લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની મુશ્કેલીમાં સતત વધારો, સાણંદના નેતાઓમાં અસંતોષ

PC: khabharchhe.com

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ જૂથબંધી સામે આવી છે. રાજકોટ, સુરત સહિતના નગરોમાં કોંગ્રેસના નેતા અને કાર્યકરોએ સ્થાનિક નેતાગીરીનો વિરોધ કર્યો છે. એટલું જ નહી કડીના કાર્યકરોએ કોંગ્રેસના કાર્યાલય બહાર દેખાવો યોજાયા હતા. દરમિયાન હવે અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે કોંગ્રેસમાં ભંગાણના એંધાણ વર્તાઈ રહ્યાં છે. આમ કોંગ્રેસની મુશ્કેલી ઓછી થવાને બદલે દિવસેને દિવસે વધી રહી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર જિલ્લા સમિતિમાં પાંચ જ્ઞાતિઓને સ્થાન નહીં આપવામાં આવતા સ્થાનિક કોંગ્રેસ આગેવાનોમાં નારાજગી ફેલાઈ છે. જેથી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિતના આગેવાનોની સાણંદ સરકીટ હાઉસમાં બંધ બારણે બેઠક મળી હતી. જેમાં લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી.

કોંગ્રેસના નારાજ આગેવાને જણાવ્યું હતું કે, આ અંગે પક્ષમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી. આગામી એક મહિનામાં અમારી માંગણીઓ નહીં સંતોષાય તો કોંગ્રેસની સામે અમે મોરચો ખોલીશું. સ્થાનિક આગેવાનોએ આ અંગે અગાઉ પ્રદેશ પ્રમુખ અને પ્રભારીને પણ રજૂઆત કરી હતી. તેમ છતા તેનો નિકાલ આવ્યો નથી.

કોંગ્રેસના તાલુકા પ્રમુખે જણાવ્યું હતું કે, સાણંદમાં કોંગ્રેસના નેતાઓમાં કોઈ અસંતોષ નથી. તેમને કોઈ સમસ્યા હશે તો તેનું નિરાકરણ લાવવામાં આવશે. સરકીટ હાઉસમાં કોંગ્રેસના આગેવાનોની મળેલી બેઠક લોકસભાની ચૂંટણીને લઈને મળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જૂથબંધી બહાર આવી છે. જેથી કોંગ્રેસ હાઈકમાન્ડે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ સહિતના આગેવાનોને ડેમેજ કન્ટ્રોલ માટે સૂચના આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp