પટાવાળાની નિવૃત્તિના દિવસે કલેકટરે આપી એવી ભેટ કે આજીવન રહેશે યાદ

PC: zeenews.com

જિલ્લામાં સર્વોચ્ચ પદ કલેકટરનું ગણવામાં આવે છે. ઉચ્ચ શિક્ષિત લોકો પણ કલેકટરનું પદ મેળવવા માટે જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરે છે પરંતુ કેટલીક વખત કલેકટરનું પદ મેળવવું શિક્ષિત લોકો માટે પણ એક સપનું જ બની જાય છે. ત્યારે જિલ્લા કલેકટરની ખુરશી પર માત્ર ગણતરીની મિનિટો પર બેસવું એ જિંદગીની યાદગાર પળ બની જાય છે અને આવું જ કંઈક આણંદમાં સામે આવ્યું છે. જેમાં આણંદ કલેકટર કચેરીમાં પૂરી નિષ્ઠાથી પોતાની સેવા કરનાર કર્મચારીની નિવૃત્તિ સમયે જિલ્લા કલેક્ટરે તે કર્મચારીને પોતાના સ્થાને બેસાડીને નિવૃત્તિના પળને આજીવન યાદગાર પળ બનાવી દીધી હતી.

રિપોર્ટ અનુસાર આણંદ જિલ્લાના ત્રણોલ ગામનો રહેવાસી ફતેસિંહ મકવાણા 31 જૂલાઈ 2020ના રોજ નિવૃત્ત થયા હતા. ફતેસિંહ મકવાણાએ આણંદ જિલ્લા કલેકટર કચેરીમાં 38 વર્ષ સેવા આપી છે. તેમણે 15 જેટલા જિલ્લા કલેકટર સાથે ફરજ બજાવી છે. ફતેહસિંહ મકવાણા પ્રતિદિન કલેકટર કચેરીમાં 10 કલાક કામ કરતા હતા અને સંકટના સમયે 18થી 20 કલાક કામ કરતા હતા. ફતેહસિંગ મકવાણા કલેકટર કચેરીમાં પટાવાળાના હોદ્દા પર કાર્યભાર સંભાળતા હતા પરંતુ તેઓ પોતાની કામગીરી પૂરી નિષ્ઠાથી કરતા હતા.

આવા નિષ્ઠાવાન કર્મચારીના નિવૃત્તિના છેલ્લા દિવસે આણંદ જિલ્લા કલેકટર આર.જી. ગોહિલ દ્વારા ફતેસિંહ મકવાણાને તેમના સ્થાન પર બેસાડી એક અનોખી ભેટ આપી હતી. જિલ્લા કલેક્ટરે ફતેહસિંહને નોકરીના છેલ્લા દિવસે પોતાની ખુરશી પર બેસાડીને સન્માનિત કર્યા હતા. આ પ્રકારનું સન્માન આપતા ફતેસિંહના મુખ પર અનેરી ખુશી જોવા મળી હતી.

આ બાબતે ફતેહસિંહ મકવાણાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી મે 15 જેટલા કલેકટર સાહેબ સાથે પૂરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી મારી ફરજ અદા કરી છે અને આજે નિવૃત્તિના છેલ્લા દિવસે મારૂ આવું સન્માન થયું છે, તેની મને કલ્પના પણ ન હતી. ખરેખર આ સન્માન મને જીવનભર યાદગાર બની રહેશે. હાલના કલેક્ટર આર.જી. ગોહિલ નાના કર્મચારીઓ માટે ખુબ જ આદરભાવ અને સંવેદના ધરાવે છે. મને આવી રીતે ભવ્ય વિદાયમાન આપવા બદલ હું કલેકટર સાહેબનો ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરું છું.

ફતેહસિંહ મકવાણાએ જીવનમાં ક્યારેય વિચાર પણ કર્યો નહીં હોય કે, તેમણે ક્યારેય કલેક્ટરની ખૂરશી પર બેસવા મળશે પરંતુ નિવૃત્તિના દિવસે જિલ્લા કલેકટરે ફતેહસિંહે ક્યારેય વિચાર્યું ન હોય તેવું સન્માન કરી ફતેહસિંહના નિવૃત્તિના દિવસને તેમની જિંદગીનો સૌથી યાદગાર દિવસ બનાવી દીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp