બાળકોનું જીવન જોખમમાં, અમદાવાદની આટલી શાળા પાસે ફાયર NOC જ નથી

PC: livelaw.in

રાજ્યમાં અવાર નવાર હોસ્પિટલ કે શાળાઓમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવે છે. કોરોનાની મહામારી વચ્ચે હોસ્પિટલોમાં લાગેલી આગની ઘટનામાં દર્દીઓના મોત થયા હોવાના પણ કિસ્સાઓ સામે આવે છે. ફાયર સેફ્ટી અને ફાયર NOCને લઇ ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. થોડાં દિવસ પહેલા ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યમાં ફાયર સેફટી અને BU પરમિશન વગરની બિલ્ડિંગોને સીલ કરવા માટે ટકોર કરવામાં આવી હતી. ત્યારે રાજયમાં અલગ-અલગ શહેરો અને ગામડાંઓ સહિત અનેક વિસ્તારોમાં ફાયર વિભાગ દ્વારા શાળા, કોલેજ, હોસ્પિટલ અને મોલમાં ફાયર સેફ્ટી બાબતે તપાસ કરવામાં આવી રહી છે. જે જગ્યા પર ફાયર સેફ્ટીનો અભાવ અને NOC ન હોય તે બિલ્ડિંગને સીલ કરવામાં આવે છે.

તો બીજી તરફ હવે રાજ્યમાં ધોરણ 1થી 12ના તમામ વર્ગો ઓફલાઈન શરૂ કરી દેવામાં આવ્યા છે. શાળાઓ શરૂ થઇ હોવાના કારણે હવે બાળકોની સુરક્ષાને લઇને સવાલો ઉઠી રહ્યા છે. કોરોનાથી બાળકને સુરક્ષિત રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પણ આગની ઘટનાઓમાં બાળકોની સુરક્ષાને લઇને સવાલ ઉઠી રહ્યા છે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો શહેરમાં 2474 શાળા-કોલેજો આવેલી છે. આ શાળાઓમાંથી 91 કરતા વધારે શાળા-કોલેજોએ ફાયર વિભાગની NOC મેળવી નથી. મહત્ત્વની વાત છે કે, ખાનગી શાળાના સંચાલકો વાલીઓ પાસેથી ફી માગવાનું નથી ભૂલતા પણ ફાયર NOC લેવાનું કે તેને રીન્યુ કરાવવાનું કેમ ભૂલી જાય છે?

તો બીજી તરફ એવી પણ માહિતી મળી રહી છે કે, અમદાવાદ શહેરમાં 3 હજાર કરતા વધારે ટ્યુશન કલાસીસ આવેલા છે અને આ તમામ ટ્યુશન કલાસીસમાંથી 1672 ટ્યુશન કલાસીસ દ્વારા જ ફાયર વિભાગની NOC લેવામાં આવી છે. બાકીના ટ્યુશન ક્લાસીસ ફાયર NOC વગર ધમધમી રહ્યા છે. મહત્ત્વની વાત છે કે, આ બાબતે જ્યારે ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે છે, ત્યારે ટ્યુશન ક્લાસ કે શાળાના સંચાલકોને નોટીસ પાઠવવામાં આવે છે અને ત્યારબાદ પણ અમુક શાળાના સંચાલકો કે ટ્યુશન ક્લાસીસના સંચાલકો ફાયર વિભાગની NOC લેવાની તસ્દી લેતા નથી. એટલા માટે હવે નિર્ણય કરવામાં આવ્યો છે કે, જે શાળાના સંચાલકો ફાયર NOC નહીં લે તેમને ક્લોઝર નોટીસ આપવામાં આવશે અને ત્યારબાદ તેમના શાળા કે કોલેજ કે પછી ટ્યુશન કલાસીસને બંધ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp