પાવાગઢમાં આઠમ પર માનવ મહેરામણ ઉમટ્યું, મંદિરમાં પગ મૂકવાની જગ્યા નહીં, જુઓ ફોટો

PC: sanjsamachar.net

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરના કેસમાં ઘટાડો થતા છૂટછાટ આપવામાં આવી છે. ખાસ કરીને આ વખતે ધાર્મિક સ્થાનમાં છૂટછાટ અપાતા લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. આઠમા નોરતે પાવાગઢમાં આશરે 2 લાખ ભક્તોનું ઘોડાપુર આવી જતા મંદિરમાં પગ મૂકવાની જગ્યા ન હતી. જેના કારણે તંત્ર પણ થોડા સમય માટે મુશ્કેલીમાં મૂકાઈ ગયું હતું. પાવાગઢ શિખર પર ભીડને કારણે ક્યાંય પણ જુઓ ભીડભાડના દ્રશ્યો જોવા મળ્યા હતા.

ભાવિકોની ભીડનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં જોવા મળ્યું હતું કે, હૈયે હૈયુ દળાય એવી ભીડ દેખાઈ રહી છે. ગુજરાત રાજ્યમાં નવરાત્રીનું વિશેષ મહત્ત્વ હોય છે. ખાસ કરીને આઠમા નોરતે દેવીસ્થાનના દર્શનનો અનોખો મહિમા હોય છે. જેના કારણે સૌ ભક્તો માતાજીના મંદિર દર્શન કરવા માટે આવી જાય છે. પાવાગઢના શિખરેથી રેકોર્ડ કરેલો એક વીડિયો વાયરલ થયો હતો. આ સાથે ભીડના કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયા પર જોરશોરથી શેર થઈ રહ્યા છે. લાખોની સંખ્યામાં ભક્તો આવ્યા હોવાનું મનાય રહ્યું છે. મા શક્તિની આરાધના અને નોરતાની ભક્તિમાં લોકો કોરોનાને પણ ભૂલી ગયા. આ પહેલા આસો સુદ આઠમના દિવસે પણ અહીં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું. આશરે 2 લાખ લોકોએ મહાકાલીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. એ પહેલા વરસતા વરસાદમાં પણ લોકોએ ઊભા રહીને પાવાગઢ મંદિરમાં દર્શન કર્યા હતા. હજું પણ ભક્તોનો સતત ધસારો જોવા મળી રહ્યો છે. નવલાં નોરતા હવે સમાપન થવા પર છે. આ પવિત્ર દિવસોમાં માતાજીની આરતી કરીને ધન્યતા અનુભવી લેવાના આશયથી પાવાગઢના મહાકાળી મંદિરે લોકો ઉમટી પડ્યા હતા.

ભાવિકોનો પ્રવાહ એટલો હતો કે મંદિરના પગથીયાં ઉપર પણ પગ મુકવાની જગ્યા ન હતી. આમ છતાં ભાવિકોએ ખીચોખીચ જનમેદની વચ્ચે પણ દર્શનનો લ્હાવો લીધો હતો. થોડા સમય માટે મંદિર ટ્રસ્ટને પણ ભીડને પહોંચી વળવા માટે મુશ્કેલી પડી હતી. જ્યારે ડુંગર શરૂ થાય એ પહેલાના કેટલાક વિસ્તારમાં વાહનોના થપ્પા લાગેલા જોવા મળ્યા છે. ભક્તોએ બેથી ત્રણ કિમી સુધી પદયાત્રા કરીને પણ ડુંગરના દ્વાર સુધી પહોંચ્યા હતા. જોકે, અહીં પોલીસે પણ ભક્તોની ભીડને પહોંચી વળવા માટે વ્યવસ્થા કરાવવા કામગીરી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp