વી.એસ.હોસ્પિટલમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલ જેવાં ઊંચા દરો

PC: dnaindia.com

રાજ્ય સરકારની મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ અંદાજે રૂ. 600 કરોડના ખર્ચે અમદાવાદમાં વી. એસ. હોસ્પિટલ પરિસરમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બની છે. તંત્ર દ્વારા દર્દીઓ માટે સારવાર-નિદાન, પથારી અને ઓપરેશન વગેરેના ચાર્જ નક્કી કરાયા છે. જે મુજબ ઓપીડીના દર્દીએ રૂ. 100 ચૂકવવા પડશે, જે પ્રથમ કન્સલ્ટન્સીના સાત દિવસ સુધી માન્ય રહેશે.

બે બેઝમેન્ટ સાથે કુલ સત્તર માળ અને હેલીપેડ ધરાવતી આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તબીબી ક્ષેત્રની મેડિકલ, સર્જરી, ગાયનેક, ઓર્થોપેડિક, ટીબી જેવી મુખ્ય શાખા ઉપરાંત કાર્ડિયોલોજી, ન્યૂરોલોજી, ન્યૂરો સર્જરી, ગેસ્ટ્રો સર્જરી, ગેસ્ટ્રો મેડિસિન વગેરેના ઓપીડી, ઈન્ડોર વોર્ડ, 32 ઓપરેશન થિયેટર, બ્લડ બેન્ક, લેબ, રેડિયોલોજી તેમજ 550 રે‌સિડન્ટ ડોક્ટરના રહેવા માટેના રૂમનો સમાવેશ થાય છે.

તંત્ર દ્વારા ઓપીડી ચાર્જ ઉપરાંત હોસ્પિટલની કુલ 1,500 પથારી પૈકી જનરલ વોર્ડની 1,300 પથારી માટે દૈનિક રૂ. 300 અને રૂ. 200, સ્પેશિયલ પથારી માટે રૂ. 1,500થી રૂ. 2,500નો ચાર્જ નક્કી કરાયો છે. જનરલ વોર્ડમાં એક સગાંસંબંધીને બેસવા-સૂવાની સગવડ તથા સામાન મૂકવાની અલાયદી વ્યવસ્થા કરાઈ છે તેમજ દર્દી દીઠ એક ક્યૂબ બનાવીને તેની અંગત સલામતી જાળવવાનું પણ આયોજન કરાયું છે.

જનરલ વોર્ડના ચાર્જમાં દિવસમાં બે વાર ડોક્ટર કન્સલ્ટન્સી, ત્રણ વાર ડાયેટ, લીનન અને નર્સિંગ, દર્દીનાં કપડાંનો સમાવેશ થાય છે. જ્યારે ફાર્મસી, પ્રો‌સિજર-ઓપરેશન ચાર્જ, રેડિયોલોજી-લેબ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે. 200 સ્પેશિયલ બેડના દર્દીને સે‌મિડિલક્સ રૂમ માટે દૈનિક રૂ. 1,500, ડિલક્સ રૂમના રૂ. 2,000, સ્યૂટ રૂમના રૂ. 2,500 ચૂકવવાના રહેશે. ઓપીડી વિભાગ માટે કન્સલ્ટેશન ફી રૂ. 100 નક્કી કરાઈ છે, પરંતુ તેમાં રૂ. 300 ચૂકવનારને અગ્રતાક્રમ અપાશે. ફોલોઅપ ફી રૂ. 50 હોઈ તેમાં રૂ. 200 ચૂકવનારને અગ્રતાક્રમ મળશે.

ડાયેટ કન્સલ્ટેશન ફી રૂ. 100 અને ઈમર્જન્સી કન્સલ્ટેશન ફી રૂ. 150 રખાઈ છે. જનરલ વોર્ડના ઓપરેશન માટે રૂ. 3,000થી 8,000 અને સ્પેશિયલ બેડમાં રૂ. 10, 000થી રૂ. 50,000નો ચાર્જ નક્કી કરાયો છે. આ ઉપરાંત પંદર પ્રકારના હેલ્થ ચેકઅપ પેકેજ નક્કી કરાયાં હોઈ તેમાં જનરલ પેકે‌જનો દર રૂ. 1,200 અને સ્પેશિયલનો દર રૂ. 2,500 નિર્ધારિત કરાયો છે.

આગામી ઓગસ્ટના ત્રીજા અઠવાડિયા સુધીમાં પ્રથમ તબક્કા હેઠળ ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોરની ઓપીડી, રેડિયોલોજી તેમજ બાર-તેર અને ચૌદમા ફ્લોર પરનાં રેસિડન્ટ ડોક્ટર ક્વાર્ટર્સ કાર્યરત કરાશે. ત્યારબાદ અન્ય વિભાગ, ઓપરેશન થિયેટર અને ICU ફ્રેબ્રુઆરી-2019 સુધીમાં ધમધમતાં થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp