ગિફટ સિટીમાં યસ બેન્કના IFSC ન્યૂ હેડકવાર્ટરનો પ્રારંભ

PC: facebook.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વાસ વ્યકત કર્યો છે કે ગિફટ સિટી હવે ઝડપભેર ફાયનાન્સિયલ વર્લ્ડનું પાવર હાઉસ બની રહ્યું છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તત્કાલિન મુખ્યમંત્રી તરીકે ગિફટ સિટીના નિર્માણથી ગુજરાતને માત્ર નાણાં સંસ્થાઓ જ નહિ પરંતુ કોમોડિટી એકસચેન્જ, શેર ટ્રાન્ઝેકશન્સસ, ડેરીવેટીવ્ઝ અને આંતરરાષ્ટ્રિય સ્ટોક માર્કેટનું હબ બનાવવાનું સેવેલું સપનું હવે સાકાર થયું છે.

મુખ્યમંત્રીએ ગિફટ સિટીમાં યસ બેન્કના IFSC ન્યૂ હેડકવાર્ટરનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આ સાથે યસ બેન્કના યુ.એસ.ડી. બોન્ડ ઇસ્યુઅન્સ અને આઇ.એન.એકસ.નો બેલ વગાડી શુભારંભ કરાવ્યો હતો.

વિજય રૂપાણીએ યસ બેન્કને ર વર્ષના ટૂંકા સમયગાળામાં ર બિલીયન અમેરિકી ડોલરના નાણાં કારોબાર માટે અભિનંદન પાઠવ્યા હતા. અન્ય બેન્કો માટે આ ઘટના પ્રેરણારૂપ બનશે તેવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રના નેતૃત્વની કેન્દ્ર સરકારે વર્તમાન બજેટમાં ગિફટ સિટી માટે જે વિશેષ પ્રોત્સાહનો આપ્યા છે તે ગુજરાતને દેશના નવા આર્થિક કેન્દ્રના રૂપમાં વધુ વ્યાપક સ્તરે વિકસીત કરશે.

તેમણે જણાવ્યું કે, દેશની કુલ વસ્તીના પાંચ ટકા વસ્તી ધરાવતું ગુજરાત દેશના અર્થતંત્રના વિકાસમાં સાત ટકાથી વધુ યોગદાન આપી રહ્યું છે.

‘‘ગુજરાતે વિશ્વને બતાવ્યું છે કે ભવિષ્યને ધ્યાને રાખીને ફયુચરીસ્ટીક ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ કરાવાય તો મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન બની શકાય છે’’ એમ વિજય રૂપાણીએ ગુજરાતમાં સુદ્રઢ રોડ, વીજળી, પાણી જેવી સુવિધાઓની વિગતો આપતાં ઉમેર્યુ હતું. તેમણે DMIC, GIFT SEZ, બૂલેટ ટ્રેન જેવા બહુઆયામી પ્રકલ્પોની પણ વિશદ ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રીએ વિશ્વાસ દર્શાવ્યો કે ગિફટ સિટીમાં ફાયનાન્સીયલ ઇન્સ્ટીટયૂટસ, બેન્કસ વગેરેના આગમનથી ગુજરાતના યુવાઓ માટે અનેકવિધ રોજગાર અવસર મળશે.
એટલું જ નહિ, યુવાશકિતના સામર્થ્યને ભરોસે વડાપ્રધાનએ ન્યૂ ઇન્ડીયાના નિર્માણનો જે સંકલ્પ કર્યો છે તે પણ પાર પાડવામાં ગુજરાત અગ્રેસર રહેશે.

આ અવસરે યસ બેન્કના એમ.ડી. અને CEO રાણા કપૂરે ગુજરાતમાં યસ બેન્કના વ્યાપ વિસ્તારની વિગતો સાથે રાજ્ય સરકારના પ્રોત્સાહક અભિગમની પ્રસંશા કરી હતી.
ગિફટ સિટી SEZના ચેરમેન મહેશ્વર શાહૂ, બી.એસ.ઇ.ના ચેરમેન એસ. સુરેશ, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહે પ્રાસંગિક સંબોધનમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટને એ જ ત્વરાથી પારદર્શી પધ્ધતિએ આગળ ધપાવવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીની કાર્યરીતિની સરાહના કરી હતી.

મુખ્ય સચિવએ ભારત સરકાર ગિફટ સિટીને મોડેલ રૂપ બનાવવા સંકલ્પબધ્ધ છે ત્યારે ગુજરાત સરકાર એ માટે સંપૂર્ણ સજ્જ હોવાની વિગતો આપી હતી.
આ પ્રસંગે ગિફટ સિટીના ચેરમેન અને પૂર્વ મુખ્યસચિવ સુધીર માંકડ, યસ બેન્ક, BSE અને INXના પદાધિકારીઓ, આમંત્રિતો, ઊદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp