આણંદમાં BMW કાર મંડપ સુધી ન આવતા વરરાજો કન્યાને લીધા વગર જતો રહ્યો

PC: Dainikbhaskar.com

ઘણી વખત નાની વાત મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો આણંદના એક લગ્ન પ્રસંગમાં સામે આવ્યો છે જ્યાં લગ્ન બાદ વરરાજો જે કારમાં આવ્યો હતો તે BMW કાર મંડપ સુધી ન આવતા વરરાજો રોષે ભરાયો અને તે કન્યાને મૂકીને જ લગ્ન મંડપમાંથી જતો રહ્યો હતો. જોકે, સમાજના લોકોએ વરરાજાને સમજાવવા માટેના ઘણા પ્રયાસો કર્યા હતા, પરંતુ વરરાજો માન્યો નહોતો અને જાન લીલા તોરણેથી પાછી ફરી હતી.

રિપોર્ટ અનુસાર, આણંદના નાપાડ વાંટા ગામમાં બે દિવસ અગાઉ એક લગ્ન પ્રસંગે યોજાયો હતો. જેમાં વરરજો BMW કારમાં પરણવા માટે પહોંચ્યો હતો. શાંતિમય વાતાવરણ વચ્ચે હર્ષોલ્લાસથી લગ્નની તમામ વિધિ પૂર્ણ થઈ હતી અને કન્યા વિદાય સમયે જ્યારે વરરાજો BMW કારમાં આવ્યો હતો તે કાર સમયસર મંડળ સુધી પહોંચી ન હોવાના કારણે વરરાજો રોષે ભરાઈ ગયો હતો. મહત્ત્વની વાત છે કે, મંડપ સુધી પહોંચવાનો રસ્તો સાંકડો અને ઉબડખાબડ હોવાના કારણે વરરાજાની કાર મંડપ સુધી પહોંચી ન હતી. 

કાર મંડપ સુધી વરરાજાને લેવા ન આવી હોવાના કારણે વરરાજો રોષે ભરાયો હતો અને તેને આ વાતનું વતેસર કરી દીધું હતું. વરરાજાનું અહમ ઘવાતા તે દુલ્હનને લીધા વગર જ જતો રહ્યો હતો અને આ જ કારણે કન્યાની વિદાયની રીત અટકી પડી હતી. તો બીજી તરફ ગામના લોકો અને સગા સંબંધીઓ દ્વારા વરરાજાને સમજાવવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ વરરાજો માન્યો નહીં અને દુલ્હનને લીધા વગર ચાલ્યો જતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચાઓ થઈ રહી છે. છેલ્લા બે દિવસથી સમાજના અગ્રણીઓ વર પક્ષને સમજાવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે, પરંતુ વરપક્ષ નારાજગી દૂર કરવા માટે તૈયાર ન હોય તેવું લાગી રહ્યું છે. 

તો બીજી તરફ આ વાતની જાણ એક NGOને થઇ હોવાના કારણે NGO દ્વારા દીકરી તેના પતિ પાસે હસતા મુખે પરત ફરે અને પતિ તેની પત્નીને અપનાવે તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ આ ઘટનાને લઇને જેના લગ્ન થયા છે તે યુવતી એક જ વાતનું રટણ કરી રહી છે તેનો પતિ તેને લેવા માટે આવશે. આ યુવતીના પરિવારના સભ્યો પણ જમાઈની રાહ જોઈ રહ્યા છે. કાર મંડપ સુધી પહોંચી ન હોવાનું કારણ આગળ ધરી વરરાજો કન્યાને લીધા વગર જતો રહ્યો હોવાની ઘટનાને લઇને દીકરીના પરિવારના સભ્યોને સામાજિક નિંદાનો ભોગ બનવું પડી રહ્યું છે છતા પણ વરપક્ષના લોકો કન્યા પક્ષની વેદના સમજવા તૈયાર નથી. 

મહત્ત્વની વાત છે કે જે કન્યાની જાન લીલા તોરણે તેને લીધા વગર પરત ફરી હતી તે કન્યાના પિતા નથી. તેથી તેના ભાઈ દ્વારા જ બહેનના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા હતા. બહેનના લગ્ન થાય એટલા માટે ભાઈએ પોતાની જમીન ગિરવે મૂકી હતી અને આ પૈસાથી કરિયાવર સહિત અન્ય વસ્તુઓનો ખર્ચ કર્યો હતો. આ ઉપરાંત જાનમાં જે મહેમાનો આવ્યા હતા તેના સ્વાગતમાં પણ કોઈ કસર બાકી રાખી નહોતી, પરંતુ વરરાજાની એક જિદ્દના કારણે ખુશી ખુશી પૂર્ણ થનારો લગ્ન પ્રસંગ ચિંતાના માહોલમાં પરિવર્તિત થઈ ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp