26th January selfie contest

ગુજરાતમાં આ જગ્યાએ ઘરમાં કેમિકલવાળું પાણી ઘૂસતા લોકોના પગમાં ખંજવાળ શરૂ

PC: youtube.com

અમદાવાદના ધોળકાના બૂટભવાનીપરા વિસ્તારની આસપાસ આવેલી કેટલીક કંપનીઓ દ્વારા છોડવામાં આવેલા કેમિકલ વાળા પાણીને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોએ આ મામલે તંત્રને વારંવાર રજૂઆત કરી પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરીને લોકોની સમસ્યાનો નિકાલ લાવવામાં આવતો નથી. બૂટભવાનીપરા વિસ્તારમાં અંદાજીત 3500 લોકોની વસ્તી છે અને કેમિકલ વાળા પાણીના કારણે લોકોના આરોગ્યને પણ નુકશાન થવનો પણ ભય રહે છે.

પહેલા તો આ કંપનીઓ દ્વારા છોડવામાં આવતું કેમિકલ વાળું લીલા કલરનું પાણી સોસાયટીના રસ્તા પર આવતુ હતુ. આ પાણીનો સરખો નિકાલ ન થવાના કારણે હવે લીલા કલરનું પાણી લોકોના ઘરમાં ઘૂસી રહ્યું છે. જેના કારણે સ્થાનિક લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. સરકારી અધિકારીઓને આ તમામ દૃશ્યો દેખાઈ રહ્યા પણ તેઓ આંખ આડા કાન કરી રહ્યા છે.

સ્થાનિક લોકો દ્વારા આ વિસ્તારમાં કોનકડ, નેહા, કેડિલા આ ત્રણ કંપની દ્વારા કેમિકલ વાળા પાણી છોડવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે સ્થાનિક લોકો એમ પણ કહ્યું છે કે, આ કેમિકલ વાળું પાણી ભેટાવાડા, ત્રાસદ સહીતના ગામડાઓના ખેતરમાં પહોંચતું હોવાના કારણે ખેતીને નુકશાન થાય છે. આ બાબતે ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસર મૌન સેવી રહ્યા છે અને કહી રહ્યા છે કે, આ મુદ્દો માનવ અધિકાર પંચમાં ચાલે છે.

સ્થાનિક લોકોએ મીડિયા સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે, ત્રણ વર્ષથી કેમિકલ કંપનીનું પાણી એટલું ખરાબ આવે છે કે, આનાથી અમને બીમારી થાય છે. બે વર્ષથી એટલું વધારે પાણી આવે છે કે, ગંદુ પાણી ઘરમાં ભરાઈ જાય છે. હજુ તો વરસાદ પણ નથી પડ્યો. અમે નગરપાલિકામાં અરજી કરી છે. ત્યારે એવું કીધું કે, બેથી ત્રણ દિવસમાં આ પાણીનો નિકાલ થઈ જશે પરંતુ હજુ એ લોકો આવ્યા નથી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp