પાટીદારોમાં કોંગ્રેસનાં રામ રમી ગયા, કોંગ્રેસની આખી બાજી વળી ગઈ ઉંધી

PC: khabarchhe.com

હાર્દિક અંગે તથાકથિત સીડીએ કોંગ્રેસની આખીય યોજનાને ઉંધી વાળી દીધી છે. હાર્દિકની સીડીને લઈ કોંગ્રેસની હાલત કફોડી બની ગઈ છે. અત્યાર સુધી કોંગ્રેસ હાર્દિક-હાર્દિકનાં ગાણા ગાતી હતી પરંતુ સોમવારથી કોંગ્રેસ માટે મસમોટી પીછેહઠ કરવી પડે તેવી ઘટનાએ કોંગ્રેસની બોબડી બંધ કરી દેવાનું કામ કર્યું છે.

પાછલા અઢી વર્ષથી પાટીદાર અનામત આંદોલનની લડત ચલાવી રહેલા હાર્દિક પટેલની સીડીને લઈ આખાય દેશમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મંગળવારે અન્ય એક સીડી પણ વાયરલ કરવામાં આવી છે. પાસનાં નેતાઓને શું બોલવું તેની સૂઝ પડી રહી નથી અને પાટીદાર સમાજ હાર્દિક સામે થઈ ગયો હોવાનો સૂર ઉઠી રહ્યો છે.
કોંગ્રેસે બિસાત તો જોરદાર બિછાવી હતી પરંતુ એવું કહેવાય છે ને કે એક ભૂલ નડી જાય છે. કોંગ્રેસને હવે આ સીડી વિધાનસભાની ચૂંટણીમાં લઈને ડૂબી જશે અને કોંગ્રેસ દુર દુર સુધી ક્યાંય નજરે પડશે નહી. કોંગ્રેસનો જે વોટીંગ રેશ્યો વધી રહ્યો હતો તે હવે ધડામ કરતા ભાજપની તરફેણમાં આવતો દેખાઈ રહ્યો છે.

કોંગ્રેસને હવે મોટો આંચકો રાજપુત સમાજ આપી રહ્યો છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ જોઈન કરી લેતા ઠાકોર સેનાના ફનાફાતીયા થઈ રહ્યા છે અને અલ્પેશ પણ સિદ્ધપુરનાં બદલે વિરમગામથી ચૂંટણી લડવા માંગી રહ્યો છે. અલ્પેશ માટે પણ મોકાણ સર્જાઈ છે. હવે જિગ્નેશ મેવાણી વિશે ભાજપને ચિંતા નથી. દલિત સમાજને પોતાની તરફ વાળવા માટે ભાજપે દલિત સમાજ તરફ દોટ મૂકી દીધી છે. એવું લાગે છે હવે પછીનાં તમામ રાઉન્ડમાં ભાજપનો ઘોડો સતત આગળ દોડી રહ્યો છે.

કોંગ્રેસનાં નેતાઓ ફરી એક વાર હાંફળા ફાંફલા દોડતા થઈ ગયા છે. કોંગ્રેસની હાલત મા મને કોઠીમાંથી કાઢ જેવી બની ગઈ છે. હવે પાટીદારોને કોંગ્રેસ તરફ વાળવાની આખી ઝૂંબેશ પડી ભાંગી છે અને કોંગ્રેસને વધુ એક વખત મોટો આંચકો લાગી શકે એવું માની શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp