આ સમય દરમિયાન પતંગ ન ઉડાવવા સલાહ આપતા વનમંત્રી કિરીટસિંહ રાણા

PC: khabarchhe.com

વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ઉતરાયણ પર્વ દરમિયાન પતંગ દોરીથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે રાજ્યભરમાં તારીખ 10મી જાન્યુઆરી થી 20મી જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન 2022 યોજવામાં આવશે અબોલ જીવોના રક્ષણ માટેના આ અભિયાનમાં આવો આપણે સૌ નાગરીકો સાથે મળીને પશુ-પક્ષીઓનું રક્ષણ કરીએ.

રાજ્યમાં યોજાનાર આ અભિયાન સંદર્ભે આજે કૃષિ-પશુપાલન મંત્રી રાઘવજી પટેલ અને વન રાજ્ય મંત્રી જગદીશ પંચાલ ની ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઇ હતી જેમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા કરીને સઘન આયોજન કરવા ભારપૂર્વક જણાવાયુ હતું. વન મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે આપણે સૌ ઉત્સવ પ્રિય નાગરિકો છીએ ત્યારે ઉતરાયણના પાવન પર્વમાં ઉત્સાહ સાથે અબોલ પશુ-પક્ષીઓને નુકસાન ન થાય એની સંપૂર્ણ તકેદારી રાખીએ, સવારે 9.00 કલાક પહેલાં અને સાંજે 6.00 કલાક પછી પતંગ ઉડાડીએ નહીં તેમજ નાયલોન કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરીએ.

તેમણે ઉમેર્યું કે વર્ષ 2017થી રાજ્યમાં કરુણા અભિયાન શરૂ કરીને અબોલ જીવોના રક્ષણ માટે દેશભરમાં ગુજરાતે એક સારી શરૂઆત કરીને સંવેદનશીલતાનો નવતર અભિગમ હાથ ધર્યો છે. આ અભિયાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં અંદાજે 55 હજારથી વધુ પક્ષીઓને આપણે સારવાર દ્વારા બચાવી શક્યા છીએ. ગત વર્ષે 9 હજારથી વધુ પક્ષીઓ ઘાયલ થયા હતા. જેમાં આશરે 750 પક્ષીઓના મૃત્યુ થયા હતા. ગત વર્ષના અનુભવના આધારે આ વર્ષે રાજ્યભરમાં જરૂરિયાત મુજબ 764થી વધુ પક્ષી નિદાન કેન્દ્ર બનાવવામાં આવશે જેમાં સવારે 9.00 થી સાંજના 6.00 સુધી સારવાર અપાશે. આ વર્ષે આ તમામ કેન્દ્રોને ઓનલાઈન મેપ પર મૂકવામાં આવ્યા છે જેમાંથી કોઈપણ વ્યક્તિ રાજ્યના તમામ કેન્દ્રોની માહિતી સહેલાઈથી મેળવી શકશે.

મંત્રી કિરીટસિંહ રાણાએ કહ્યું કે આ તમામ કેન્દ્રો માટે રાજ્ય સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર પર 83200 02000 પર “karuna” વૉટસએપ કાર્યરત કરાયું છે. ઉપરાંત https://bit.ly.karunaabhiyan લીંક ઉપર ક્લિક કરીને QR કોડ પણ કાર્યરત છે જેના દ્વારા નાગરિકો પક્ષી નિદાન કેન્દ્રોની વિગતો મેળવી શકશે.

પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ઉત્તરાયણ પર્વમાં ઘાયલ થતાં પંક્ષી-પશુઓને સારવાર માટે શરૂ કરાયેલું આ ‘‘કરુણા અભિયાન’’ આજે અત્યંત આશિર્વાદરૂપ સાબિત થયુ છે. આ વર્ષે યોજાનાર અભિયાન દરમિયાન પશુપાલન વિભાગ હસ્તકના 376 સ્થાયી સારવાર કેન્દ્રો, 37 કરુણા એમ્બ્યુલન્સ તથા 52 જેટલા પશુ મોબાઈલ દવાખાના ખડેપગે તૈનાત રહેશે. અંદાજે 546 ડૉકટર્સ અને 6,000થી વધુ સ્વયંસેવકો આ અભિયાનમાં જોડાશે.

વન રાજ્ય મંત્રી જગદીશ પંચાલે કરુણા અભિયાનને આવકારતા કહ્યું કે રાજ્ય સરકાર સંપૂર્ણ સંવેદના સાથે પશુ પક્ષીઓને બચાવવા સંનિષ્ઠ પ્રયાસો આ અભિયાન થકી છેલ્લા પાંચ વર્ષથી કરી રહી છે જેના ખૂબ સારા પરિણામો પણ મળ્યા છે. પક્ષીઓ-પશુઓને સારવાર સહિત ઓપરેશનની સુવિધાઓ પણ રાજ્ય સરકાર વિનામૂલ્યે પૂરી પાડીને પક્ષીઓના જીવ બચાવે છે જેમાં સરકારી અધિકારી-કર્મચારીઓ સહિત સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ જોડાઈને સેવા આપે છે તે તમામ અભિનંદનને પાત્ર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp