અમદાવાદની અંકૂર સ્કૂલમાં લાગી આગ, 3 લોકો ફસાયા, સ્કૂલ બંધ તો લોકો ક્યાથી આવ્યા

PC: gujaratexclusive.in

અમદાવાદમાં કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ આસપાસના સ્થાનિક લોકોને થતા તેમને તાત્કાલિક ફાયર વિભાગને આ બાબતે માહિતી આપી હતી. તો બીજી તરફ અંકુર સ્કૂલની અંદર 3 જેટલા લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી છે. આગની ઘટનામાં બાદ ફસાયેલા 3 લોકો શાળાના ટેરેસ પર જઈને બચાવો-બચાવોની બૂમો પાડી રહ્યા હતા. ઘટનાની જાણ થતાની સાથે જ ગણતરીના સમયમાં ફાયર વિભાગની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્કૂલમાં લાગેલી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અંકુર સ્કૂલ રેસીડન્ટ વિસ્તારમાં આવી હોવાના કારણે સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે પરંતુ આ ઘટનાને લઇને સવાલો ઉભા થઇ રહ્યા છે કે, હાલ રાજ્ય સરકારે શાળા અને કોલેજો બંધ કરવાના આદેશ આપ્યા છે. તો શાળાની ટેરેસ પર દેખાતા 3 લોકો કોણ છે અને તેઓ કઈ રીતે શાળાની અંદર પ્રવેશ્યા હતા.

શાળામાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફાયરના 10 જેટલાં ટેન્કરો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. ફાયર વિભાગ દ્વારા આગમાં ફસાયેલા ત્રણ લોકોને રેસ્ક્યૂ કરવા માટે પણ કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. ફાયર વિભાગની સાથે-સાથે સ્થાનિક લોકો પણ મદદ માટે જોડાયા છે અને તેઓ તેમનાથી બનતી તમામ મદદ ફાયરના જવાનોને કરી રહ્યા છે. શાળામાં આગ લાગી હોવાના કારણે ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને સ્કૂલના 4 માળમાં ધુમાડો ફેલાઇ ગયો હતો જેથી ફાયર વિભાગ દ્વારા તાત્કાલીક અસરથી આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જોકે આગ કયા કારણોસર લાગી છે તે કારણ હજુ જાણવા મળ્યું નથી.

સ્થાનિક લોકોએ કહ્યું હતું કે, અચાનક જ આગ લાગી હતી અને ધુમાડાના કારણે અમને ખબર પડી એટલે અમે તાત્કાલિક અહીંયા જોવા માટે આવ્યા કે શું થયું છે પરંતુ કયા કારણે આગ લાગી છે તે અમને જાણવા મળ્યું નથી. આ સ્કૂલ એક દોઢ વર્ષ પહેલાં નવી બનાવવામાં આવી છે અને હાલ આ સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય શરૂ થયું નથી.

ફાયરના જવાનો દ્વારા આગમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરવા માટે આધુનિક સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હજુ સુધી એક પણ બાળકનું ફાયર વિભાગ દ્વારા રેસક્યું કરવામાં આવ્યુ નથી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસ દ્વારા ઘટના સ્થળે એકઠા થયેલા લોકોને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આગ ઓલવાયા બાદ શાળામાં કયા કારણોસર આગ લાગી તે જાણવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp