કોરોના કાળમાં તબીબી જગતની સેવાઓ માનવ સમાજ માટે ઇશ્વર જેવી પૂરવાર થઇ: CM

PC: khabarchhe.com

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, પલ્મોનોલોજિસ્ટ, ચેસ્ટ ફિઝીશિયન, થોરાકીક સર્જન સહિતના તબીબી જગતે કોરોના કાળમાં સમગ્ર માનવ સમાજની ઇશ્વરીય સેવા કરી છે. કોરોનાએ છાતી, ફેફસાને લગતા રોગો પ્રત્યે હવે સામાન્યમાં સામાન્ય માનવીને સજાગ કર્યા છે અને પલ્મોનોલોજીસ્ટ શબ્દ ઘરે-ઘરે પહોચી ગયો છે એમ તેમણે કહ્યું હતું. ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં યોજાઇ રહેલી થોરાકીક એન્ડોસ્કોપી કોન્ફરન્સ ટેસ્કોન-2020માં દેશના વિવિધ રાજ્યોના તજજ્ઞો, નિષ્ણાતો સાથે કોન્ફરન્સના બીજા દિવસે સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે, ટેસ્કોન-2020ના છત્ર નીચે તબીબી વિજ્ઞાન જગતના આધુનિક યુગના ઋષિમૂનિઓ આ પરિષદમાં માનવ જગતના સ્વાસ્થ્ય-સેવા-સારવાર માટે સમૂહ ચિંતન-મનન કરવાના છે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, ચરક, સુશ્રુત, પતંજલિ જેવા પ્રાચીન ઋષિઓએ ભારતમાં આયુર્વિજ્ઞાનનો પાયો નાંખી રોગની સારવાર-સેવાની પરંપરામાં ખેડાણ કર્યુ હતું.

વર્તમાન સમયમાં મેડીકલ સાયન્સ પણ એવું જ વિસ્તરી રહેલું ક્ષેત્ર છે અને એન્ડોસ્કોપી, બ્રોન્કોસ્કોપી જેવી પદ્ધતિઓથી છાતી-ફેફસાના રોગમાં સારવાર કારગર સાબિત થઇ શકે તેમ છે એમ પણ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ ત્રિદિવસીય કોન્ફરન્સમાં થનારૂં મંથન તબીબી જગતના આ ક્ષેત્રના જ્ઞાન-વિજ્ઞાનને એક પેઢીથી બીજી પેઢી સુધી લઇ જવાનો ઉપક્રમ બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

2012માં સ્થપાયેલી આ સોસાયટીની આ પાંચમી નેશનલ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ ઉત્કૃષ્ટ સારવાર-સેવા માટે બે વરિષ્ઠ તબીબો રાજસ્થાનના વિક્રમ જૈન અને લખનૌના રાજેન્દ્ર પ્રસાદને લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp