DGP સાહેબ હવે પોલીસવાળા સળગી રહ્યા છે, થોડુંક તેમની તરફ પણ ધ્યાન આપો

PC: khabarchhe.com

ટુંકાગાળામાં ગુજરાત પોલીસ અધિકારીઓની આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે. પોલીસની અનિયમિત જિંદગી અને કામના દબાણને કારણે ગુજરાત પોલીસના નાના મોટા અધિકારીઓ માનસિક રોગનો ભોગ બની રહ્યા છે. પોલીસની નોકરીમાં હથિયાર હાથવગુ હોવાને કારણે તેમને આત્મહત્યા કરવામાં વખત લાગતો નથી. અગાઉ અમદાવાદ અને વડોદરાના પોલીસ સબઇન્સપેક્ટરો આત્મહત્યા કરી ચૂંટ્યા છે. હવે શુક્રવારના રોજ વડોદરાના જ એક આસિસ્ટન્ટ પોલીસ સબઇન્સપેક્ટરે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટી જીવનનો અંત આણવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તે 60 ટકા દાઝી ગયા છે.

વડોદરાના સયાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ પોલીસ સબઇન્સપેક્ટર હસમુખ પરમાર છેલ્લા કેટલાક દિવસથી ડિપ્રેશનનો ભોગ બન્યા હતા. આ અંગે તેમના પરિવારજનો તેમને મનોચિકિત્સક પાસે પણ લઈ ગયા હતા અને તેમની સારવાર પણ શરૂ કરવામાં આવી હતી, પરંતુ ડિપ્રેશનમાં સરી પહેલા હસમુખ પરમારને સતત આત્મહત્યાનો વિચાર આવતો હતો અને તેમણે થોડા દિવસ પહેલા જીવનનો અંત આણવા ઉંઘની ગોળીઓ ખાઈ લીધી હતી, પરંતુ બચી ગયા હતા પરંતુ શુક્રવારના રોજ તેઓ ઘરે હતા ત્યારે તેમણે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દેતા, તેઓ ભડભડ સળગવા લાગ્યા હતા. અચાનક ઘરમાં આગ અને ધૂમાડો દેખાતા પરિવારના સભ્યો દોડી આવ્યા હતા.

અને તેમણે સળગી રહેલા હસમુખ પરમારના શરીર ઉપરની આગ ઓલવી તેમને બચાવી લઈ સીધા સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યા મોડીરાત્રે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. પરિવારનો આરોપ છે કે કામના સતત ભારણને કારણે તેઓ ડિપ્રેશનમાં ગયા અને તેમણે આ પગલુ ભર્યુ છે, અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે પોલીસ અધિકારીઓએ આત્મહત્યા કરી ત્યારે અમે સમાચારો દ્વારા DGPનું આ બાબતનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમણે આ તેમની જવાબદારી નથી, પણ સ્થાનિક કક્ષાના અધિકારીઓનો વિષય હોવાનું લેખિતમાં જણાવ્યુ હતું.

અમે પણ જાણીએ છીએ કે ગુજરાત પોલીસના નાના મોટા અધિકારીના સારા નરસા કામ માટે DGP જવાબદાર નથી, પણ પોલીસ દળના વડાના નાતે આ મામલે હવે કોઈ પોલીસ અધિકારી માનસિક રોગી બની આત્મહત્યા કરે નહીં, તે દિશામાં આપના તાબામાં નાના મોટા પોલીસ અધિકારીઓને આદેશ આપો અને પોલીસને બચાવી લો એટલી જ વિનંતી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp