આ ત્રણ પોલીસ અધિકારીઓ દારૂની દશા બગાડે છે

13 Aug, 2017
01:31 PM
PC: khabarchhe.com

1960માં ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા ત્યારથી ગુજરાતમાં દારૂબંધી છે, છતાં આજ સુધી દારૂ પીવા માગતી કોઈ વ્યકિત દારૂ વગર તરસી રહી નથી, તે વાસ્તવિકતા છે, તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં દારૂબંધીના કડક અમલ માટે ગુજરાત સરકારે કાયદો બનાવ્યો, જો કે તેનો થોડો ઘણો ડર કોઈને લાગ્યો હોય તો તે દારૂ પીનાર છે. પણ દારૂ વેચનાર તો તંબાકુની પડીકીને જેમ કાયદાને ખીસ્સામાં લઈ નિકળે છે, ગુજરાત પોલીસ છેલ્લાં ત્રણ મહિનામાં સત્તાવાર દારૂના આંકડા પ્રમાણે રૂપિયા છ કરોડનો દારૂ પકડાયો છે, તેનો અર્થ તેના કરતા દસગણો દારૂ પોલીસની જાણ બહાર અથવા તેની રહેમનજર નીચે ગુજરાતમાં ઘુસી ગયો છે.

હવે સામે ગુજરાત વિધાનસભાની ચુંટણી આવી રહી છે. ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાજકિય પક્ષો જાહેરમાં ભલે દારૂબંધીની વાત કરતા હોય, પણ તેમને ખબર છે. ચુંટણીમાં તેમના માટે દારૂ વેચવો અનિવાર્ય છે, રાજકિયપક્ષો દારૂની વહેચણી કરે છે,. તેની પોલીસને પણ ખબર હોય છે, કારણ પોલીસની જાણ બહાર નેતાઓ આ કામ ખાનગીમાં કરી શકતા નથી, પણ દારૂબંધીના મામલે ગુજરાત પોલીસનો બહુમતી વર્ગ ઉદારવાદી હોય તો પણ ગુજરાત પોલીસમાં કેટલાંક અધિકારી એવા છે કે જેઓ કોઈ પણ કિમંતે દારૂ વેચાય તે મતના નથી.દારૂના મામલે તેમનુ આકરૂ વલણ ભાજપને પણ હવે નડી જશે તેવુ લાગી રહ્યુ છે, જાહેરમાં નહીં તો પણ ખાનગીમાં સ્થાનિક નેતાઓ અને ધારાસભ્ય સરકારના ધ્યાન ઉપર પોતાની વિનંતી મુકી રહ્યા છે આ અધિકારીઓની બદલી કરજો નહીતર આપણને મુશ્કેલી પડશે.

જોકે, ભાજપ સરકાર દ્વારા જે પ્રકારના અધિકારીઓને ચોક્કસ સ્થળે મુકવામાં આવ્યા છે, તેનો ચોક્કસ હેતુ છે, અને તે પૈકીનો એક હેતુ દારૂબંધીનો કડક અમલ પણ છે, પણ હવે ચુંટણી ટાળે સરકારે થોડુ નમતુ જોખવુ જોઈએ તેવુ ભાજપ અને કોંગ્રેસ બંન્ને માને છે. હાલમાં જેમના નામે બુટલેગરો ફફડે છે તેમાં પ્રથમ ક્રમાંકમાં સુરત રેન્જના એડીજીપી ડૉ શમશેરસિંગ છે. બીજા ક્રમે આઈજીપી હસમુખ પટેલ છે, અને ત્રીજા ક્રમે અમદાવાદના પોલીસ કમિશનર એ કે સિંગ છે, આ ત્રણે અધિકારીઓએ પોતાના વિસ્તારના પોલીસ અધિકારીઓ ઉપર ધોસ વધારી દીધી છે કે ખબરદાર તમારા વિસ્તારામાં દારૂ મળ્યો તો તમને છોડીશ
નહીં, સ્વભાવીક છે કે નોકરીના જોખમે પોલીસ અધિકારીઓ દારૂના ધંધા સાથે ભાગીદારી કરતા નથી.

જો આ ત્રણે પોલીસ અધિકારીઓ પોતાના મુળ સ્થાને જળવાઈ રહે તો ચોક્કસ દારૂના મામલે રાજકિય પક્ષો મુશ્કેલીમાં આવી શકે છે. તેના કારણે આ ત્રણે અધિકારીઓ કોઈ એવા પદ ઉપર પોસ્ટીંગ આપી દેવામાં આવે જેથી કરી ખાસ તેઓ દારૂના મામલે હસ્તક્ષેપ કરી શકે નહીં, આ ઉપરાંત અમદાવાદ રેન્જના આઈજીપી નિરજા ગોટરૂ અને વડોદરા રેન્જના જી એસ મલીક પણ દારૂના મામલે આકરા છે, હવે સવાલ એવો છે કે તેમની કામ પ્રત્યેની પ્રતિબધ્ધતાને કારણે આ અધિકારીઓને એકઝીકયુટીવ પોસ્ટીંગ આપ્યા પછી, તેમને પાછા બોલાવવા પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે, કારણ તેઓ દારૂના મામલે તો મુખ્યપ્રધાનનો આદેશ પણ માનશે નહીં.

- (પ્રશાંત દયાળ)

 

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Leave a Comment: