જાણો અત્યાર સુધીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની કેટલા લોકોએ લીધી મુલાકાત

PC: deshgujarat.com

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનોખું આકર્ષણ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણના કારણે ગુજરાતને ગૌરવ વધારતું વધુ એક પ્રવાસન સ્થળ મળ્યું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીને નિહાળવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. નવા વર્ષની શરૂઆતમાં જ 18 હજાર લોકોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. મોટી સંખ્યામાં પ્રવાસીઓની મુલાકાતના કારણે તંત્રને એક જ દિવસમાં 36 લાખની આવક થઈ છે.

પ્રવાસીઓના ધસારાના કારણે તંત્રને કેટલીક જાહેર અપીલ કરવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતનો સમય સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી રહેશે. આગામી 12 નવેમ્બરના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જાહેર જનતા માટે બંધ રહેશે. રજાના માહોલ વચ્ચે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા જઈ રહેલા કેટલાક પ્રવાસીઓને તંત્રની અવ્યવસ્થાના કારણે કડવો અનુભવ પણ થયો હતો. લોકો સરદારની પ્રતિમાને નિહાળવા માટે પહોંચ્યા હતા પણ તંત્ર દ્વારા લોકોને પૂરતી સુવિધા ન મળતા તેમનો પ્રવાસ પરેશાનીઓમાં બદલાયો હતો.

તહેવારોની રજાના કારણે ભીડની શક્યતા હોવા છતાં પણ તંત્ર દ્વારા પીવાના પાણીની સુવિધા કરવામાં આવી ન હતી. જિલ્લા વહીવટી તંત્ર, નર્મદા નિગમ અને સરદાર વલભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ પોતાની જવાબદારી ભૂલ્યું હતું. પ્રવાસીઓને પડી રહેલી મુશ્કેલીને ધ્યાનમાં લઈને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. મુશ્કેલી પડવા છતાં પણ પ્રવાસીઓ સરદારની પ્રતિમાની મુલાકાત લેવા માટે આતુર છે. 31 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 34 હજાર લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યા છે. માત્ર પ્રતિમા જ નહીં પણ આસપાસનું કુદરતી વાતાવરણ પણ લોકોને આકર્ષી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp