બાબા અમરનાથની યાત્રામાં ગુજરાતીનું મોત, ઠંડી સહન ન કરી શક્યા, 30 હજુ ફસાયા છે

PC: news18.com

બાબા અમરનાથની જૂલાઇમાં શરૂ થયેલી યાત્રામાં શ્રધ્ધાળુએ ભારે ઉત્સાહ સાથે બમ બમ બોલે નાદની સાથે પહોંચી રહ્યા છે, પરંતુ છેલ્લાં બે- ત્રણ દિવસથી ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રાને અટકાવી દેવામાં આવી છે, રવિવારે પણ આ યાત્રા આગળ વધી શકી નથી. દરમિમાયન જાણવા મળ્યું છે કે વડોદરાના એક આધેઢનું અમરનાથ યાત્રા દરમિયાન મોત થયું છે, જાણવા મળેલી વિગત મુજબ ભારે ઠંડી સહન નહીં કરી શકવાને  કારણે તેમનું મોત થયું છે. અમરનાથ યાત્રમાં વડોદરાના 20 અને સુરતના 10 લોકો ફસાયા છે, તેમણે ગુજરાત સરકાર પાસે મદદ માંગી છે.

અમરનાથ યાત્રાએ ગયેલા વડોદરાના વેમાલી ગામના માજી પંચાયત સભ્ય રાજેન્દ્ર ભાટીયાનું મોત થયું છે. જમ્મૂ-કશ્મીરમાં ભારે વરસાદ અને બરફને કારણે અસહ્ય ઠંડી પડવાને કારણે રાજેન્દ્ર ભાટિયા બિમાર થયા હતા.

જાણવા મળેલી વિગત મુજબ વેમાલી ગામમાં રહેતા રાજેન્દ્ર ભાટીયાની સાથે ગામમાં જ રહેતા રમણભાઇ પરમાર, હોમગાર્ડમાં ફરજ બજાવતી 2 મહિલાઓ અને દુમાડ ગામના એક યાત્રાળુ બાબા અમરનાથના દર્શન કરવા માટે ગયા હતા. રાજેન્દ્ર ભાટીયા અને તેમની સાથેના યાત્રીઓએ પહેલગાંવથી બાબાની ગુફા તરફ યાત્રાની શરૂઆત કરી હતી. પરંતુ હવામાન ખરાબ થવાને કારણે શ્રધ્ધાળુઓને પંચતરણી ખાતે રોકી દેવામાં આવ્યા હતા. પંચતરણી ખાતે ભારે વરસાદ અને માઇનસ ડિગ્રી તાપમાનને કારણે અનેક યાત્રીઓ ઠંડીથી ઠુઠવાઇ રહ્યા છે.રાજેન્દ્ર ભાટીયાની અચાનક તબિયત બગડી હતી અને તેમનું મોત થઇ ગયું છે.

વડોદરાના વેમાલી ગામના રાજેન્દ્ર ભાટીયા ગામમાં જ પોતાની સલૂન શોપ ચલાવતા હતા.ઉપરાંત તેઓ છેલ્લાં કેટલાંક વર્ષોથી હોમગાર્ડસમાં પણ સેવા આપતા હતા.રાજેન્દ્ર ભાટિયા પત્ની, બે દીકરી અને 1 દીકરાને વિલાપ કરતા છોડીને અનંતની વાટે નિકળી ગયા છે. રાજેન્દ્ર ભાટીયાનો મૃતદેહ વિમાન દ્રારા વડોદરા લાવવામાં આવી રહ્યો છે.

અમરનાથની યાત્રામાં વડોદરાના 20 અને સુરતના 10 લોકો ફસાયા છે, જેમાં બાળકો, મહિલાઓ અને પુરુષો છે. ગુજરાતી યાત્રીઓએ વીડિયો જાહેર કરીને સરકાર પાસે મદદ માંગી છે. વીડિયોમાં તેમણે કહ્યું છે કે અમે 3 દિવસથી અહીં ફસાયા છે. અમારા ગાદલાં પણ ટેન્ટમાં પલળી ગયા છે. ઘણા લોકો બિમાર પડી ગયા છે, પ્લીઝ, અમારું રેસ્કયૂ કરો.

ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ એક નિવેદનમાં કહ્યું છે કે અમરનાથ યાત્રા દરમિયાન વાતાવરણ ખરાબ થવાને કારણે ગુજરાતના યાત્રીઓ ફસાયા છે. રાજ્યનું ગૃહ વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને કેન્દ્રના ગૃહ મંત્રાલય સાથે મળીના કાર્યવાહી ચાલી રહી છે. વાતાવરણમાં સુધારો આવી રહ્યો છે, એટલે ઝડપથી લોકો તેમના પરિવારના સંપર્કમાં આવી જશે.

જાણવા મળેલી વિગત મુજબ રામબનમાં 6,000થી વધારે લોકો ફસાયા છે. જમ્મૂ-કાશ્મીરનો નેશનલ હાઇવે બંધ થઇ ગયો છે, જેને લીધે ઉધમપુરમાં વાહનોની લાંબી લાઇનો લાગેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp