26th January selfie contest

લશ્કરી અધિકારી તરીકે પરિચય આપી લગ્નના બહાને મહિલાને ઠગતો ગઠીયો ઝડપાયો

PC: khabarchhe.com

પૈસા કમાવવા માટે ગઠીયાઓ અનેક નવી રસ્તા શોધી કાઢતા હોય છે. અમદાવાદ પોલીસના સાયબર સેલ દ્વારા પોતાને લશ્કરી અધિકારી બતાડી મહિલાને પહેલા લગ્ન કરવાનું કહી બાદ તેની પાસેથી પૈસા પડાવી લેતા માત્ર ધોરણ 10 સુધી અભ્યાસ કરનાર એક ઠગને ચાંદખેડા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આ ઠગ મહિલાને નિશાન બનાવવા માટે લગ્ન વિષયક જાહેરખબરનો સહારો લેતો હતો. અમદાવાદની મહિલા સહિત દેશના અનેક લોકોને તેણે નિશાન બનાવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

અમદાવાદના નવરંગપુરામાં રહેતા એક મહિલાના અગાઉ લગ્ન થઈ ચૂક્યા હતા. જો કે ત્યાર બાદ તેના વર્ષો પહેલા છૂટાછેડા પણ થયા હતા. તાજેતરમાં આ મહિલાએ પોતાના લગ્ન માટે લગ્ન વિષયક જાહેરખબર એક પોર્ટલ ઉપર મૂકી હતી, જેના આધારે મહિલાને સિદ્ધાર્થ મહેરા નામની વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે પોતાના પરિચયમાં તે હાલમાં નલીયા ખાતે ભારતીય લશ્કરમાં મેજર તરીકે ફરજ બજાવતો હોવાનું જણાવ્યુ હતું. જો કે સિદ્ધાર્થ મહેરા આ મહિલાને વોટસઅપ ફોન જ કરતો હતો. છેલ્લાં ઘણા વખતથી વાત થઈ રહી હોવાને કારણે મહિલાને સિદ્ધાર્થ ઉપર ભરોસો થઈ ગયો હતો. મહિલા માની રહી હતી કે તેના નવા જીવનસાથી તરીકે સિદ્ધાર્થ યોગ્ય વ્યક્તિ છે.

આ દરમિયાન એક દિવસ સિદ્ધાર્થ મહેરાએ ફોન કરી મહિલાને કહ્યું કે તેને લશ્કર તરફથી ઘર મળે તેમ છે. જો કે તેના માટે 49,500 તાત્કાલિક ભરવાના છે, તેની પાસે પૈસાની વ્યવસ્થા છે. પરંતુ બેન્ક બંધ હોવાને કારણે તે પૈસા ટ્રાન્સફર કરી શકે તેમ નથી. જો આજે તેના એકાઉન્ટમાં પૈસા જમા થાય તો તે બે દિવસમાં આ રકમ પરત કરશે. મહિલાને હવે સિદ્ધાર્થ ઉપર ભરોસો થઈ ગયો હતો. તેણે કંઈ પણ વિચાર કર્યા વગર સિદ્ધાર્થે આપેલા એકાઉન્ટમાં પૈસા મોકલી આપ્યા હતા. જો કે થોડા દિવસ પછી સિદ્ધાર્થે આપેલા વચન પ્રમાણે પૈસા પરત નહીં મળતા મહિલાએ તેને ફોન કરી પૂછતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો અને બાદમાં તેણે વાત બંધ કરી દીધી હતી.

આથી મહિલા સાયબર સેલમાં ફરિયાદ કરતા ડેપ્યુટી પોલીસ કમિશનર ડૉ. રાજદિપસિંહ ઝાલાએ પોલીસ ઇન્સપેક્ટર જે. એમ. ગેડમને તપાસ કરવાની સૂચના આપી હતી, જેના આધારે સાયબર એક્સપર્ટ કામે લાગ્યા અને તેમણે ચાંદખેડામાં રહેતા બહુનામધારી જુલિયન ઉર્ફે સિદ્ધાર્થ મહેરાને ઝડપી લીધો હતો. માત્ર ધોરણ 10 સુધી અભ્યાસ કરનાર સિદ્ધાર્થ પાસે વાકચાતુર્ય હતું. તેના કારણે તે ખાસ કરી મહિલાને નિશાન બનાવતો હતો. સાયબર અધિકારીઓની તપાસમાં જાણવા મળ્યુ કે 2011મા નિવૃત્ત સુબેદારને રિલાયન્સમાં નોકરી અપાવવાના બહાને સિદ્ધાર્થે પૈસા પડાવ્યા હતા, જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી.
2013મા વડોદરાની એક યુવતીને લગ્નનું કહી તેની પાસેથી રૂપિયા 90 હજાર લીધા હોવાની ફરિયાદ વડોદરા પોલીસમાં નોંધાઈ હતી. 2016મા અમદાવાદ સાબરમતી મહિલાને લગ્નની વાત કરી ત્યાર બાદ ધંધામાં 30 લાખનું રોકાણ કરવાનું કહી પૈસા પડાવ્યા હોવાની ફરિયાદ સાબરમતીમાં નોંધાઈ હતી. આ દરમિયાન સિદ્ધાર્થને ટાઇમ્સ ઓફ ઇન્ડીયામાં લગ્ન વિષયક જાહેરખબરના આધારે દિલ્હીની એક મહિલાનો સંપર્ક કરી પોતે લશ્કરી અધિકારી છે અને કાશ્મીરમાં પોસ્ટિંગ છે અને તેઓ ત્રાસવાદી સામે લડતા માર્યા ગયેલા જવાનો માટે ફંડ એકત્રિત કરી રહ્યાં છે તેમ કહ્યુ હતું.

દિલ્હીની આ મહિલા બે દિવસમાં સિદ્ધાર્થના એકાઉન્ટમાં ત્રણ લાખ મોકલવાની હતી પણ તે પહેલા અમદાવાદ પોલીસે તેને પકડી લેતા આ અંગે દિલ્હી પોલીસને પણ જાણ કરવામાં આવી છે, જેના આધારે દિલ્હીમાં અન્ય એક ગુનો નોંધવામાં આવશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp