રૂપાણી સરકારના વહીવટમાં ધરખમ ફેરફારો આવી રહ્યાં છે

PC: facebook.com

ગુજરાતમાં બિલ્લીપગે બદલીઓ આવી રહી છે. સરકારના વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફારો આવી રહ્યાં છે. બદલીઓના આ દોરમાં સચિવાલયના સિનિયર ઓફિસરો સાથે જિલ્લાના કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ બોર્ડ-કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કે જ્યાં ભાજપનું ચૂંટણીમાં ધોવાણ થયું છે તેવા જિલ્લાના ઓફિસરોને બદલવામાં આવશે. હાલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી છે તેથી ઓફિસરોને બદલી શકાતા નથી પરંતુ બજેટ સત્ર દરમ્યાન અને બજેટ સત્ર પછી મોટાપાયે બદલાવ આવી રહ્યો છે.

ગુજરાતના વહીવટી તંત્રમાં ફેરફાર નિશ્ચિત બન્યા છે ત્યારે રાજ્યના પાંચ થી સાત શહેરોમાં ફરજ બજાવતા મ્યુનિસિપલ કમિશનરોની બદલી પણ થવાની સંભાવના વધી ગઇ છે. ખાસ કરીને વિવાદમાં ઘેરાયેલા વડોદરા મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવની બદલી નિશ્ચિત માનવામાં આવે છે. એ ઉપરાંત અમદાવાદ, રાજકોટ અને સુરતના મ્યુનિસિપલ કમિશનરો બદલાઇ શકે છે.

તાજેતરમાં રાજ્યના તમામ મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરોએ સરકાર સમક્ષ પરફોર્મન્સનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું છે અને હાલ શહેરોના બજેટનો સમય છે તેથી આ બદલીઓ વિધાનસભાના બજેટ સત્ર દરમ્યાન અથવા તો બજેટ સત્ર પછી થવાની શક્યતા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી મ્યુનિસપલ કમિશનરોની સાથે જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારી તેમજ સરકારના મહત્વના વિભાગોમાં બદલીઓ કરે તેમ મનાઇ રહ્યું છે.

સરકારે ઉદ્યોગ વિભાગની સિનિયર જગ્યાએ ફુલટાઇમ ઓફિસર નિયુક્ત કરવાની કવાયત હાથ ધરી છે. બીજી તરફ જો અનિલ મુકીમ ડેપ્યુટેશન પર દિલ્હી જાય છે તો તેમની નાણા વિભાગની અધિક મુખ્ય સચિવની ખાલી જગ્યાએ પણ સિનિયર ઓફિસરનું નામ સરકારે વિચારવાનું રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp