જાણવા મળ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp