કોરોના પોઝિટિવ આવી એ જ દિવસે અમદાવાદની મહિલા પતિ સાથે પૂણે ગઈ

PC: english.mathrubhumi.com

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ હજુ પણ કેટલાક લોકોમાં કોરોનાની ગંભીરતાને લઇને જાગૃત્તા ન આવી હોવાનું પણ સામે આવી રહ્યું છે. અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક મહિલાની બેદરકારીના કારણે અન્ય લોકો પણ કોરોના સંક્રમિત થઈ શકત. અમદાવાદમાં રહેતી એક મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવા છતાં પણ મહિલા હોમ ક્વોરેન્ટાઇનનો ભંગ કરી તેના પતિની સાથે કારમાં મહારાષ્ટ્રના પૂનામાં સંબંધીની ખબર કાઢવા માટે ગયા હતા. જો કે, આ વાત આરોગ્ય તંત્રના ધ્યાને આવતા દંપતી સામે અમદાવાદના મણિનગર પોલીસ સ્ટેશનમાં એપિડેમિક એકટ અનુસાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર અમદાવાદના મણિનગર વિસ્તારમાં શ્રીધર એપાર્ટમેન્ટમાં રહેતી નીલમ ગાયકવાડ નામની મહિલાએ 28 જૂલાઈના રોજ ધનવંતરી રથમાં એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો. એન્ટીજન ટેસ્ટ દરમિયાન જાણવા મળ્યું હતું કે, નીલમ ગાયકવાડ કોરોના પોઝીટીવ છે. મહિલામાં કોરોનાના લક્ષણો ન દેખાતા આરોગ્ય તંત્ર દ્વારા તેને હોમ કવોરેન્ટાઇન કરી સારવાર શરૂ કરવામાં આવી હતી.

કોરોના પોઝિટિવ હોવાના કારણે આરોગ્ય તંત્ર દ્વારા નીલમ ગાયકવાડને ઘરેથી બહાર નહીં નીકળવાનું સૂચન કર્યું હતું પરંતુ 31 જૂલાઈના રોજ જ્યારે મેડિકલ ઓફિસરની ટીમ નીલમ ગાયકવાડના ઘરે તપાસ કરવા માટે આવી તે સમયે ઘરની બહાર તાળું લાગેલું જોયું હતું. જેથી આરોગ્ય વિભાગના અધિકારીઓએ આસપાસના સ્થાનિક લોકોની પૂછપરછ કરી કરી હતી. સ્થાનિક લોકોની પૂછપરછ બાદ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોના પોઝિટિવ મહિલા નીલમ ગાયકવાડના પતિનો નંબર મેળવી આરોગ્ય અધિકારીએ મનીષ ગાયકવાડને આ બાબતે ફોન કરી વાતચીત કરતા મનીષ ગાયકવાડે જણાવ્યું હતું કે, તેઓ 28 જૂલાઇના રોજ પત્ની સાથે પૂના ગયા છે અને પત્નીને પૂનાની હોસ્પિટલમાં દાખલ કરી છે.

કોરાના પોઝિટિવ આવ્યા છતાં પણ મહિલા પતિ સાથે કારમાં પૂના ગઇ હોવાના કારણે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મણિનગર પોલીસ સ્ટેશનમાં નીલમ ગાયકવાડ વિરુદ્ધ એપેડેમીક એક્ટ અનુસાર ફરિયાદ નોંધાવી હતી.

તો આ પ્રકારની બીજી એક ઘટના 30 જૂલાઈના રોજ અમદાવાદમાં સામે આવી હતી. જેમાં અમદાવાદમાં એન્ટીજન ટેસ્ટ દરમિયાન એક મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ મહિલાએ અમેરિકાની ફ્લાઈટ પકડવાની હોવાથી મેડિકલ ટીમે આપેલી સલાહની અવગણના કરી મહિલા એરપોર્ટ જવા માટે રવાના થઈ હતી. આ બાબતે મેડિકલ ઓફિસરને જાણ થતાં તેઓએ તાત્કાલિક મહિલાની તમામ વિગતો એરપોર્ટ પર આપી હતી. તેથી એરપોર્ટના અધિકારીઓ દ્વારા મહિલાને ફ્લાઇટમાં જતા અટકાવવામાં આવી હતી. મહત્ત્વની વાત છે કે, જો મહિલાએ પ્લેનમાં મુસાફરી કરી હોત તો મહિલાની સાથે ફ્લાઈટમાં બેસેલા અન્ય પ્રવાસીઓને પણ કોરોનાનો ચેપ લાગવાની શક્યતા હતી પરંતુ આરોગ્ય વિભાગની સતર્કતાના કારણે અનેક પ્રવાસીઓ સંક્રમિત થતા બચી ગયા હતા.

રાજ્ય સરકાર એક તરફ કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે પરંતુ લોકોમાં હજુ પણ કોરોનાની ગંભીરતાને લઇને જાગૃત્તા ન હોવાના કારણે કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp