હત્યાના ગુનામાં આરોપીને સજા થતા તેના આઠ વર્ષના બાળકની જવાબદારી પોલીસે ઉપાડી

PC: yoututbe.com

વડોદરા પોલીસની ફરી એકવાર માનવીય કામગીરી સામે આવી છે. થોડા દિવસ પહેલા વડોદરા શહેરમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિના કારણે પોલીસે પોતાના જીવના જોખમે લોકોને રેસ્ક્યુ કર્યા હતા અને એક PSIએ એક નાના બાળકને વાસુદેવ બનીને પાણીની બહાર કાઢ્યો હતો. રાજ્યના લોકોએ વડોદરાના પોલીસની આ સરાહનીય કામગીરીને વખાણી હતી. ત્યારબાદ ફરી એકવાર વડોદરા પોલીસની માનવતા સામે આવી છે. હત્યાના ગુનાના આરોપીને સજા થવના કારણે તેના આઠ વર્ષના બાળકની બધી જવાબદારી પોલીસે સ્વીકારી હતી.

એક રીપોર્ટ અનુસાર, 22 જાન્યુઆરી, 2018ના રોજ ગાજરાવાડી સુએઝ પંપિંગ સ્ટેશન પાસે રહેતી ગર્ભવતી કંકુબેન નામની મહિલાની હત્યા તેના જ પતિ ભરત દેવીપૂજક દ્વારા કરવામાં આવી હતી. પત્નીને ડાયાબિટીસની બીમારી હતી અને તે માટેના ઇન્સ્યુલીન ઇન્જેકશનના અઠવાડિયે 200 રૂપિયા ભરતને પોષાતા ન હતા એટલા માટે 22 જાન્યુઆરીની રાત્રે ભરતે પત્નીનું ગળું દબાવીને તેની હત્યા કરી હતી. ત્યારબાદ છ કલાક સુધી ભરત પત્નીની સાથે સુતો રહ્યો હતો અને તેની બાજુમાં પુત્ર પણ સુતો હતો. આ બાબતે પોલીસને જાણ થઇ ત્યારે ભરતે પત્નીનું કુદરતી મૃત્યુ હોવાનું રટણ કર્યું હતું અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં મહિલાની હત્યા કર્યાનું સામે આવતા પોલીસે ભરતની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી હતી. જેથી ભરતે પોતાનો ગુનો કબુલ કર્યો હતો.

ત્યારબાદ ભરતને કોર્ટ દ્વારા સજા કરવામાં આવતા તેનો આઠ વર્ષનો પુત્ર એકદમ દારુણ સ્થિતિમાં મુકાઈ ગયો હતો. આઠ વર્ષના નાના-નાનીની અને ફઈની પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેમણે બાળકની જવાબદારી લેવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ બાળકની જવાબદારી પોલીસ દ્વારા લેવામાં આવી હતી. SP ઓફિસમાં બાળકને રૂમ ફાળવી દેવામાં આવ્યો હતો. બાળક સારી રીતે ભણી શકે તે માટે પોલીસકર્મીઓ બાળકને ટ્યુશન આપી રહ્યા છે. બાળકને શાળાએ લેવા અને મુકવા જવાની જવાબદારી પણ પોલીસે ઉપાડી છે. આ ઉપરાંત વડોદરા, રાજકોટ અને અમદાવાદની સંસ્થાઓએ બાળક માટે પુસ્તકો, કપડાં અને રમકડાં મોકલ્યા હતા. આગામી દિવસમાં આ બાળકને ભણવા માટે હોસ્ટેલમાં મુકવામાં આવશે અને તેની જવાબદારી પણ પોલીસ દ્વારા ઉઠાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp