26th January selfie contest

લોકસભા ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે BJP સરકારે ખેલ્યો હિન્દુત્વનો દાવ

PC: youtube.com

દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવવાની છે ગુજરાતમાં ભાજપે અત્યારથી જ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. વિવિધ પ્રશ્નોથી ઘેરાયેલી ભાજપ સરકારે હિન્દુત્વનું કાર્ડ ખેલીને દેશના મથુરા, હરિદ્વાર સહિતના હિન્દુ ધાર્મિક સ્થળો સુધીની એસ.ટી બસ સેવા શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસ સેવાનો લાભ આછા દરે પુરો પાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. આમ હિન્દુ મતો અંકે કરવાની રણનીતિ ઘડવામાં આવી છે.

ગુજરાતમાં પાટીદાર, ખેડૂત સહિતના અલગ-અલગ સમાજ વિવિધ માંગણી મુદ્દે વિરોધ કરી રહ્યાં છે. એટલું જ નહીં બેરોજગારી, મગફળીકાંડ સહિતના મુદ્દે સરકાર ઘેરાયેલી છે. આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ગુજરાત ભાજપનું ગઢ માનવામાં આવે છે. ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો ઉપર ભગવો લહેરાવ્યો હતો. પરંતુ આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં આ બેઠકો જળવાય રહે તેવા પ્રયાસ ભાજપ કરી રહ્યું છે.

ભાજપના ટોચના નેતાઓ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને બેઠકનો દોર શરૂ કર્યો છે. ત્યારે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હિન્દુ મતદારોને આકર્ષવા માટે સરકારે ખાસ આયોજન કર્યું છે. હિન્દુઓના ધાર્મિક સ્થળ હરિદ્વાર, ઋષિકેશ, વૃંદાવન, મથુરા અને બનારસ જેવા સ્થળોએ એસ.ટી. બસ સેવા શરૂ કરવાનું આયોજન છે. ખૂબ ઓછા ભાડે મુસાફરોને ધાર્મિક સ્થળોની મુસાફરી કરાવવામાં આવશે.

આ બસ સેવા જાન્યુઆરીમાં વાઈબ્રન્ટ સમિટ પહેલા શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જેમ અહીંથી ખાસ બસ દોડવવામાં આવે છે તેમ ભાજપ શાસિત ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં તંત્ર સાથે બસ સેવા શરૂ કરવા માટે પ્રાથમિક વાતચીત થઈ છે. આ યાત્રાધામમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ સમાવેશ કરવામાં આવશે. આ અંગે ટૂંક સમયમાં જ આખરી નિર્ણય કરવામાં આવશે. જેથી પ્રવાસીઓને ટેક્સનું ભારણ નહીં પડે.

હિન્દુ મતો અંકે કરવા ભાજપ સરકારે અત્યારથી જ પ્લાન ઘડી કાઢયો છે. અગાઉ ઉત્તર પ્રદેશમાં સ્વામીનારાયણ ભગવાનના જન્મ સ્થળ છપૈયા ખાતેની પણ ગુજરાત સરકારે બસ સેવા શરૂ કરી હતી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp