બે IPS અધિકારીની કોલ્ડવોરમાં સસ્પેન્ડ થયેલા કોન્સ્ટેબલનો ગોડ ફાધર કોણ છે?

PC: dnaindia.com

ગુજરાત પોલીસના સિનિયર મોસ્ટ IPS અધિકારી શિવાનંદ ઝા અને અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંગ વચ્ચે લાંબા સમયથી કોલ્ડવોર ચાલી રહી હતી. તાજેતરમાં અમદાવાદના સોલા અને સેટેલાઈટ વિસ્તારમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે કોલ સેન્ટરો ઉપર દરોડો પાડ્યો હતો અને દરોડા વખતે રેડને રોકવા સરદારસિંગ નામનો એક કોન્સ્ટેબલ દોડી આવ્યો હતો. આ બાબત અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંગના ધ્યાન ઉપર મૂકવામાં આવતા તેમણે સરદારસિંગને સસ્પેન્ડ કરી દીધો છે. જો કે આ ઘટના પછી શિવાનંદ ઝા અને એ.કે.સિંગને પૂછવામાં આવે કે તમને વાંધો ક્યાં પડ્યો ત્યારે મને સફાઈપૂર્વક કહેશે કે તેઓ નિયમ પ્રમાણે જ કામ કરી રહ્યા છે પણ હવે તેમના વચ્ચે તંગ થયેલા સંબંધોની જાણ ચીફ મિનીસ્ટર ઓફિસ સુધી થઈ છે.

છેલ્લા પાંચ-સાત વર્ષથી અમદાવાદમાં ચાલી રહેલા અસંખ્ય કોલ સેન્ટરો દ્વારા વિદેશમાં વસતા નાગરિકોને ડરાવી તેમની પાસેથી કરોડો રૂપિયા રોજ પડાવી લેવામાં આવતા હતા. ગુજરાત પોલીસ માટે આ કોલ સેન્ટરો દારૂ કરતા પણ વધારે કમાણી કરી આપતા હતા પરંતુ ત્રણ વર્ષ પહેલા અમેરિકાના FBI દ્વારા આ મામલે તપાસ શરૂ કરી અને પોતાના અમેરીકન નાગરિકોને અમદાવાદ અને મુંબઈના કોલ સેન્ટરો દ્વારા લૂંટવામાં આવી રહ્યા છે, તેવી જાણકારી મળતા અમેરીકાના દુતાવાસ દ્વારા ભારત સરકારને આ મામલે પત્ર લખ્યો હતો, જેની અસર મુંબઈ અને અમદાવાદ પોલીસ સુધી પહોંચી હતી.

આ મામલે અમદાવાદ પોલીસના કેટલાંક અધિકારીઓ સક્રિય રીતે સંકળાયેલા હતા. અમદાવાદ પોલીસની મહત્ત્વની ગણાતી પ્રિવેન્સ ઓફ ક્રાઈમ બ્રાન્ચમાં આ સ્ટાફ ફરજ બજાવતો હતો, જેમાં કોન્સ્ટેબલ સરદારસિંગ પણ હતો. અમદાવાદ પોલીસ કમિશનર તરીકે શિવાનંદ ઝા જ્યારે નિયુક્ત થયા ત્યારે તેમણે પોતાની ટીમ પસંદ કરી અધિકારીઓ અને સ્ટાફને મૂક્યા હતા. સામાન્ય રીતે પોલીસ કમિશનર બદલાય તેની સાથે PCB સ્ટાફ પણ બદલાય છે પણ એ.કે.સિંગ પોલીસ કમિશનર થયા પછી તેમણે શિવાનંદ ઝા દ્વારા મૂકવામાં આવેલા સ્ટાફને યથાવત રાખ્યો હતો. આમ PCB શહેરના ચાલતા નાના મોટા તમામ ધંધાઓ અને કોલ સેન્ટરોની પ્રવૃત્તિથી વાકેફ હતી.

તાજેતરમાં સેટેલાઈટ વિસ્તારમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સાયબર બ્રાન્ચે દરોડોના કાર્યવાહી શરૂ કરી ત્યારે તેમને રોકવા PCBનો કોન્સટેબલ સરદારસિંગ ત્યાં પહોંચી ગયો હતો. જો કે મહત્ત્વની બાબત એવી છે કે સરકારસિંગનો ગોડ ફાધર કોણ છે? સરદારસિંગ તો આખી રમતનું એક પ્યાદુ છે. ખરેખર સરદારસિંગ કોના માટે કામ કરે છે અને કોના આદેશથી તે રેડ રોકવા માટે કોલ સેન્ટર ઉપર પહોંચ્યો હતો, તેની તપાસ કરવાની જરૂર છે. જો કે સરદારસિંગને પોલીસ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસના અનેક ઉચ્ચ અધિકારીઓ નારાજ થયા છે, કારણ તેમની સહાનુભૂતિ સરદારસિંગ સાથે છે.

તેમનો બચાવ એ છે કે જ્યારે કોલ સેન્ટર ઉપર રેડ થઈ ત્યારે સરદારસિંગને જાણકારી મળી કે કોઈ નકલી પોલીસવાળા રેડ કરવા આવ્યા છે. તેથી તે ખરેખર પોલીસ છે, નકલી પોલીસ છે તેની ખરાઈ કરવા ત્યાં પહોંચ્યો હતો પણ જ્યારે સરદારસિંગને ખબર પડી કે ક્રાઈમ બ્રાન્ચ છે ત્યારે તે ત્યાંથી પરત ફર્યો હતો. સરદારસિંગે પોતાના બચાવમાં પણ સિનિયર પોલીસ અધિકારીઓને આ કારણ જ આપ્યું છે. જો કે કોલ સેન્ટર ઉપર પોલીસે રેડ કરી તે જાણકારી નજીકમાં આવેલા સ્થાનિક પોલીસ સ્ટેશનને ના થઈ પણ સેટેલાઈટથી દસ કિલોમીટર દૂર અમદાવાદ કમિશનર બેસતા સરદારસિંગને કોણે જાણ કરી તેનો જવાબ તો તે પોતે જ આપી શકે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp