અમદાવાદમાં બંદૂકથી લૂંટ થાય છે કે નહીં તે જોવા માટે બે આરોપીએ કારની લૂંટ કરી

PC: youtube.com

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી હોય તેવું લાગી રહ્યુ છે. આ કહેવાનું કારણ એ છે કે, આરોપીઓને જાણે પોલીસનો ડર જ ન રહ્યો હોય તે પ્રકારે ક્રાઇમની ઘટનાઓ સામે આવે છે. અવાર નવાર ચોરી, હત્યા અને મારામારીના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે વધુ એક લૂંટની ઘટના અમદાવાદમાં સામે આવી છે કે, જેમાં આરોપીઓએ તમંચો બતાવીને એક કારની લૂંટ કરી હતી. કાર માલિકે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ અને SOGની ટીમ પણ કામે લાગી હતી. આરોપીઓ કાર લઈને રાજ્ય છોડે તે પહેલાં જ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીઓ માત્ર જોવા માગતા હતા કે, તમંચો બતાવીને લૂંટ કરી શકાય કે, નહીં.

અમદાવાદના રામોલ રીંગ રોડ પર અજય મેહતા નામનો વ્યક્તિ પોતાની કાર લઇને પસાર થઇ રહ્યો હતો. તે સમયે બે અજાણ્યા ઈસમોએ અજય મહેતાની કારને ઊભી રખાવી હતી અને સરનામું પૂછ્યું હતું. સરનામું પૂછવાના બહાને બંને ઈસમોએ અજયને થપ્પડ મારીને તમંચો દેખાડીને કારની લૂંટ કરી હતી. બંને ઈસમો અજય મેહતાને રસ્તા વચ્ચે ઉતારીને કાર લઇને ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર મામલે અજય મહેતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરી હતી. પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ બંને ઈસમો કાર લઇને રાજ્ય છોડવાની તૈયારી કરી રહ્યા છે પરંતુ આ બંને રાજ્ય બહાર નીકળે તે પહેલાં જ અમદાવાદ SOGની ટીમ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે બંને આરોપીની ધરપકડ કરી તેની પાસેથી કારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આ બંને ઇસમોના નામ સુરજ ગુપ્તા અને પ્રશાંત ચૌહાણ છે. પોલીસની તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, આરોપીઓ મોજશોખ કરવા અને નશો કરવા માટે અલગ-અલગ જગ્યાઓ પર લૂંટની ઘટનાને અંજામ આપતા હતા અને આ બંને ઈસમોએ તમંચો બતાવીને કારની લૂંટ થાય છે કે, નહીં તે જોવા માટે વેપારી પાસેથી કારની લૂંટ કરી હતી. પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, આરોપીઓની સામે અગાઉ નોંધાયા છે જેમાં સુરજ સામે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 14 જેટલા ગુના નોંધાયા છે અને તેને પાસાની સજા પણ થઇ છે. આ ઉપરાંત પ્રશાંતની સામે 2 ગુનાઓ નોંધાયા છે.

સુરજ અને પ્રશાંત લૂંટની ઘટનાને અંજામ આપીને લૂંટનો મુદ્દામાલ અમદાવાદ, અમદાવાદ ગ્રામ્ય અને રાજકોટના અલગ-અલગ વિસ્તારમાં સંતાડતા હતા અને પોલીસને થાપ આપતા હતા. પણ કારની લૂંટ કર્યા બાદ રાજ્ય બહાર જઈને કાર વેચવાનું કાવતરું રચનાર બંને આરોપીઓને પોલીસે રાજ્ય છોડે તે પહેલાં ઝડપી પાડયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp