વડોદરામાં એક જ રાતમાં એક મહિલા કોન્સ્ટેબલના ઘર સહિત બે મકાનોમાં ચોરી

PC: dainikbhaskar.com

રાજ્યમાં ચોર તસ્કરો બેફામ બન્યા છે. અવાર-નવાર ચોરીના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. જોકે, હવે ચોરોના મનમાં પોલીસનો ડર જરા પણ રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, હવે ગુજરાતના પોલીસકર્મીઓના મકાન પણ ચોરોથી સુરક્ષિત નથી રહ્યા. વડોદરામાં રાત્રિના સમયે ચોરોએ મહિલા કોન્સ્ટેબલ સહિત બે મકાનોને નિશાન બનાવ્યા હતા અને ઘરમાંથી રોકડ રકમ અને ઘરેણાંની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.

એક રિપોર્ટ અનુસાર, વડોદરાના નાગરવાડા વિસ્તારમાં આવેલી ગીતાંજલિ સોસાયટી અને હક્ફ એપાર્ટમેન્ટના બે મકાનમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. 1 ડિસેમ્બરના રોજ નડિયાદ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નસીમબાનુ તેમના સગાસંબંધીના ઘરે ડભોઇ લગ્ન પ્રસંગમાં ગયા હતા. તે દરમિયાન તેમના ઘરને કેટલાક ચોર ઇસમોએ ચોરી કરવાના ઈરાદે નિશાન બનાવ્યું હતું. નસીમબાનુના બંધ મકાનનો દરવાજો ચોર ઇસમોએ કોઈ સાધન વડે તોડી તેઓ ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં રહેલા 20,000 રૂપિયા રોકડા અને દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

આ પછી એક જ રાત્રિમાં નાગરવાડા વિસ્તારમાં આવેલા હક્ફ એપાર્ટમેન્ટમાં રહેતા કૈયુમ અન્સારી પણ પોતાના સગાસંબંધીના ઘરે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા અને તે સમયે ચોર ઇસમો તેમના ઘરનો દરવાજો તોડીને ઘરમાં ચોરીની ઘટનાને અંજામ આપીને ફરાર થઇ ગયા હતા. એક જ રાતમાં બે ઘરમાં ચોરીની ઘટના બનતા વડોદરાની કારેલીબાગ પોલીસના પેટ્રોલિંગ પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે. આ ચોરીની ઘટનાની જાણ પોલીસને થતા સવારના સમયે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ કરીને ચોરીનો ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp