મારા મોત માટે તૌસીફ જવાબદાર લખી કાજલ પ્રજાપતિનો આપઘાત, જાણો આખો મામલો

તું મારી સાથે વાત નહીં કરે તો સમાજમાં તને બદનામ કરી દઇશ, એવી વારંવારની ધમકીઓથી પરેશાન થઇને અમદાવાદની એક મહિલાએ ફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
ગુજરાતના અમદાવાદ જિલ્લાના મહેમદાવાદ વિસ્તારમાં છેડતીની એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે. એક યુવકના સતત ત્રાસ અને ધમકીઓથી કંટાળીને પરણિતાએ ફાંસો ખાઇને જીવન ટુંકાવી દીધું છે. આ કેસમાં મૃતક મહિલાએ અગાઉ પણ પોલીસમાં ફરિયાદ કરી હોવાનું સામે આવ્યું છે. તે વખતે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
મહેમદાવાદમાં રહેતી એક પરણિતાએ આપઘાત કરી લીધો છે. તેણીએ સ્યુસાઇડ નોટમાં તૌસીફ પઠાણને પોતાની આત્મહત્યા માટે જવાબદાર ગણાવ્યો છે. મહિલાએ સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે તૌસીફે મારી જિંદગી બરબાદ કરી નાંખી છે, મારા મોત માટે એ જ જવાબદાર છે, તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવે. મહિલાના પતિની ફરિયાદને આધારે પોલીસે તૌસીફ પઠાણની ધરપકડ કરી છે.
મહેમદાવાદમાં પ્રકાશ પ્રજાપતિ પોતાના પરિવાર સાથે રહે છે. 14 ઓગસ્ટે તેમની પત્ની કાજલ પ્રજાપતિએ પોતાના ઘરમાં પંખા પર લટકીને ફાંસો ખાઇ લીધો હતો. પોલીસને ઘટના સ્થળેથી સ્યુસાઇડ નોટ મળી હતી. સ્યુસાઇડ નોટમાં કાજલ પ્રજાપતિએ લખ્યું હતું કે તૌસીફ પઠાણે મારી જિંદગી બરબાદ કરી નાંખી છે. મને ફોન કર્યો, મને બ્લેકમેલ કરતો હતો, મારી પાસે રૂપિયા માંગતો રહેતો હતો અને જ્યારે રૂપિયા આપવાની ના પાડી તો મારા પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બધી વાતોથી પરેશાન થઇને હું આત્મહત્યા કરુ છું.કાજલની દુનિયાને અલવિદા કહેવાને કારણે બે દીકરીઓ મા વિહોણી બની ગઇ છે.
મહેમદાવાદ પોલીસે આરોપી તૌસીફ પઠાણની ધરપકડ કરી છે અને તેનો મોબાઇલ પણ કબ્જે કર્યો છે.પોલીસે કહ્યું કે તૌસીફના મોબાઇલની FSL પાસે તપાસ કરાવવામાં આવી રહી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવામાં આવશે.
આપઘાત કરનાર મહિલાના પતિ પ્રકાશ પ્રજાપતિએ પોલીસને કરેલી ફરિયાદમાં કહ્યું છે કે તૌસીફ ખાન લગાતાર મારી પત્નીને પરેશાન કરતો હતો. તેણે એક વખત અમારા ઘરમાં ઘુસીને પત્ની સાથે છેડછાડ પણ કરી હતી. તૌસીફ છેલ્લાં 5 મહિનાથી પરેશાન કરી રહ્યો હતો. એ બાબતે પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. તે વખતે પોલીસે તૌફીકની ધરપકડ પણ કરી હતી. પરંતુ આમ છતા તેણે મારી પત્નીને પરેશાન કરવાનું બંધ નહોતું કર્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp