અમદાવાદમાં વેપારીએ ચોરને પકડ્યો, પોલીસે ચોરની ફરિયાદ લઈ વેપારીને જેલમાં પૂર્યો

PC: youtube.com

ચોરને પકડવાની જવાબદારી પોલીસની હોય છે. તેવામાં એક ચોરને ચોરી કરતા રંગે હાથે પકડીને વેપારીએ ચોરને પોલીસને સોંપતા પોલીસે ચોરની સામે કાર્યવાહી કરતા પહેલા વેપારીની સામે ગુનો દાખલ કરીને વેપારીને જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો. આ સમગ્ર મામલે પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. પોલીસનું કામ વેપારીએ કર્યુ હોવા છતાં, વેપારીને શાબાસી મળવાની જગ્યા પર તેને સજા મળી છે.

રિપોર્ટ અનુસાર અમદાવાદના સરદારનગર વિસ્તારમાં લાલજી સોલંકી નામનો ચોર એક વેપારીના ઘરે ચોરી કરવા માટે ગયો હતો. લાલજી જે સમયે ઘરની તોજોરીમાંથી દાગીના અને રોકડ રકમની ચોરી કરીને ભાગી રહ્યો હતો, તે સમયે વેપારીએ ચોરને પકડી લીધો હતો. વેપારીથી બચીને ભાગવા માટે લાલજીએ વેપારીની સાથે ઝપાઝપી કરી હતી. ચોર અને વેપારી વચ્ચે થયેલા ઘર્ષણ દરમિયાન ચોર લાલજીને ઈજા થઇ હતી. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરતા સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. તેથી વેપારીએ લાલજી નામના ચોરને પોલીસને સોંપી દીધો હતો.

(ચોરી કરવા માટે આવેલો ચોર)

આ સમગ્ર મામલે ચોરને ઈજા થવાના કારણે પોલીસે ચોરની સામે કાર્યવાહી કરવાના બદલે ચોરની ફરિયાદ લઇને વેપારી સામે કાર્યવાહી કરી હતી. પોલીસે વેપારી સામે ગુનો દાખલ કરીને તેને જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.

આ સમગ્ર મામલે સરદારનગર પોલીસ સ્ટેશનના PI હેમંત પટેલે જણાવ્યું હતું કે, આ કિસ્સામાં વેપારીએ ચોરને પકડી 100 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવી તે ખૂબ સારી બાબત હતી. ત્યારબાદ વેપારીએ ચોરને ખૂબ માર માર્યો હતો. જેથી ચોરને ઈજા થવાના કારણે તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે ચોરે કહ્યું હતું કે, મને વાગ્યું છે મારી પણ ફરિયાદ લો. એટલે ચોરની ફરિયાદ લઇને વેપારીની અટકાયત કરવામાં આવી છે. તો બીજી તરફ ચોરની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે કાયદાકીય કાર્યવાહી શરૂ છે. ચોરને વધારે લાગ્યું હોવાના કારણે ચોર ફરિયાદ આપે તો તેની ફરિયાદ લેવા માટે પણ અમે બંધાયેલા છીએ. આગામી દિવસોમાં ચોરનો કોરોનાનો રિપોર્ટ કરાવીને તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp