તેનો પતિ બીમાર હતો, તેણે ઘર ચલાવવા માટે પોતાની કુખ ભાડે આપી પછી શું થયું?

PC: tvnews4u.com

અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટેશનને LG હોસ્પિટલમાંથી સૂચના મળી કે તેમના વિસ્તારની એક મહિલાએ આત્મહત્યા કરવા માટે ફિનાઈલ પી લીધું છે અને સારવાર માટે LG હોસ્પિટલ લાવવામાં આવી છે. આ સૂચનાના આધારે પોલીસ LG હોસ્પિટલ પહોંચી પણ ત્યાં સારવાર લઈ રહેલી મહિલાની આપવીતી સાંભળી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. પોલીસે મહિલાની ફરિયાદના આધારે કરણસિંહ ચાવડા સામે બળાત્કારની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

અમરાઈવાડી વિસ્તારમાં રહેતી આ પરણીતાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. 2008મા આ પરણીતાના પતિને ગંભીર અકસ્માત થયો હતો, જેની સારવાર માટે તેને લાંબો સમય હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. અત્યંત મધ્યવર્ગી પરિવારની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં બાદ સાજો થયેલો પરણીતાનો પતિ કામકાજ કરી શકે તેવી સ્થિતિમાં ન હતો. તેના કારણે પરણીતાએ ઘર ચલાવવા માટે લોહી ખરીદતા લોકોના સંપર્કમાં આવી હતી. તે પોતાનું લોહી વેચતી હતી. આ દરમિયાન તેને કરણસિંહ ચાવડા નામનો વ્યક્તિ મળ્યો હતો. તેણે તેને કામ અપાવીશ તેવું કહ્યું હતું.

જો કે કરણસિંહને ઘણી હોસ્પિટલો સાથે સંપર્ક હતા. તેણે મહિલાને સ્ત્રી બીજ વેચવાનું કહ્યું અને પૈસા ખાતર પરણીતાએ હમણાં સુધી 65 વખત પોતાનું સ્ત્રી બીજ વેચ્યું હતું. આ દરમિયાન કરણસિંહએ મહિલાને સરોગસી મધર થવાની વાત કરી હતી, જેમાં તેને ચાર લાખ મળશે તેમ કહ્યું હતું. આ પરણીતા તેના માટે પણ તૈયાર થઈ અને સરોગસી કરી તેણે એક બાળકને જન્મ આપ્યો હતો. જો કે ત્યાર બાદ ચાર લાખ મળતા કરણસિંહે મહિલાને માત્ર એક લાખ જ આપ્યા હતા અને ત્રણ લાખ પોતે લઈ લીધા હતા. આ સંબંધો દરમિયાન અનેક વખત કરણસિંહ આ પરણીતા સાથે શરીર સંબંધ પણ બાંધી ચૂક્યો હતો.

પરણીતાએ જ્યારે પોતાના ત્રણ લાખની માગણી કરી ત્યારે કરણસિંહે તે પરણીતાને તેનો વીડિયો ક્લિપ બતાડી રૂપિયા 10 લાખની માગણી કરી હતી. મહિલાએ પોતાની પાસે પૈસા નહીં હોવાનું જણાવતા કરણસિંહે પરણીતાને તેની યુવાન દિકરી એક રાત માટે પોતાની પાસે મોકલી આપવા જણાવ્યું હતું. પરણીતા ડરી ગઈ હતી બીજી તરફ આબરૂ જવાની બીક લાગતી હતી અને પોતાની યુવાન દિકરીને પણ તેને બચાવવી હતી. કરણસિંહ સતત દસ લાખ માગી રહ્યો હતો. આખરે પરણીતાએ કંટાળી જીવનનો અંત આણવા માટે ફિનાઈલ પી લીધું હતું. જો કે પડોશી મહિલાને આ અંગે જાણ થતાં તે સારવાર માટે પરણીતાને હોસ્પિટલ લઈ આવી હતી.

અમરાઈવાડી પોલીસ પરણીતાની ફરિયાદ આધારે કરણસિંહ ચાવડા સામે બળાત્કાર સહિત તેના પૈસા પડાવી લેવા અને છેતરપીડીની ફરિયાદ નોંધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp