EVM બદલાયાનો આક્ષેપ, મધરાતે ઉમેદવારોએ ગુજરાત કોલેજ બહાર કર્યો હલ્લાબોલ

PC: dainikbhaskar.com

રાજ્યમાં આજે એટલે કે, 23 ફેબ્રુઆરીના રોજ છ મહાનગરપાલિકાની ચૂંટણીની મત ગણતરી ચાલી રહી છે. ત્યારે 22 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે અમદાવાદમાં EVM બદલાયા હોવાના આક્ષેપો સાથે કેટલાક આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે ગુજરાત કોલેજની બહાર હોબાળો કર્યો હતો. આ ઘટનાને પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો.

રિપોર્ટ અનુસાર મત ગણતરીની આગળની રાત્રીએ અમદાવાદની ગુજરાત કોલેજના સ્ટ્રોંગ રૂમમાં મુકેલા EVM મશીનમાં મત ગણતરી પહેલા ચેંડા થયાની વાત ફરતી થઇ હતી. સાથે જ સત્તાધારી પક્ષના લોકોએ EVMની પેટીઓ વાહનમાં નાંખીને બદલી નાંખી હોવાની પણ અફવા વાયુ વેગે ફેલાઈ હતી. તેથી અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉભા રહેલા આમ આદર્મી પાર્ટીના અને કોંગ્રેસના ઉમેદવારો પોતાના સમર્થકોની સાથે ગુજરાત કોલેજ પર દોડી ગયા હતા. ગુજરાત કોલેજની બહાર તમામ લોકોએ હોબાળો કર્યો હતા. ગુજરાત કોલેજની બહાર હોબાળો થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. પોલીસની હાજરીમાં ઉમેદવારોએ પોતાના ટેકેદારોની સાથે કોલેજની અંદર પ્રવેશવા માટે ઘર્ષણ કર્યું હતું.

તો બીજી તરફ અમદાવાદની LD એન્જિનીયરિંગ કોલેજની બહાર પણ હોબાળો થયો હતો. આ હોબાળાનુ કારણ એ હતું કે, કોલેજના કેમ્પસમાં પાર્ક કરવામાં આવેલી પોલીસના સિમ્બોલવાળી કારની અંદરથી એક વ્હીસ્કીની બોટલ મળી આવી હતી. આ સમગ્ર મામલો બહાર લાવવા માટે અમદાવાદના જમાલપુર વોર્ડના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા ફેસબૂક લાઈવ કરવામાં આવ્યું હતું. જે કારમાંથી વ્હીસ્કીની બોટલ મળી હતી તેમાં કેટલાક લોકો બેઠા હતા અને કાર પર કોંગ્રેસ અને પોલીસનો લોગો લાગેલો હતો. કારમાં રહેતા તમામ ઇસમો નશાની હાલતમાં હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રવક્તા તુલી બેનર્જીએ એક ટ્વીટ કરીને વીડિયો અપલોડ કર્યો હતો. ટ્વીટમાં લખ્યું હતું કે, ચોર ચોરી કરે પોલીસ શું કરી રહી છે?, લોકશાહીને મુખદર્શક ન બનાવો. આ ટ્વીટમાં તુલી બેનર્જીએ ભાજપ પર EVMમાં છેડછાડ કરવાનો આક્ષેપ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp