સુરતમાં પાનના ગલ્લા, ચાની લારી પર કરાયું ટેસ્ટિંગ, જુઓ કેટલા પોઝિટિવ મળ્યા

PC: ytimg.com

સુરતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમો દ્વારા લોકોના ઘરે-ઘરે જઈને કોરોના પોઝિટિવ દર્દીઓને શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ સુરતમાં ધનવંતરી રથ દ્વારા પણ ખુબ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં 15 સપ્ટેમ્બરના રોજ 151 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા અને અત્યાર સુધીમાં કુલ 18,092 પોઝિટિવ કેસ નોંધાય ચુક્યા છે. 15 સપ્ટેમ્બરે સુરત મહાનગરપાલિકાની 2,453 સર્વેલન્સ ટીમ દ્વારા 9,05,334 વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત સુરતના 5,315 ઘરોમાં રહેતા 22,791 લોકોને હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરતના અલગ-અલગ વિસ્તારમાં રસ્તા પર ગેરકાયદેસર રીતે વસ્તુનું વેચાણ કરતા 287 પાથરણાવાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

કોરનાનું સંક્રમણ રોકવા માટે સુરત મહાનગરપાલિકાના અલગ-અલગ ઝોનની દ્વારા સુરતમાં આવેલા પાનના ગલ્લા અને ચાની લારી પર પણ કોરોના ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી હતી. જેમાં 8 ઝોનમાંથી પાનના ગલ્લા અને ચાની દુકાન 855 લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા જેમાંથી 7 વ્યક્તિ પોઝિટિવ હોવાનું સામે આવ્યો હતો.

સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ દ્વારા 212 પાનના ગલ્લા અને ચાની લારી ધરાવતા લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, તેમાંથી 1 વ્યક્તિ પોઝિટિવ આવ્યો હતો. વરાછા-એ ઝોનમાં 67 વ્યક્તિના રિપોર્ટ કરવામાં આવતા 1 વ્યક્તિ પોઝિટિવ આવ્યો હતો. વરાછા-બી ઝોનમાંથી 22 લોકોના રિપોર્ટ કરવામાં આવતા એક પણ પોઝિટિવ આવ્યો હતો. રાંદેર ઝોનમાં 127 લોકોનો ટેસ્ટ કરવામાં આવતા 2 વ્યક્તિ પોઝિટિવ આવ્યા હતા. કતારગામ ઝોનમાં 139 લોકોનો ટેસ્ટ કરવામાં આવતા 1 વ્યક્તિ પોઝિટિવ આવ્યો હતો. ઉધના ઝોનમાં 94 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો તેમાંથી 2 વ્યક્તિ પોઝિટિવ આવ્યા હતા. સુરતના અઠવા ઝોન વિસ્તારમાં 87 લોકોનો ટેસ્ટ કરાયો હતો અને એક પણ વ્યક્તિ પોઝિટિવ આવ્યો ન હતો. આ ઉપરાંત લિંબાયત ઝોનમાં 107 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો પરંતુ એક પણ વ્યક્તિ પોઝિટિવ હોવાનું સામે આવ્યું ન હતું. આમ સુરતના 8 ઝોન વિસ્તારમાં પાનના ગલ્લા અને ચાની લારી ધરાવતા 855 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતું અને તેમાંથી કુલ 7 વ્યક્તિ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યુ હતું.

સુરતમાં હીરા ઉદ્યોગ ફરીથી કોરોનાનો હોટસ્પોટ ન બને તે માટે સુરતના કતારગામ ઝોન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. કતારગામ વિસ્તારમાં આવેલા નીતા એક્સપોર્ટમાં 2 કર્મચારી પોઝિટિવ આવતા સરીન ડિપાર્ટમેન્ટ બંધ કરાવવામાં આવ્યો હતો અને કારખાનામાં વેન્ટિલેશનની સુવિધા ન હોવાના કારણે દંડની વસૂલાત કરવામાં આવી હતી. આ ઉપરાંત કતારગામ જૂની ઝોન ઓફીસની નજીક આવેલા શિવમ જ્વેલર્સની ઓફિસમાં 2 વ્યક્તિ પોઝિટિવ આવતા જ્વેલર્સના બીજા માળ પર આવેલો મીકેનીકલ ડીપાર્ટમેન્ટ બંધ કરાવવામાં આવ્યો હતો. કતારગામ પંડોળ વિસ્તારમાં આવેલા નીતા એક્સપોર્ટમાં પણ 2 કર્મચારી પોઝિટિવ આવ્યા હોવાના કારણે પાંચમો માળ બંધ કરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત કારખાનામાં વેન્ટિલેશનની સુવિધા ન હોવાના કારણે દંડની વસૂલાત કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp