26th January selfie contest
BazarBit

અમદાવાદમાં પતિ પત્નીને મિત્રો સાથે ફલર્ટ કરવા દબાણ કરતો પછી પત્નીએ...

PC: pakistantribe.com

રાજ્યમાં અવાર નવાર સાસરિયાઓ પરિણીતાં પર કરિયાવર માટે દબાણ કરતા હોવાના કિસ્સાઓ સામે આવે છે અને આવા કિસ્સામાં પોલીસ દ્વારા કરિયાવરની માગણી કરનાર પરિણીતાના સાસરિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી અને ટ્રાવેલ્સના બિઝનેસ સાથે સંકડાયેલી એક પરિણીતાના સાસરિયા દ્વારા 100 તોલા સોનાની માંગણી કરિયાવરમાં કરવામાં આવતી હતી અને કરિયાવર લાવવા માટે દબાણ કરવામાં આવતું હતું. આ ઉપરાંત પતિ દારૂ અને જુગારની લત ચઢ્યો હતો લગ્ન બાદ પરિણીતાને જાણવા મળ્યું હતું કે, પતિએ MBAની ડિગ્રી હોવાનું કહી લગ્ન કર્યા હતા પરંતુ પતિ MBA કર્યું નથી. તો બીજી તરફ પત્નીને તેના મિત્રો સાથે ફોનમાં વાત કરવા અને ફ્લર્ટ કરવા માટે દબાણ કરતો હતો. સાસરીયાઓએ પરણિતાને ઘરમાંથી કાઢી મૂકતા પરિણીતાએ સમગ્ર મામલે પતિ અને સાસરીયાઓ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

રિપોર્ટ અનુસાર અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતી 31 વર્ષીય પરિણીતા ઇસ્કોન વિસ્તારમાં ટ્રાવેલ્સની એજન્સીનો બિઝનેસ કરે છે. પરિણીતાના લગ્ન વર્ષ 2002માં જોધપુર વિસ્તારમાં રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન થયાના થોડા દિવસો સાસરિયાઓ પરિણીતાને ખૂબ સારી રીતે સાચવતા હતા પરંતુ લગ્નના એક મહિના બાદ સાસરિયાઓએ તેમનું ઓરીજનલ સ્વરૂપ દેખાડી દીધુ હતું. પરિણીતા લગ્ન દરમિયાન કરિયાવરમાં 40 તોલા જેટલું સોનુ સાથે લાવી હતી પરંતુ સાસરિયાઓને પરિણીતાના માતા-પિતા પાસેથી 100 તોલા જેટલું સોનું કરિયાવરમાં જોતું હતું. તેથી પરિણીતાને સાસરીયાઓ 100 તોલા સોનું લાવવા માટે દબાણ કરતા હતા અને પરિણીતાને મહેણા મારી ત્રાસ આપતા હતા.

જ્યારે પરિણીતાના લગ્ન કરવામાં આવ્યા ત્યારે સાસરિયાઓ દ્વારા યુવકે MBA કર્યુ હોવાનું જણાવ્યું હતું પરંતુ પરિણીતાને લગ્નના 4 વર્ષ પછી ખબર પડી કે, પતિએ MBA કર્યું નથી અને તેની પાસે ડીગ્રી નથી જ્યારે પરિણીતા પતિને MBAની ડિગ્રી બાબતે પૂછતી ત્યારે પછી એવો જવાબ આપતો હતો કે, તારે ડિગ્રીનું શું કામ છે. હું કમાઉ છું એ ઘણું છે. આ ઉપરાંત લગ્ન સમયે સાસરિયાઓએ સાત પેઢી સુધી તમામ લોકો ખાઇને જીવી શકે એટલા પૈસા હોવાનું કહી તેના પરિવારજનોને જણાવ્યુ હતું. આ ઉપરાંત પરિવારના તમામ લોકો મિલ માલિકો હોવાનું પણ જણાવ્યું હતું પરંતુ લગ્ન બાદ લોભામણી વાતોનો ભાંડો ફૂટયો હતો અને પરિણીતાની સાથે છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું એટલું જ નહીં યુવક દારૂ પીતો હોવાની વાત પણ પરિણીતાના સાસુ-સસરા તેનાથી છુપાવી હતી. પતિ દારૂ પીને ઘરે આવતો ત્યારે પરિણીતાને તેના પતિ સાથે આ બાબતે ઝઘડો પણ થતો હતો. જ્યારે પરિણીતા બાબતે સાસુ-સસરાને કહેવા જતી ત્યારે સાસુ એવું કહેતા કે, ઘરમાં માત્ર તારો પતિ નહીં પરંતુ સસરા પણ દારૂ પીવે છે તારે આ માહોલમાં સેટ થવું પડશે. આ ઘરમાં દારૂની પાર્ટી પણ થશે.

સાસરિયા ત્રાસ આપતા હોવા છતાં પણ પરિણીતા સાસરિયાનો ત્રાસ સહન કરતી હતી. તો બીજી તરફ લગ્નના અમુક વર્ષો પછી પતિ જુગારની લતે ચઢી ગયો હતો અને જ્યારે પતિ જુગારમાં હારીને આવતો હતો ત્યારે પત્ની સાથે ઝઘડા કરતો હતો. ઝઘડા પછી સાસરિયાઓ યુવકને કહેતા હતા કે, તું આ યુવતીને છોડી દે અને અમેરિકાના સિટિઝન ધરાવતી કોઈ છોકરી સાથે લગ્ન કરે તો અમેરિકામાં સેટ થઈ જાય.

મહત્ત્વની વાત છે કે, પરિણીતા જ્યારે પતિ સાથે હોટલમાં જતી હતી ત્યારે પતિ પરિણીતાને ગામડાની અને જૂનવાણી કહીને ઉતારી પાડતો હતો અને ત્રાસ આપતો હતો એટલું જ નહીં પતિ તેના અન્ય મિત્રો સાથે પત્નીને ફોનમા વાત કરવા અને ફ્લર્ટ કરવા માટે પણ દબાણ કરતો હતો. હદ તો ત્યારે થઇ કે જ્યારે પરિણીતા ટ્રાવેલિંગનો વ્યવસાય કરતી હતી તેમાંથી પતિએ 5થી 6લાખ રૂપિયાની ટિકિટ તથા હોટેલ બુકિંગના પૈસા પત્ની પાસેથી લઈ લીધા હતા અને પરિણામે ઘરમાંથી કાઢી મુકી હતી. ઘરમાંથી કાઢ્યા બાદ સાસુ-સસરા અને પતિના ત્રાસને લઈને પરિણીતાએ સમગ્ર આ મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં સાસુ-સસરા નણંદ અને પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પરિણીતાની ફરિયાદ લઇ સમગ્ર મામલે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp