26th January selfie contest

કોન્ટ્રાકટ ફાર્મિગમાં ખેડૂતોના હિતને અગ્રીમતા અપાશે: કૃષિમંત્રી આર.સી.ફળદુ

PC: khabarchhe.com

કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું છે કે, મનુષ્યના શરીરની એક તાસીર હોય છે, તેમ જમીનની પણ ચોક્કસ તાસીર હોય છે. જમીનની તાસીરની ઓળખ કરવા માટે સરકાર દ્વારા સોઇલ હેલ્થ કાર્ડની યોજના અમલી બનાવી છે. જેની ફલશ્રૃતિ રૂપે આજે ગુજરાતનો જગતનો તાત પોતાની જમીનમાં કેટલી માત્રામાં કયા ખાતરની જરૂરીયાત છે. તે જાણીને યોગ્ય ખાતર આપીને મબલખ પાક મેળવી રહ્યો છે. 

ગાંધીનગર ખાતે યોજાયેલ એક દિવસીય સંકલિત કૃષિ અને ડબલીંગ ખેડૂત આવક વિષય પરના પરિસંવાદને ખુલ્લો મુકતા કૃષિ મંત્રી આર.સી.ફળદુએ વધુમાં જણાવ્યું હતું કે, સોઇલ હેલ્થ કાર્ડ યોજનાથી આજે જમીનની ચકાસણી કરાવ્યા બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં ખેડૂતોએ કદી ન કલ્પી હોય તેવી ખેતી કરી રહ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જયારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની શાસનધુરા સંભાળી તે પછી તરત જ ધરતીપુત્રના વિકાસ માટે મંથન કર્યું હતું. તેઓ આધુનિક ખેતી કરતા થાય અને નવીન સંશોધન વિશે જરૂરી માહિતી મળી રહે તે માટે વર્ષ-2005થી રાજયમાં કૃષિ મહોત્સવનો આરંભ કર્યો હતો. જેના થકી આજે ગુજરાતમાં કૃષિ ઉત્પાદનમાં અકલ્પનીય વધારો થયો છે.

ખેતી ઉત્પાદન નિયમ-1968 ધારા હેઠળ બજારોમાં કામ ચાલી રહ્યું હતું તેવું કહી ખેડૂતના હિતની ચિંતા કરતી સરકારે ગુજરાત ખેત ઉત્પાદન નિયમ-૨૦૦૭ અમલી બનાવ્યો હતો. કોન્ટ્રાકટ ફાર્મિગની પદ્ધતિનો ઉલ્લેખ કરી તેમણે આ પદ્ધતિમાં ખેડુતોના હિતની જાળવણીને અગ્રમતા કેવી રીતે આપવામાં આવી છે, તેની વિસ્તૃત વાત કરી હતી.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોની આવક ડબલ કરવા ઇચ્છી રહ્યાં છે, તેનો આનંદ વ્યક્ત કરીને આઇ.સી.આર.આઇ.ઇ.આર, ઇન્ફોસીસ ચેર પ્રોફેસર ડૉ.અશોક ગુલાટીએ જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક વધારવા માટે તેમની પાણીની જરૂરિયાત સંતોષવી ખૂબ જરૂરી છે. તે ઉપરાંત પાક-ધાન્ય- ફળફળાદી ઉત્પાદન સાથે સાથે તેની જાળવણી કરવાની સુવિધા, પ્રોસેસીંગ જેવી સુવિધા વધારવી ખૂબ જ જરૂરી છે. તેની સાથે સાથે કૃષિના વધુ ઉત્પાદન માટે રોડ-રસ્તાઓની ભૂમિકા પણ મહત્વની છે.

રસના ઇન્ટરનેશનલ લિમીટેડના સી.એમ.ડી. પીરૂઝા ખંભાતાએ જણાવ્યું હતું કે, દેશના ખેડૂતોની આવક કેન્દ્ર સરકાર વર્ષ-2022 સુધીમાં ડબલ કરવાની દિશામાં ચાલી રહી છે. જયારે ખેડૂતોના હિતની રક્ષા કરતી ગુજરાત સરકાર વર્ષ-2022 સુધી ખેડૂતોની આવક ડબલ કરવાની દિશામાં સુચારું આયોજન કરી રહી છે. તેમણે મેગા ફ્રૂડ પાર્ક બનાવવા પાછળના ઉમદા આશયની સમજ આપીને તેમા વિવિધ યોજનાઓ કેવી રીતે સાંકળી શકાય તેની રસપ્રદ વાત કરી હતી. કોન્ટ્રાકટ ફાર્મિંગની વાત કરીને ઉત્પાદન થયેલ પાકનું યોગ્ય પ્રોસેસીંગ કરીને સીધો માલ બજારમાં વેચવાથી કેટલો ફાયદો થશે તેની માહિતી આપી હતી.

આ પ્રસંગે કૃષિના અધિક મુખ્ય સચિવ સંજયપ્રસાદે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને સેમિનારનો ઉદ્દેશ સમજાવ્યો હતો. તેમજ પશુપાલન વિભાગના સચિવ ડૉ.એસ. મુરલીકિષ્ને આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે ભારત સરકારના પૂર્વ કૃષિ સચિવ સીરાઝહુસેન, અન્ન નાગરિક પુરવઠાના અગ્ર સચિવ સંગીતાસિંગ, માહિતી નિયામક નલીન ઉપાધ્યાય સહિત ખેતી ક્ષેત્રેના તજજ્ઞો અને ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના ચેરમેનઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp